વોશિંગ્ટનઃ ચંદ્ર યાત્રા માટે એક પછી એક ખાનગી કંપનીઓ તૈયાર થઈ રહી છે. અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કે ચંદ્ર પર બે પ્રવાસીઓને મોકલવાની જાહેરાત કર્યા પછી હવે એમેઝોને ચંદ્ર યાત્રાની જાહેરાત કરી છે. જગવિખ્યાત ઓનલાઈન ડિલિવરી કંપની એમેઝોનના સીઈઓ ઝેફ બેઝોસે જાહેર કર્યુ છે કે ૨૦૨૦માં તેઓ ચંદ્ર પર સામાન ડિલિવર કરશે. જગતભરમાં સામાન પહોંચાડવા માટે જાણીતી કંપની એમેઝોન એ સાથ અવકાશમાં પણ ડિલિવરી કરતી થઈ જશે. ઝેફ બેઝોસે ખાસ અવકાશ પ્રવાસ માટે જ બ્લુ ઓરિજિન નામની અલગ કંપની સ્થાપી છે.
ઝેફના કહેવા પ્રમાણે ૨૦૨૦માં રવાના થનાર કાર્ગોમાં એવો સામાન હશે, જે ત્યાં બાંધકામ માટે ઉપયોગી થાય. ભવિષ્યના પ્રવાસો માટે અને લાંબા રહવાસ માટે ચંદ્ર સહિતના બાહ્ય અવકાશી પદાર્થો પર કોલોની બાંધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચંદ્ર પર બાંધકામ કરવા માટે જોઈએ એવી અંદાજે ૪૫૦૦ કિલોગ્રામની સામગ્રી પ્રથમ ખેપમાં મોકલાશે.
રસપ્રદ રીતે બેઝોસે પોતાના ચંદ્ર આયોજન માટે પહેલાથી જ ત્યાં જમીન નક્કી કરી રાખી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આવેલા શેકલટન ક્રેટર પાસે બેઝોસે જમીન રિઝર્વ કરી રાખી છે. આ એવું સ્થળ છે, જ્યાં સતત સૂર્ય પ્રકાશ પડતો રહે છે. આથી બાંધકામ કરનારાઓને થોડી મદદ મળી શકે એવું સ્થળ છે. ‘નાસા’એ પણ આ સ્થળ ચંદ્રયાત્રા માટે મહત્ત્વનું ગણાવ્યું હતું.

