સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૪૮)

લો ઉપેક્ષિત, અમ પ્રમાણ!

Wednesday 12th April 2017 06:50 EDT
 
 

પૂર્વ માહિતી વિભાગ નિયામક રાયસિંહ યાદવે આ વાતો જાહેરમાં મૂકી અને ‘નેતાજી મિશન’ના સંશોધક અનુજ ધરને પણ જણાવી હતી.
પછી રાધાકૃષ્ણન - વિજયા લક્ષ્મી આ બાબતે ‘અમે કશું જાણતા નથી’ એવી મુદ્રામાં કેમ આવી ગયાં હશે? હિન્દુ ફિલસૂફી માટે ખ્યાત રાધાકૃષ્ણનને એવી કઈ મજબૂરી નડી કે તેમણે ખૂલ્લી રીતે - આપણા મહાનાયકની મુલાકાતનો સ્વીકાર કરીને તત્કાલીન શાસન પાસે, ભારતમાં સુભાષ - આગમનનો આગ્રહ ન રાખ્યો?
કેન્દ્ર સરકારનાં વિવિધ વિભાગોમાં પડેલી ફાઈલોની યે કરમકહાણી આપણા પ્રશાસનિક અને રાજકીય સ્થાપિત હિતોની જ વિડંબના છે. જસ્ટિસ મુખરજી તપાસ પંચ દરમિયાન એટલી વિગતો મળી કે ૨૦૨ દસ્તાવેજો પ્રાપ્ત થઈ શકે તેવા હતા. ૭૦,૦૦૦ પાનાંમાં પથરાયેલી વિગતોનું શું? ક્યાં તેને ભંડારી દેવાઈ હતી?
કેટલીક ‘ખાનગી’ ફાઈલો ખૂલ્લી ન કરવા માટેનું કારણ એવું જણાવાયું કે પશ્ચિમ બંગાળમાં તેનાથી કાયદો - વ્યવસ્થાના પ્રશ્નો પેદા થઈ શકે તેમ છે.
આવું થશે જ તેવું નક્કી કરનારા વહીવટી અધિકારીઓ જ છે કે રાજકારણીઓ પણ હતા? ૨૦૨ દસ્તાવેજોમાંથી તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટિલના સમયે માત્ર ૯૧ ને જ બહાર પાડવામાં આવ્યા. પરંતુ આરટીઆઇને લીધે પછીથી કેટલીક સામગ્રી ખૂલ્લી કરાઈ. કેટલીક અભિલેખાગારને આપવામાં આવી. ૯ મે, ૨૦૧૫ના વડા પ્રધાનને સમગ્ર બોઝ પરિવાર મળ્યો. ચંદ્રકુમાર બોઝ સહિતના સૌને નરેન્દ્ર મોદીએ સાંભળ્યા. વડા પ્રધાને સ્પષ્ટ કહ્યુંઃ ‘રાષ્ટ્રની એ જવાબદારી બને છે કે નેતાજીનાં અદૃષ્ટ થવાનાં રહસ્યની પૂરી વિગતો બહાર આવે. દરમિયાન પશ્ચિમ બંગાળની સરકારે પોતાના કબજામાં સંચવાયેલી ૬૪ ફાઇલો જાહેર કરી. તેમાંથી એટલું પ્રમાણિત થયું કે ૧૯૪૫માં નેતાજી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા નહોતા. ક્યાંક જીવતા હતા.
ક્યાંક એટલે ક્યાં?
ભારત સરકારે એક પછી એક ફાઈલો જાહેરમાં મૂકવા માંડી તેમાં બીજાં ઘણાં વિસ્ફોટક તથ્યો ઉજાગર થયાં, પણ નેતાજી રશિયા પહોંચ્યા તેના પ્રમાણો નું શું?
ડિસેમ્બર ૧૯૪૬માં એ.સી. નામ્બિયાર - જે જર્મનીમાં નેતાજીના સાથી હતા - તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નેતાજી જીવતા છે અને રશિયામાં છે.
થોડા સમયમાં ભારત-વિભાજનની પરિસ્થિતિ સર્જાઈ. આઝાદ હિન્દ ફોજના હબીબુર રહેમાન - જે છેક સુધી નેતાજીની સાથે હતા અને ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ની વિમાન-દુર્ઘટનામાં નેતાજી માર્યા ગયાની જાહેરાત કરી હતી તે - પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
આ સમાચાર અંગે ગાંધીજીનો કોંગ્રેસજન સાથેનો વાર્તાલાપ નોંધાવ્યો છે.
કોંગ્રેસજનઃ બાપુ, રહેમાન પાકિસ્તાનમાં હિજરત કરી
ગયા છે.
બાપુઃ I wished that my other son was here!
‘Harilal?’ asked a congressman who had witnessed the mahatma rebuking nehru and Patel for failing to contain the communal violence.
‘not him. subhas, I mean.’
‘but he's dead!’
‘Not dead. He's in Russia,’ Gandhi said.
(Anuj Dhar, what happended to Netaji, Page 12)
‘ઓઈ મહામાનવ એસે’ પુસ્તકમાં તો, એવું પણ જણાવાયું છે કે ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ અને બાંગલાદેશ નિર્માણ સમયે ‘મુક્તિ વાહિની, સૈનિકી વડા સામ માણેકશા અને વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનો ફૈઝાબાદના ‘મહાકાલ’ ભગવાનજી સાથે સંપર્ક હતો. ખુદ બાંગલાદેશના શેખ મુજિબુર રહેમાને પણ તેમનો ‘આધ્યાત્મિક શક્તિ’નો સહજ અનુભવ કર્યો હતો, તે સ્વયં નેતાજી સુભાષચંદ્ર જ હતા! પરંતુ, આ વાતનું કોઈ સમર્થન મળતું નથી. ૨૦૧૦ના મે મહિનામાં અહેવાલો આવ્યા કે ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધના તમામ દસ્તાવેજો લશ્કરે નષ્ટ કરી નાખ્યા હતા.
ડો. ભીમરાવ આંબેડકરે ભારતીય સ્વતંત્રતા મળવાનું શ્રેય ગાંધીજીને નથી આપ્યું તે ૧૯૫૫ ફેબ્રુઆરીમાં બીબીસીની મુલાકાતમાં દર્શાવાયું છે. ઓક્ટોબર ૧૯૫૬માં ક્લેમેંટ એટલી સાથે કલકતાના મુખ્ય ન્યાયમૂર્તિ પીબી ચક્રવર્તીની મુલાકાત થઈ, તે વિશે તેમણે સ્મરણ આલેખ્યું છે, આ શબ્દોમાં.
‘ચર્ચાનો અંત આવી રહ્યો હતો ત્યારે મેં બ્રિટિશરોએ ભારત છોડવાનો નિર્ણય લીધો તેમાં ગાંધીજીનો કેવો પ્રભાવ હતો તે પૂછયું સવાલ સાંભળ્યા પછી એટલીના હોઠ પર વ્યંગ સાથેનું સ્મિત હતું, તે માત્ર એક જ શબ્દ, ધીરેથી બોલ્યાઃ M-I-N-I-M-A-L!!’
બ્રિટિશ ઇતિહાસકાર માઇકલ એડવર્ડ તો નાટ્યાત્મક શૈલીમાં પોતાનાં પુસ્તક ‘ધ લાસ્ટ યર્સ ઓફ બ્રિટિશ ઇન્ડિયા’માં લખ્યું છે કેઃ ભારતીય સૈન્યમાં હવે વિશ્વાસ રાખી શકાય તેમ નથી. લાલ કિલ્લામાં - જ્યાં આઇએનએ સેનાપતિઓ સામે મુકદમો ચાલી રહ્યો છે - સુભાષ ચંદ્રનું ભૂત-હેમલેટના પિતાની જેમ - અસ્તિત્વમાં હતું, તેને લીધે સ્વતંત્રતા પ્રાપ્તિનો રસ્તો સરળ બન્યો. લેફ્ટનંટ જનરલ એસ. કે. સિંહા ભારતીય સૈન્યમાં જનરલ માણેકશા અને મેજર અયુબ ખાનની સાથે મિલિટરી ઓપરેશનમાં હતા, તેમણે સ્વીકાર્યું કે ‘આઝાદ હિન્દ ફોજ યુદ્ધના મેદાન કરતાંયે તે પછી વધુ પ્રભાવી સાબિત થઈ હતી.’ ભારતીય સૈન્યના ૯૦ ટકા સૈનિકો ફોજના સમર્થનમાં હતા. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને આઇબીના પૂર્વ વડા અજિત દોવલનું તો સ્પષ્ટ માનવું છે કે ભારતીય સૈન્યમાં વિપ્લવ થશે અને તે સંભાળી શકાશે નહીં એમ બ્રિટિશ સરકાર સમજી ગઈ હતી.

•••

...પરંતુ સ્વપ્નદૃષ્ટા સુભાષ, તમારી જિંદગીના ઉત્તરાર્ધથી અમે ક્યારે સુપરિચિત થઈ શકીશું?
ક્યારેય?
કઈ ભીડથી અલગ એકાંતિક ખોવાયા હતા, તમે? ક્યાં તમે અંતિમ શ્વાસ લીધો હતો?
રેંકોજી દેવળ તો એક છદૃમ કથા છે, ખરેખર કઈ જમીન તળે - તમારો ચૈતન્યથી વિરામ તરફ દોરાયેલો દેહ - ધૂળમાં દટાયો હશે યા અગ્નિદાહ દેવાયો હશે?
કોણ જાણે!
પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આઝાદીજંગના તેજસૂર્ય. એ ‘રાષ્ટ્રપિતા’ નહીં, ‘રાષ્ટ્રનાયક’ હતા અને તેમણે - અપાર મતભેદો અને ઉપેક્ષાના અનુભવો પછી યે - સુદૂર એશિયાની ધરતી પરથી સંબોધન કરતાં ‘રાષ્ટ્રના હે પિતા...’ કહ્યું હતું, ગાંધીજીને. ૬ જુલાઈ, ૧૯૪૫ના એ રેડિયો-પ્રસારણમાં નેતાજીની એક જ ચિંતા હતી કે ૧૯૪૨ના ભારત-છોડો આંદોલનની દેખીતી નિષ્ફળતાઓથી એક નૈતિક અંધારપટ છવાઈ ગયો હતો, અને ત્યારે - આરાકાનના અરણ્યમાં, ઇરાવતી નદીના કિનારે, આઝાદ ફોજ મરણિયો રક્તરંજિત જંગ ખેલી રહી હતી. ગાંધી ભારતમાં હતા અને ભારતમાં તેમણે કોંગ્રેસ નેતાઓ - કાર્યકર્તાને નૈતિક બળ પૂરું પાડવાનું હતું. આ દીર્ઘ દૃષ્ટિથી સુભાષબાબુએ કહ્યુંઃ મહાત્માજી, તમે ભરોસો કરજો કે આ કઠિન મુસીબતોથી ઘેરાયેલા રસ્તે યાત્રા શરૂ કરતાં પૂર્વે દિવસો-મહિનાઓ સુધી મેં તેનાં પરિણામનું ચિંતન કર્યું છે. દેશની બહાર પહોંચ્યા સિવાય ભારતને સ્વાધીન કરવાનું શક્ય લાગ્યું હોત, એકાદ બિંદુ પણ તેવી આશા હોત તો મેં ભારત છોડ્યું ન હોત.
આ રસ્તો મેં કેમ અપનાવ્યો છે તે વિશે પણ તમને કહેવું છે. એ તો સર્વસંમતિનું તથ્ય છે કે બ્રિટિશ જેટલું ધૂર્ત અને ચતુર કૂટનીતિક બીજું કોઈ નથી. શું તમે એવું માનો છો કે કોઈના દ્વારા પ્રેરિત થયો છું? જે બ્રિટિશ સરકારના હાથે મને કારાવાસ-દંડ, અત્યાચાર અને માર સુદ્ધાં સહન કરવા પડ્યા તેઓ જ મને દબાવી નથી શક્યા તો દુનિયાની બીજી કોઈ તાકાત તેવું કરી શકે તેમ નથી.
એવા પણ દિવસો હતા કે જાપાન દુશ્મન હતું. હું ત્યારે અહીં આવ્યો નહોતો. ઇંગ્લેન્ડ-જાપાનનો સંપર્ક ચાલુ હતો ત્યારે અહીં આવવાનું કલ્પનામાં પણ વિચાર્યું નહોતું. જાપાને બ્રિટિશ-અમેરિકાની ખિલાફ યુદ્ધ ઘોષિત કર્યું, પછી હું સ્વૈચ્છિક રીતે અહીં આવ્યો.
મહાત્માજી, તમે ય સારી પેઠે જાણો છો કે વાયદા-વચનો પર ભારતને વિશ્વાસ નથી. જો જાપાને માત્ર વાયદા-વચન જ કર્યાં હોત તો મેં પણ ભરોસો કર્યો ન હોત...
સ્વાધીનતાની પ્રાપ્તિ માટેની ભારતની આ અંતિમ લડાઈ ચાલુ છે. આઝાદ હિન્દ ફોજ હવે ભારતની અંદર (ઇમ્ફાલ) આવીને બહાદૂરીપૂર્વક લડી રહી છે. અનેક સંકટોની વચ્ચે અમે આગળ વધી રહ્યા છીએ. જ્યાં સુધી છેલ્લો અંગ્રેજ ભારત છોડી ન જાય ત્યાં સુધી, અને આપણો રાષ્ટ્રીય ધ્વજ નવી દિલ્હીમાં લાટ સાહેબના મકાન પર ફરકે નહીં ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.
રાષ્ટ્રના હે પિતા, ભારતના આ પવિત્ર મુક્તિ સંગ્રામ માટે તમારા આશીર્વાદ અને શુભેચ્છા ચાહીએ છીએ...’
રાષ્ટ્રીય સંઘર્ષના માર્ગો વિશેના મતભેદ છતાં, કોંગ્રેસ નેતાઓ - જવાહરલાલ જેમાં મુખ્ય હતા - આઝાદ ફોજના નિમિત્તે જાપાનીઓ અતિક્રમણ કરશે તેવો પ્રચાર કરતા હોવા છતાં - આ તેજપુરુષ માત્ર અને માત્ર ભારત-મુક્તિ અર્થે ગાંધીજીને આવી રીતે સંબોધિત કરી રહ્યો હતો.
તેની ભીતરમાં નેતાજીનું ‘નાયકત્વ’ હતું, આ નાયક માત્ર ક્રાંતિકાર નહોતો, સાહસિક હતો, બલિદાની હતો, કુશળ સંગઠક હતો, નિર્ભીક હતો. ભારતનો રાષ્ટ્રવાદ પ્રજાના અંતરમનમાંથી સરજ્યો છે અને તેને આધ્યાત્મિકતા તેમજ સંસ્કૃતિના સિંચનથી પોષણ મળ્યું છે એવો તેમનો દૃઢ વિશ્વાસ હતો.
તેમનું રાજકીય - આર્થિક - સામાજિક દર્શન એશિયન સિંહની ગર્જનાને પુનઃ અભિવ્યક્ત કરવા સાથે જોડાયેલું હતું.
એશિયાના અનેક દેશોની સ્વતંત્રતાની લડાઈ માટે મથનારા નેતા-પ્રજાના તે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ માર્ગદર્શક હતા.
જાપાન તેમને રાષ્ટ્રનાયક તો માનતું જ હતું, જનરલ તોજોના શબ્દોમાં તેમનું વ્યક્તિત્વ ભગવાન બુદ્ધ સરખું હતું.
ભારત જેમને સમજી ના શક્યું તેમને જાપાનનો વડા પ્રધાન તોજો બરાબર સમજી શક્યો! નેતાજીએ ‘બુદ્ધ’ અને ‘યુદ્ધ’ બન્ને વિચારોનું, જીવન દર્શનનું સહજ-સ્વાભાવિક રીતે પોતાનાં જીવનનું માધ્યમ બનાવ્યું. એ યુદ્ધ ઇચ્છતા હતા પણ યુદ્ધખોર નહોતા. યુદ્ધ કરોડો દેશવાસીઓનાં શોષણ અને ગુલામીની સામે. સ્વાધીન ભારત મનુષ્યકલ્યાણ માટેના જગદ્ગુરુનું સ્થાન લેશે તેવી શ્રદ્ધા સાથે તે લડી રહ્યા હતા, છેવટના શ્વાસ સુધી લડતા રહ્યા હશે એવો દરેક ભારતીયનો વિશ્વાસ!
અને છતાં-
તેમની અંતિમ યાત્રાનો આ વિરામ કવિવર ટાગોરના શબ્દોમાં-

જાણો છો તમે?
મારી પ્રકાશિત ક્ષણોમાં
ઘણું બધું અસમાપ્ત છે,
ઘણું છિન્નભિન્ન.
વિખરાયેલું અહીં-તહીં.
કેટલું ઉપેક્ષિત
અને અંતહીન!
(સમાપ્ત)

લેખકની કેફિયત...

વિરામ નહીં, અલ્પવિરામ?

‘ગુજરાત સમાચાર’માં આ નવલકથા એક વર્ષથી વધુ સમય સુધી પ્રકાશિત થઈ રહી હતી, હવે તે પૂરી થઈ છે.
લગભગ ૩૦૦ જેટલાં પુસ્તકો, દસ્તાવેજો, ત્રણ તપાસપંચના તારણો, ડી-ક્લાસિફાઇડ ફાઇલો અને વ્યક્તિગત મુલાકાતો ઉપરાંત કેટલાંક મહત્ત્વનાં સ્થાનોનો પ્રવાસ કરીને આ નવલકથા લખાઈ છે. આપણા ગુજરાતી વિદ્વાન વિવેચકો તેને કદાચ ‘નવલકથા’ તરીકે માન્ય ન પણ કરે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એકવીસમી સદીમાં માત્ર લેખક અને વાચક જ નહીં, તેણે લખેલી કથા-નવલકથાનું સ્વરૂપ અને પરિભાષા પણ બદલાઈ રહ્યાં છે. જૂનાપુરાણા માપદંડથી હવે તેનું મૂલ્યાંકન થતું નથી અને તેમાં પશ્ચિમની સાહિત્યિક દુનિયા ઘણી સક્રિય છે, આગળ વધી ગઈ છે. એ દૃષ્ટિએ આ કથા નવલકથા છે, દસ્તાવેજી નવલકથા છે અને ઇતિહાસકથા પણ છે.
તેનાં આલેખન માટે કેટલાંક નિમિત્તો ઘણાં સમયથી ઉપસ્થિત હતાં. તેમાંનું એક તો ભારતીય સ્વાતંત્ર્યજંગના ઇતિહાસમાં સ-શસ્ત્ર સંઘર્ષ કરનારાઓનાં જીવન, કાર્ય અને ફિલસૂફી પરનો કાં તો અંધારપટ છવાયેલો રહ્યો અથવા તો તેમને ન-ગણ્ય માનવામાં આવ્યા, ખોટી રીતે આલેખવામાં આવ્યાં. આ ઉપેક્ષાએ ભારતીય ઇતિહાસ લેખનમાં ભારે અ-ન્યાય પેદા કર્યો તે હજુ નિરંતર ચાલુ છે.
બીજું કારણ એ પણ રહ્યું કે આમ થવાથી ઇતિહાસની ‘ભારતીયતા’ને વધુ અસરકારક રીતે પ્રસ્તુત કરી શકાઈ નહીં અને નવી પેઢી તે વિગતોથી વંચિત થઈ જવાથી તેની પાસે ‘ઇતિહાસમાંથી પ્રેરણા’ પ્રાપ્ત કરવાની સામે દિવાલ ઊભી થઈ ગઈ. પશ્ચિમનાં નાનકડા દેશો પણ પોતાના અતીતને યોગ્ય રીતે નજર સામે રાખીને સમાજનિર્માણનું કામ કરતા આવ્યા છે તેવું આપણે ત્યાં બન્યું નહીં (ધૂમકેતુની એક ખ્યાત નવલિકા ‘વિનિપાત’માં ડભોઈના પ્રાચીન અવશેષને એક વિદેશી અફસર પોતાને ગામ લઈ જઈને ચોકમાં, ઉધાનની વચ્ચે સ્થાપીને પોતાના નગરજનોને ગૌરવપૂર્વક કહેવા ઇચ્છતો હતો કે જુઓ, હું આ સાંસ્કૃતિક વૈભવી દેશમાં હતો! એ જ અવશેષો એ નગરને માટે નકામા પથરા હતા તે જોઈને ત્યાંના શાસ્ત્રી બોલ્યા, ‘પડે છે, ત્યારે સઘળું પડે છે!’)
આ નિઃશ્વાસે વર્તમાન ઘડ્યો તેનાં કારણો ઓછાં નથી. પહેલીવાર જ્યારે મેં આપણા ખ્યાત ગુજરાતી લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી...’ વાંચી ત્યારે અનેકોની જેમ હું પણ તેની કથાવસ્તુ અને શૈલી પર મુગ્ધ થઈ ગયો હતો, પણ તેનો છેલ્લો ભાગ વાંચીને સ્તબ્ધ થઈ જવાયું, બીજાં વિશ્વયુદ્ધ દરમિયા સિંગાપુર – રંગુન થઈને ભારતનાં ઇમ્ફાલ સુધીની રણભૂમિ પર સુભાષચંદ્ર બોઝ અને તેના ૩૫,૦૦૦ સૈનિકોની આઝાદ હિન્દ ફોજે રક્તરંજિત બલિદાન આપ્યાં, તેનું સા-વ વિપરિત વર્ણન ‘ઝેર તો પીધાં છે...’માં કરવામાં આવ્યું અને સુભાષબાબુ વિશેય આઘાતજનક વિધાનો કરાયાં છએ. એવો બચાવ થઈ શકે કે એ તો તેમાંનાં પાત્રોના મોંમાંથી નિકળેલા વિધાનો છે. પણ તેવું નથી. છેલ્લા ભાગમાં પાત્રોપરાંત વર્ણનમાં એક પ્રકારના પૂર્વગ્રહના પડછાયો છે.
મારી ખિન્નતા એ પણ હતી કે આટલાં વર્ષ સુધી, તે લેખક અને નવલકથા વિશે અનેક લેખો અને પુસ્તકો લખાયાં છે પણ કોઈનું આ ‘ઇતિહાસદૃષ્ટિ’ની અસ્પૃશ્યતા તરફ કાં તો ધ્યાન જ ગયું નથી અથવા આ ગંભીર ક્ષતિથી ઉપેક્ષા કરવામાં આવી છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝના કોલકાતાથી કાબુલ થઈને જર્મની-જાપાન સુધી પહોંચવું અને રાસબિહારી બોઝની પ્રેરણા સાથે ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ (આઇએનએ) બનાવવી, અંતમાં આઝાદ હિન્દ સરકાર રચવી અને બ્રિટિશરો સામે ભારતમુક્તિ માટે જાપાનની સહાયથી યુદ્ધ જાહેર કરવું - આ તેમના જીવનનો ‘ઉત્તરાર્ધ’, તત્કાલીન ભારતીય જાહેરજીવનમાં બે પ્રકારના અભિપ્રાયો જરૂર ધરાવતો હતો પણ તેમણે જાપાનની મદદ લીધી એનું પ્રબળ કારણ તો અણથક રાષ્ટ્રપ્રેમ હતો. બીજાં વિશ્વયુદ્ધમાં જાપાને વિજય મેળવ્યો હોત તો વિશ્વનો નકશો જૂદો હોત અને ભારત પણ ‘ઓરિએન્ટલ’ સમાનતા ધરાવનારા જાપાન સાથે મૈત્રી રાખીને સ્વાધીન બન્યું હોત. આ તથ્ય પ્રત્યે આંખો મીચી રાખવાની માનસિકતાએ જે અધૂરાં મૂલ્યાંકનના રસ્તા તરફ દોર્યા તેમાં કેટલાક વિચારકો - લેખકો - રાજકારણીઓ પણ જાણે અજાણે ફસાઈ ગયા. ‘દર્શક’ તેમાંનું ગુજરાતી ઉદાહરણ છે.
આ પ્રતિક્રિયામાંથી સર્જાયેલી નવલકથા એટલે ‘સુભાષકથાઃ અંતિમ અધ્યાય’. પહેલાં તો વિચાર્યું હતું કે યુદ્ધના દાવાનળ વચ્ચે સર્જાયેલી એમિલી શેન્કલ સાથેની તેમની પ્રણયકથાને મુખ્ય કથાવસ્તુ બનાવવી. પણ તેમનાં જીવનના ૧૯૪૫ અને પછીનાં વર્ષોનાં તથ્યો બહાર આવતાં ગયાં છે તે પછી લખ્યું કે સુભાષ-મૂલ્યાંકન માટે તો બીજાં વિશ્વયુદ્ધથી અત્યાર સુધીની તેમની જીવનકથા બીજા ઘણા રહસ્યોનો સ્ફોટ કરે છે અને હજુ તેમાં વિરામ મુકાયો નથી, અલ્પવિરામ જ છે! વિયેતનામ, આયર્લેન્ડ, તિબેટ, ચીન, બાંગલાદેશ સુધીના તેમનાં અસ્તિત્વની કથા - દંતકથા - તથ્યોની વિગતો બહાર આવી રહી છે. અહીં ભરાતમાં પણ તેમનાં વર્ષો ‘મહાકાલ ભગવાન દેવ’ તરીકે વીત્યાં હતાં તેવું માનનારા એક વર્ગની માગણથી ઉત્તર પ્રદેશ સરકારે જસ્ટિસ વિષ્ણુ સહાયની તપાસ સમિતિ પણ નિયુક્ત કરી છે. એક વર્ગ તો એમ
પણ માને છે કે નેતાજી એમિલી સાથેનાં લગ્ન નહોતાં થયાં અને તે કલ્પિત કથા છે!
આપણાં ઇતિહાસમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એક એવું મહાન પાત્ર છે, જેનાં જીવન વિશે અ-પાર રહસ્યોનાં વાદળો તો સર્જાયાં છે અને તેમના વિશેની અપ્રિતમ લાગણી-આદર એવાંને એવાં અકબંધ રહ્યાં છે, ખૂદ મોરારજીભાઈ દેસાઈએ સમર ગુહાને સંસદમાં કહ્યું હતું કે નેતાજી જીવંત હોય અને અહીં આવે તો નિશ્ચિતપણે તેઓ ‘સર્વોચ્ચ’ સ્થાપિત થયા હોત, બીજા કોઈ વંશ કે વારસદારોનો પ્રભાવ ન રહ્યો હોત!
આ પુસ્તકથી તત્કાલીન ઇતિહાસની દીર્ઘયાત્રા નો મને અનુભવ થયો છે, ‘ગુજરાત સમાચાર’ (અને ગુજરાતી દૈનિકો જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર)ના વાચકોનો ય એવો જ અહેસાસ છે તેની પ્રતીતિ સંખ્યાબંધ વાચકોના ફોન, રૂબરૂ વાતચીત અને સંદેશાઓથી થઈ છે. ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશકતંત્રી અને પરમ મિત્ર સી. બી. પટેલે તેનું દરેક સપ્તાહે પ્રકાશન કરવાની સંમતિ આપી તે માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું તમારા પ્રતિભાવોની અપેક્ષા છે.
જલદીથી આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે.
- વિષ્ણુ પંડ્યા
(email: [email protected])


comments powered by Disqus