પુત્રીના બળાત્કારીઓ સામે બંડ પોકારીને બદલો લેતી ‘મોમ’

Thursday 13th July 2017 01:28 EDT
 
 

ફિલ્મમેકર બોની કપૂર નિર્મિત અને રવિ ઉદ્યવર ડિરેક્ટેડ ફિલ્મ ‘મોમ’માં એક જમાનાની ચુલબુલી અભિનેત્રી શ્રીદેવી પીઢ રોલમાં છે. ફિલ્મમાં શ્રીદેવીની એક્ટિંગ દાદ માગી લે તેવી છે. આમ તો આ ફિલ્મની કહાની છે એવી વાર્તાઓ પરથી પહેલાં પણ ફિલ્મો આવી ચૂકી છે, પણ આ ફિલ્મની માવજત અન્ય ફિલ્મો કરતાં ઘણી અલગ છે.
વાર્તા રે વાર્તા
એક સાવકી માતાની મેમમાંથી મોમ બનવા સુધીની સફરની આ કહાની છે. ફિલ્મોમાં આ સાથે જોકે ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન છે. દેવકી સબરવાલ (શ્રીદેવી) આર્યા (સજલ અલી)ની સાવકી માતા છે. પોતાની નવી મા દેવકી સાથે લાગણીના તાંતણે ન બંધાઈ શકેલી આર્યા દેવકીને હંમેશા મેમ કહીને જ બોલાવતી હોય છે. તેના વર્તન પરથી એ સ્પષ્ટ હોય છે કે તે પોતાની જન્મદાત્રી માતાનું સ્થાન દેવકીને આપી શકી નથી. દરમિયાન, આર્યા ઉપર રેપ થાય છે અને વગ ધરાવતા રેપિસ્ટ આર્યા અને તેની માતા દેવકી પર દબાણ લાવે છે કે આ વાતને દબાવી દેવામાં આવે. સબળ પુરાવાના અભાવે અને શામ દામ દંડ ભેદની નીતિથી બળાત્કારીઓ છૂટી પણ જાય છે. એ પછી દેવકી નક્કી કરે છે કે પોતે જ પોતાની પુત્રી પર આવું કૃત્ય આચરનારાઓ સામે પડીને બદલો લેશે. અંતે દેવકી તેમાં સફળ પણ થાય છે. આર્યા પોતાના માટે કંઈ પણ કરી છૂટનારી પોતાની મોમ દેવકીની મમતાને સમજી શકે છે અને અંતે તેના માટે દેવકી મેમમાંથી મોમ બની જાય છે.
પાવરફુલ એક્ટિંગ
‘મોમ’માં શ્રીદેવી સુપરમોમ છે. પહેલાંની ફિલ્મોમાં તે ચુલબુલી નખરાળી બનીને છવાઈ શકતી એવી જ રીતે પીઢ ગંભીર મોમની એક્ટિંગથી પણ તે પોતાનો જાદુ પાથરી શકે છે. નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની જાનદાર એક્ટિંગથી કોઈ પણ પાત્રામાં જીવ રેડી શકે છે એવું જ આ ફિલ્મમાં તેના પાત્ર દયાશંકર કપૂર એટલે કે ડીકેને જોતાં કહી શકાય. ફિલ્મમાં અક્ષય ખન્નાએ મેથ્યુ ફ્રાન્સિસના રોલમાં સારો અભિનય આપ્યો છે. ફિલ્મમાં ‘ઓ સોના તેરે લિયે’ ખુદ સંગીત સમ્રાટ એ આર રહેમાને ગાયું છે. આ સોંગમાં જ શાશા તિરુપતિનો અવાજ પણ છે. આ ગીત હિટ પણ રહ્યું છે. એ સિવાય ‘ખોકે’, ‘રાખ બાકી’ અને ‘ફ્રિકિંગ લાઈફ’ જેવા ગીતો પણ ધમાલી મચાવી રહ્યા છે.


comments powered by Disqus