BAPS સ્વામીનારાયણ સંસ્થાના સૌથી વરિષ્ઠ અને અનુભવી સાધુઓમાં સ્થાન ધરાવતા પંડિત ઈશ્વરચરણ સ્વામી આગામી તા. ૧૯ જુલાઇના રોજ ટુંક સમય માટે યુકેની મુલાકાતે આવી રહ્યા છે. પૂ. સ્વામીજી તા. ૩૧ જુલાઇના રોજ અમેરિકા જવા રવાના થશે. તેઅો લંડન ખાતે રોકાશે અને વિવિધ સત્સંગ સભાઅોનો લાભ આપશે. છેલ્લા ૫૬ વર્ષથી સાધુપદ શોભાવતા ઈશ્વરચરણ સ્વામીએ વિશ્વનો સઘન પ્રવાસ કરવા સાથે બહોળું વાચન કર્યું છે અને ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં તેમણે સેવા આપી છે.
સ્વામીજીનો જન્મ મુંબઈમાં ૧૯૩૮માં શિષ્ટ અને સુશિક્ષિત પરિવારમાં થયો હતો. તેમના પૂર્વાશ્રમના પિતા હર્ષદરાય ટી. દવે વિદ્વાન અને સફળ લેખક હતા અને એક સમયે શિક્ષણવિદ અને ભારતીય વિદ્યા ભવનના સ્થાપક ક.મા. મુનશીના સહાયક પણ રહ્યા હતા.
ઈશ્વરચરણ સ્વામીએ મુંબઈમાં કેમિકલ એન્જિનીઅરીંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે યુવાવસ્થામાં બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજ સાથે ૧૯૬૦માં આફ્રિકા સહિત અન્ય સ્થળોએ પ્રવાસ કર્યો હતો. તેમણે ૧૯૬૧માં બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. ઘણા વર્ષો સુધી યોગીજી મહારાજના અંગત સહાયક તરીકે સેવા આપી હતી અને ૧૯૭૦માં તેમના લંડન પ્રવાસમાં જોડાયા હતા. યોગીજી મહારાજના નિધન પછી તેમણે બ્રહ્મસ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં ૪૫ વર્ષ સેવા આપી હતી.
પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ તેઓ ગાંધીનગર અને નવી દિલ્હીમાં સ્વામીનારાયણ અક્ષરધામ પ્રોજેક્ટ્સ તેમજ લંડન અને નોર્થ અમેરિકા સહિત મુખ્ય તમામ મંદિરો માટે પ્રોજેક્ટ લીડર રહ્યા હતા. અત્યારે મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ તેઓ રોબિન્સવિલે, ન્યૂ જર્સી, યુએસએમાં સ્વામીનારાયણ અક્ષરધામ પ્રોજેક્ટના પણ પ્રોજેક્ટ લીડર છે. પ્રતિભાવંત કળાકાર અને લેખક ઈશ્વરચરણ સ્વામીએ બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજના જીવનચરિત્રના છ ગ્રંથ લખ્યા છે. સંપર્ક: મંદિર 020 8965 2651.
