‘જીવંત પંથ’ના યાત્રિકની અંતરેચ્છા... હજુ કંઈક પામવું છે, આપવું છે, કરવું છે

સી. બી. પટેલ Wednesday 12th April 2017 06:09 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, માતૃવંદનાનું અભિનવ અભિયાન વાત વાતમાં શરૂ થયું. એક નાના શા વિચારે તેને દેશવ્યાપી સ્વરૂપ આપ્યું. વીતેલા પખવાડિયામાં યોજાયેલા પાંચ જાહેર કાર્યક્રમોમાં કોકીલકંઠી માયાબહેન દીપકે કંઇકેટલાયના મસ્તક ડોલાવ્યા અને હૃદયના તાર ઝણઝણાવ્યા. સાજિંદા તેમજ વિવિધ કાર્યક્રમોના ઉત્સાહસભર આયોજકોએ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉઠાવેલા પરિશ્રમે સાચે જ મને સહુ કોઇ પ્રત્યે આભારવશ બનાવી દીધો છે. કોણ કોનું કામ કરે છે?! અંતે તો આ સમાજનું કામ છે, સંસ્કારનું કામ છે. આપણી આગવી પ્રગતિના પગથાર પરનું આ પ્રયાણ છે. આ બધું યોગાનુયોગ બને છે.
કોકિલાબહેન અને કમલભાઇએ ૨૬ માર્ચના રોજ મધર્સ ડેની ઉજવણીનું આયોજન નક્કી કર્યું ત્યારે ખબર નહોતી કે અંગ્રેજી તારીખના આ દિવસે તો હિન્દુ પંચાગ પ્રમાણે ફાગણ વદ તેરસ તિથિ છે. આ દિવસ એટલે પંચાગ પ્રમાણે મારો ૮૦મો જન્મદિવસ. ભારતીય વિદ્યાભવન હોલમાં કોઇએ મને આ યોગાનુયોગ યાદ પણ કરાવ્યો. જોકે તે પહેલાં તો આ વાત મારા ધ્યાનમાં આવી ગઇ હતી, પરંતુ કોઇ આપણા જન્મદિવસની વાત કરે, અભિનંદન સહ શુભકામના વ્યક્ત કરે ત્યારે આનંદ થવો માનવસહજ સ્વભાવ છે. આમાંથી હું તે કેમ બાકાત રહી શકું?!
પ્રેસ્ટન એટલે બ્રિટનમાં મારું વતન. આમ લખવામાં, કહેવામાં કે સ્વીકારવામાં મને લગારેય ખચકાટ નથી. શનિવારે માતૃવંદના અભિયાનનો આખરી અંક ત્યાં સાદર થયો. અમે ચારેય જણાં (કોકિલાબહેન, કમલભાઇ, આપણા સહુના જૂના ને જાણીતા હરિધામણના વતની સુરેન્દ્રભાઇ અને આપનો આ સેવક) રાતના અગિયાર વાગ્યે લંડન પરત આવવા નીકળ્યા. પરોઢિયે સાડા ત્રણ વાગ્યે મને ઘરે ઉતાર્યો.
લંડનથી લેસ્ટર, લફબરો, પ્રેસ્ટન અને લંડન પરત - લગભગ અઢી દિવસનો આ પ્રવાસ અમારા ચારેય માટે યાદોં કી બારાત જેવો બની રહ્યો. પ્રવાસ દરમિયાન ચારેય અલકમલકની વાતોએ વળગ્યા હતા. ક્યારેક ગીત-સંગીત-ભજનની વાત ચાલતી હતી તો ક્યારેક જીવનમાં માણેલાં નાના-મોટા અનુભવોની ઉજાણી કરી. આ સમગ્ર અભિયાન એક પ્રકારે જાણે અમારા જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞમાં તાજેતરના ગાળામાં શિરમોરસમાન બની રહ્યું.
અમારા સાથીઓ કમલભાઇ, કોકિલાબહેન તેમજ બીજા સહુ સહયોગીઓ કેટલા સમર્પિત છે તેનું પ્રમાણ આ કાર્યક્રમોની જ્વલંત સફળતામાં ઝળકે છે. સહુ સાથીદારોનો ઉત્સાહ-ઉમળકાભર્યો સંગાથ જ આપ સહુને સતત અને સદૈવ કંઇક વધુને વધુ અર્પણ કરતા રહેવાની ભાવના પ્રેરતો રહે છે.
નિવાસસ્થાનથી નિવાસસ્થાન વાયા લેસ્ટર - પ્રેસ્ટનની આ સફર દરમિયાન મારા મનમાં કંઇકેટલાય ગીત-ગઝલ-કવિતા-ભજન-સ્તુતિ રમતા રહ્યા. આમાંની બે કૃતિ એટલે રામનારાયણ પાઠક ‘દ્વિરેફ’ની કૃતિ ‘પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે...’ અને બીજી રચના છે બાબા આનંદની ‘તું રંગાઇ જાને રંગમાં...’
‘પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે...’ રજૂ કરતાં હું સાચે જ ભાવવિભોર થઇ રહ્યો છું. માતા-પિતા, ગુરુજી, ભેરુઓ, વેરીડા (?), જીવનસાથી, ઓલ્યા મહાત્મા અને સમગ્ર જગતને પ્રણામ... રામનારાયણ પાઠક આપણી માતૃભાષાના મોટા ગજાના લેખક. કવિ અને વિવેચક, ‘દ્વિરેફ’ ઉપરાંત ‘શેષ’, ‘સ્વૈરવિહારી’ ઉપનામ ધરાવતા આ લેખકે જાણે કે મારા સ્પંદનો આ અમર કૃતિમાં આબાદ ઝીલી લીધા છે. બાબા આનંદની રચના ‘તું રંગાઇ જાને રંગમાં...’ એ પણ એક સત્વશીલ સંદેશવાહક જ છેને?!
વયના વધવા સાથે જો મારી તન-મનની સ્ફૂર્તિ હેમખેમ રહી હોય તો તે માટે આપ સહુનો ઉપકાર માનું તેટલો ઓછો છે. આપ સહુના આશીર્વાદ સતત કંઇક વધુ સાદર કરવા પ્રેરણા આપતા રહ્યા છે. ઉપરવાળો મહેરબાન હોય તો અંતરમનની શક્તિ આપોઆપ મહોરી ઉઠતી હોય છે.
આપ સહુના સહૃદયી સેવક સી.બી.ના નતમસ્તક વંદન સહ ૐ નમઃ શિવાય...

•••

રંગાઈ જાને રંગમાં

રચનાઃ બાબા આનંદ

રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
આજે ભજશું કાલે ભજશું
ભજશું સીતા રામ, ક્યારે ભજશું રાધે શ્યામ
શ્વાસ ખૂટશે નાડી તૂટશે પ્રાણ નહીં રહે તનમાં... રંગાઈ જાને રંગમાં...
જીવ જાણતો ઝાઝું જીવશે
મારું છે આ તમામ, પેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જાણજે, જાવું પડશે સંગમાં... રંગાઈ જાને રંગમાં...
સૌ જીવ કહેતા પછી જંપીશું
પહેલા મેળવી લો ને દામ, રહેવાના કરી લો ઠામ
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં... રંગાઈ જાને રંગમાં...
ઘડપણ આવશે ત્યારે ભજીશું
પહેલાં ઘરના કામ તમામ, પછી કરીશું તીરથ ધામ
આતમ એક દી’ ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં... રંગાઈ જાને રંગમાં...
બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ?
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ભમે તું ઘમંડમાં... રંગાઈ જાને રંગમાં...
રંગ રાગમાં ક્યારે રટાશે?
રહી જાશે આમને આમ, માટે ઓળખને આતમરામ
બાબા આનંદે હરિ ૐ અખંડ છે ભજ તું શિવની સંગમાં... રંગાઈ જાને રંગમાં...

•••

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે
પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,
એવાં કાયાનાં કીધેલાં જતન જી.
બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.
ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યા કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.
ચોથા પરણામ મારા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.
પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,
છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.
સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.
છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

– રચના: રામનારાયણ પાઠક ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’
•••


comments powered by Disqus