લંડનઃ લેસ્ટરના બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસ ડે (ગત ૨૪ જૂન) નિમિત્તે યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોની ભૂમિકા અને ગ્રેટ બ્રિટનના ઘડતરમાં સદીઓથી ભારતના યોગદાનને રજૂ કરતું ખાસ પ્રદર્શન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.
હેરિટેજ લોટરી ફંડની સહાયના ‘રિમેમ્બરીંગ ઈન્ડિયન સોલ્જર્સ ઈન વર્લ્ડ વોર 1’પ્રોજેક્ટના ભાગરૂપે ગોલ્ડન ટુર્સ ફાઉન્ડેશન દ્વારા દિવસભરના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમને બીબીસી રેડિયો લેસ્ટર, ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ અને સેન્ટ ફિલિપ્સ સેન્ટર લેસ્ટરનું સમર્થન હતું.
કાર્યક્રમનું સંચાલન બીબીસી રેડિયો લેસ્ટરના ડેપ્યુટી એડિટર કમલેશ પુરોહિતે કર્યું હતું. લોર્ડ મેયર ઓફ લેસ્ટર કાઉન્સિલર રશ્મિકાંત જોશી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને નીતિન પલાણMBEની દૂરદર્શિતાની પ્રશંસા કરી હતી. ભારતીય હાઈ કમિશન તરફથી અમિત શર્મા તથા કાઉન્સિલર મંજૂલા સુદ MBEસહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સ્થાનિક કલાકારો દ્વારા સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
આ પ્રદર્શન આગામી ૨૧થી ૨૮જુલાઈ સુધી પીપુલ સેન્ટર ખાતે નિહાળી શકાશે.

