વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે ૭ અને ૮ જુલાઇના રોજ જર્મનીના હેમ્બર્ગ શહેરમાં જી-૨૦ દેશોની શિખર પરિષદ યોજાઇ ગઇ. પણ આ જી-૨૦ છે શું? ૨૦ દેશોનું બનેલું આંતરરાષ્ટ્રીય સંગઠન એટલે ગ્રૂપ-૨૦. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પ્રકારની શિખર પરિષદોએ ક્રમે-ક્રમે વધુ ફળદાયી અને વધુ નક્કર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી આ પ્રકારના અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો એક યા બીજા નામે કાર્યરત છે. કોઇ પણ સંગઠનનો ઉદ્દેશ સમાન હિત ધરાવતા લોકોને એક તાંતણે બાંધવાનો હોય છે. જેમ સામાજિક સંસ્થાઓ વ્યક્તિને સામૂહિક રીતે એક દોરે બાંધે છે તેમ આવા વૈશ્વિક સંગઠનો જુદા જુદા દેશોને એક સૂત્રે બાંધે છે.
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ (NATO) એક એવું સંગઠન છે, જેના કેન્દ્રસ્થાને લશ્કરી બાબતો છે. વર્ષે કે બે વર્ષે આ સંગઠનના સભ્ય દેશોના વડાઓ વિચારવિનિમય અર્થે એકત્ર થાય છે અને માહિતીનું આદાનપ્રદાન થાય છે. NATOની સફળતા નિહાળીને વિશ્વના અન્ય દેશોને આવા સંગઠનના લાભ સમજાયા. તેમને સમજાયું કે આ પ્રકારના સંગઠનથી લશ્કરી કે રાજદ્વારી બાબતોમાં જ નહીં આર્થિક, વેપારવણજના ક્ષેત્રે પણ સહયોગ સાધીને એકમેકના વિકાસમાં પૂરક બની શકાય તેમ છે. જેમ જેમ આ વિચાર સ્પષ્ટ થતો ગયો તેમ તેમ નવા નવા સંગઠનો રચાતા ગયા. શિખર પરિષદોનું આયોજન થતું ગયું.
જી-૭ આવું જ એક સંગઠન છે, જે વિશ્વના તવંગર કહો કે વિકસિત કહો તેવા દેશોનું સંગઠન છે. આમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, જપાન, ફ્રાન્સ, જર્મની અને ઇટલી સભ્ય છે. આ સંગઠન સહજ રીતે ઉદભવ્યું કેમ કે આ બધા જ દેશો અમેરિકા સાથે લશ્કરી સહિત અન્ય બાબતે એક યા બીજી રીતે સંકળાયેલા હતા.
જ્યારે જી-૨૦ના સભ્યોમાં વિકસિત અને વિકાસશીલ બન્ને પ્રકારના દેશોનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન (યુનો)માં વિશ્વના કુલ ૧૯૬ દેશો સભ્ય પદ ધરાવે છે. આમાં સૌથી વધુ જીડીપી (કુલ રાષ્ટ્રીય પેદાશ) ધરાવતા ૨૦ દેશોનું સંગઠન એટલે જી-૨૦. જો જો હં... અહીં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની વાત કરું છું, માથાદીઠ આવકની નહીં. ભારત આ યાદીમાં પાંચમા સ્થાને છે. પહેલા ચાર સ્થાને અમેરિકા, ચીન, જપાન અને જર્મની છે. આર્થિક નિષ્ણાતોનો અંદાજ જણાવે છે કે આગામી વર્ષમાં ભારત જીડીપીમાં જર્મનીથી આગળ નીકળી જશે, અને ચોથું સ્થાન મેળવશે.
‘ચોગમ’ (કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્ન્મેન્ટ મીટીંગ - CHOGM) પણ આવું જ એક સંગઠન છે. ‘ચોગમ’ શિખર પરિષદની બેઠક દર બે કે ચાર વર્ષે યોજાય છે અને કોમનવેલ્થ દેશોના વડા તરીકે બ્રિટનના નામદાર મહારાણી તેનું અધ્યક્ષપદ સંભાળે છે. બેઠકમાં ૫૫ દેશોના વડાઓ - પછી તે વડા પ્રધાન હોય કે રાષ્ટ્રપતિ - હાજરી આપવા પહોંચે છે.
આ જ રીતે ‘સાર્ક’ (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન - SAARC) સંગઠન તેના નામ પ્રમાણે જ દક્ષિણ એશિયન દેશોનું સંગઠન છે. તો ‘આસિયાન’ (એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ - ASEAN) દક્ષિણ-પૂર્વીય એશિયન દેશોનું સંગઠન છે. વિયેતનામ, થાઇલેન્ડ, મ્યાંમાર, ફિલિપાઇન્સ સહિત દસ દેશોના બનેલા આ સંગઠનમાં સમયાંતરે ચીન અને ભારતને પણ સહયોગી સ્થાન મળ્યું છે. રાજદ્વારી સહયોગ, વ્યાવસાયિક સંબંધો ગાઢ બનાવવા, નાના-મોટા ગૂંચવાડા કે શંકા-કુશંકા દ્વિપક્ષીય મંત્રણા દ્વારા દૂર કરવા વગેરે આવા સંગઠનના મુખ્ય ઉદ્દેશ હોય છે.
આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સંગઠનોનું એક સેક્રેટરિયેટ કાયમી ધોરણે કાર્યરત રહેતું હોય છે. સભ્ય દેશોની સગવડ અનુસાર કોઇ એક દેશમાં તે વર્ષના બારેય મહિના ધમધમતું રહે છે. શિખર પરિષદ હોય કે ન હોય - તે તમામ દેશોને એકબીજા સાથે જોડાયેલા રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આજે આપણે જર્મનીના હેમ્બર્ગમાં યોજાયેલી જી-૨૦ દેશોની બેઠકની વાત કરીએ. ચાલોને ત્યાં જ જઈ પહોંચીએ...
આ શિખર પરિષદમાં ભાગ લેવા આવનાર તમામ દેશોના વડાઓ અને તેમની સાથે આવેલા પ્રતિનિધિ મંડળના સભ્યો અને અધિકારીઓને રિસોર્ટ જેવા એક ભવ્યાતિભવ્ય સ્થળે ઉતારો આપવામાં આવ્યો હતો. બધાને એક જ સંકુલમાં રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે જે તે દેશના વડાઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓ એકમેકના સીધા સંપર્કમાં રહી શકે છે. વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે. જે વાતો સંગઠનની શિખર પરિષદ દરમિયાન થઇ શકતી નથી તે બધી વાતો આવી અનૌપચારિક મુલાકાત વેળા થઇ જાય છે. તો ક્યારેક શિખર પરિષદમાં જે મુદ્દા વિશે ચર્ચા થવાની હોય તેની પૂર્વભૂમિકા પણ અહીં તૈયાર થઇ જતી હોય છે. હળવા માહોલમાં મિલન-મુલાકાતથી વિવિધ દેશોના પ્રતિનિધિઓ જે તે મુદ્દાઓ અંગે એકબીજાના અભિગમ જાણી-સમજી શકે છે.
એક જ સંકુલમાં મુકામ હોય એટલે મોર્નિંગ વોક વેળા બે દેશના વડાઓ સાથે થઇ જાય પણ એવું બને. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન જોગીંગ કરવા નીકળ્યા હોય અને તેમને ટ્રમ્પનો ભેટો થઇ જાય તેવું પણ બને. યુનાઇટેડ નેશન્સે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા પછી દુનિયાભરમાં યોગ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. તન-મન વચ્ચે તાલમેળ સાધવામાં અકસીર ગણાતો યોગાભ્યાસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડેઇલી રુટિનનો અભિન્ન હિસ્સો છે એ વાત હવે જગજાહેર છે. આ સંજોગોમાં કોઇ રાષ્ટ્રના નેતા પ્રાણાયમ કે વજ્રાસન કે કપાલભાતિ શીખવા કે જોવા તેમની પાસે પહોંચી જાય તેવું પણ બને.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે એક જ સંકુલમાં ખાવા-પીવા-રહેવાનું હોવાથી નેતાઓની એકબીજા સાથે મિલન-મુલાકાતની ઘટનાઓ સહજ બની જાય છે. પછી વાત મોર્નિંગ વોકની હોય, જોગીંગની હોય, યોગાસનની હોય કે બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરની હોય. સવાર હોય બપોર હોય કે સાંજ હોય - વિવિધ દેશના નેતાઓથી માંડીને અધિકારીઓને અન્ય દેશના લોકો સાથે માહિતીની આપ-લે કરવાના અઢળક અવસર મળી રહે છે.
શિખર પરિષદ ભલે બે દિવસની હોય, આગલા દિવસે સાંજ સુધીમાં બહુમતી આમંત્રિતોનું આગમન થઇ જતું હોય છે. પહેલો દિવસ હળવો હોય છે. ડ્રીન્ક્સ સાથે લંચ કે ડીનરની શરૂઆત થતી હોય છે. ખાણીપીણીના બે-ત્રણ કલાકના આ દૌર દરમિયાન સહુ કોઇ એકબીજાને મળે છે. હાય-હેલો કરવામાં એકબીજા સાથે પરિચય કેળવવામાં સમય પસાર થાય છે. સમજો કે ગેટ-ટુગેધરનો માહોલ જ હોય છે. બીજા દિવસે પરિષદનો સાચા અર્થમાં પ્રારંભ થાય છે. ઓપનીંગ સેરેમની સાથે યજમાન દેશના વડા મહેમાનોને આવકારે. પરિષદની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરે.
કુલ્લે છથી આઠ કલાકના બેથી ત્રણ સેશનમાં તમામ દેશના નેતાઓ તેમના પ્રતિનિધિ મંડળ સાથે ઉપસ્થિત હોય. તેમાં વિવિધ વિષયવાર દરેક દેશો દ્વારા તેમના પ્રશ્નોની રજૂઆત થાય. આમાં આર્થિક, રાજકીય, વેપારવણજ સંબંધિત કે અન્ય મુદ્દાઓ હોય શકે છે. કોઇની રજૂઆત નેગેટિવ પણ હોય અને કોઇની રજૂઆત પોઝિટીવ પણ હોય. દરેક દેશને લગભગ ૧૦-૧૦ મીનિટ જેટલો સ્લોટ ફાળવાયો હોય. આ સમયમાં તે પોતાની વાત રજૂ કરી શકે છે.
જોકે આ ઓપનિંગ સેશનનો એક વણલખ્યો નિયમ હોય છે - કોઇ દેશ અન્ય દેશની ખુલ્લેઆમ ટીકા કરતો નથી. એટલું જ નહીં, આવા સેશનમાં દ્વિપક્ષીય વાદવિવાદનો પણ ઉલ્લેખ થતો નથી. ટૂંકમાં, બે દેશોના હિતને નહીં, પરંતુ સંગઠનના સભ્ય દેશોના બહુમતી હિતને ધ્યાનમાં રાખીને વિવિધ રાષ્ટ્રોના વડાઓ દ્વારા પોતાના વિચારોની રજૂઆત થાય છે.
બીજા દિવસે વિવિધ દેશો દ્વારા રજૂ થયેલા મુદ્દાઓ, ઉઠાવવામાં વાંધાવચકાઓને કેન્દ્રમાં રાખીને ચોક્કસ વિષય આધારિત ચર્ચા-વિચારણા અને વિચારવિનિમય થાય છે. કોઇ મુદ્દે મતભેદ સર્જાય તો સમન્વય સાધવામાં બહુમતીથી નિર્ણય લેવામાં આવે. આ નિર્ણય વિશેનો ઠરાવ બેઠકમાં મંજૂર થાય તો તમામ સભ્ય દેશો માટે તે અમલી બને. જોકે આવી શિખર પરિષદમાં મોટા ભાગે નિર્ણયો સર્વસંમતીથી લેવામાં આવતા હોય છે. કોઇ દેશને ચોક્કસ મુદ્દે મતભેદ હોય તો તેનું નિવારણ કર્યા બાદ જ નિયમ - જોગવાઇ અમલી કરાય છે. જેથી એક પણ દેશને અસંતોષ ન રહે. આખરે તો આવા સંગઠન - શિખર પરિષદનો ઉદ્દેશ એકમેકને પૂરક બની રહેવાનો હોય છે. આથી કોઇ નિર્ણય બહુમતીના જોરે થોપી દેવાના બદલે તમામ સભ્યોની લાગણીને ધ્યાને લેવામાં આવે છે. પરિણામે પૂર્ણાહુતિનું નિવેદન આકરું હોતું નથી.
શનિવારે શિખર પરિષદ પૂરી થઇ ગઇ. રવિવારે જે તે રાષ્ટ્રોના વડાઓ તેમના રસાલા સાથે વતન પરત પહોંચી ગયા. પરિષદ પૂરી થઇ એટલે શું રાત ગઇ સો બાત ગઇ?! ના... એવું નથી. દરેક દેશ પોતપોતાની રીતે તો મૂલ્યાંકન કરે જ કે તેણે હાંસલ કર્યું? ક્યા મુદ્દે આપણી રજૂઆત અસરકારક હતી? કોઇ મુદ્દે આપણી વાત રજૂ કરવામાં ક્યાં કાચા પડ્યાં? વગેરે વગેરે. પરંતુ આવા સંગઠનનું કાયમી સેક્રેટેરિયટ પણ સ્વતંત્ર રીતે લેખાંજોખાં કરે. સભ્યોએ ક્યા મુદ્દે એકતા દર્શાવી? ક્યા મુદ્દે વિચારભેદ નિવારી શકાયો? ક્યા મુદ્દે વિવાદ ઉઠ્યો? અને ક્યા વિવાદને ઉગતો જ ડામી શકાયો? વગેરે વગેરે.
અખબારી માધ્યમો પણ પોતપોતાની રીતે શિખર પરિષદનું પિષ્ટપેષણ કરે. સંગઠને ક્યા મુદ્દે શું કરવા જેવું હતું? અને શું કર્યું? ક્યા મુદ્દે ક્યા દેશનો અભિગમ કેવો રહ્યો? જેમ કે, રવિવારના ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં જી-૨૦ અંગેના અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની એકમાત્ર મહાસત્તા તરીકેનો તેમનો પ્રભાવ ઉભો કરવામાં નિષ્ફળ રહ્યા છે. દુનિયાભરના પત્રકારો આવા શિખર પરિષદનો આંખે દેખ્યો અહેવાલ મેળવવા માટે સ્થળ પર પહોંચતા હોય છે. જેટલા માથા તેનાથી બમણી આંખો હોય (આપણે ધારી લઇએ છીએ કે કોઇ પત્રકાર ‘એકાક્ષી’ નહીં જ હોય.) એટલે નાનામાં નાની વાત પર પણ તેમની નજર રહેવાની જ. જે તે દેશના નેતાના હાવભાવ, તેમની બોડીલેન્ગવેજ, વિચારોને વાચા આપવાની તેમની છટા, ક્યાં કેટલા ઝૂક્યા અને ક્યાં કેટલા અક્કડ રહ્યા, ક્યાં પ્રોટોકોલ તોડ્યો, અન્ય નેતાઓ સાથેનો વ્યવહાર... વગેરે બધેબધું જ જોવાતું હોય. આમાં તો ટ્રમ્પ અખબારોના પાને ચઢી ગયા! દુનિયાભરના પ્રસાર માધ્યમોનું માનવું છે કે ટ્રમ્પે જે પ્રકારે વર્તન કર્યું છે તે અમેરિકા જેવા શક્તિશાળી રાષ્ટ્રને છાજે તેવું નહોતું.
માત્ર ટ્રમ્પ જ અખબારી કે ટીવી માધ્યમોની ટીકાનો ભોગ બન્યા છે એવું નથી. જી-૨૦ શિખર પરિષદની યજમાનગતિ કરનાર જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ પ્રસાર માધ્યમોની ઝપટે ચઢી ગયા છે. તેમના પર તો શનિવારે રાત્રે જ માછલા ધોવાયા હતા. શિખર પરિષદના ત્રણેય દિવસ દરમિયાન ભારે હિંસાત્મક વિરોધ પ્રદર્શન થયા. રીતસર પથરાબાજી થઇ. માલમિલક્તને ભારે નુકસાન થયું. તોફાનીઓને વિખેરવા સંખ્યાબંધ ટિયરગેસ શેલ છોડવા પડ્યા. સુરક્ષા દળોને ગોળીબાર નથી કરવો પડ્યો તેને સદનસીબ
ગણવું રહ્યું.
પ્રાથમિક અંદાજ મુજબ આ ત્રણ દિવસમાં થયેલા નુકસાનથી જર્મનીની તિજોરીને ૧૩૦ મિલિયન યુરો (૧૫૦ મિલિયન પાઉન્ડ)નો ફટકો પડ્યો છે. અખબારોનું કહેવું છે કે આ તો એન્જેલાએ ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર.
પરંતુ એન્જેલા મર્કેલ પણ જમાનાના ખાધેલ રાજકારણી તો ખરાંને? તેમણે એવો બચાવ કર્યો છે કે કમનસીબે દર શિખર પરિષદ વેળા કેટલાક ચળવળકારો આંદોલન છેડે છે. વિરોધ પ્રદર્શન યોજે છે. ક્યારેક ગરીબીના મુદ્દે તો ક્યારેક રંગભેદ મુદ્દે તો ક્યારેક આર્થિક શોષણના મુદ્દે. આ તેમનો અધિકાર પણ છે. પોતાના અધિકારો માટે લડત ચલાવવી એ તો લોકશાહી શાસન પ્રણાલીનો એક ભાગ છે. આમાં કંઇ ખોટું નહોતું...
અખબારી માધ્યમોમાં પુતિન અને ટ્રમ્પની મુલાકાતનો મુદ્દો પણ છવાયો. અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયા બાદ ટ્રમ્પની પુતિન સાથેની આ પહેલી મુલાકાત હતી. રશિયા અને અમેરિકા - બે દેશના નેતાઓ વચ્ચેની બેઠક માટે ત્રીસેક મિનિટ નક્કી થઇ હતી. પરંતુ બન્ને પ્રમુખો એવા તે વાતોએ વળગ્યા કે બેઠક બે કલાક ને ૧૬ મિનિટ ચાલી. મીટિંગ બહુ લાંબી ચાલતા અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા પણ ત્યાં જઇ પહોંચ્યા. પરંતુ બન્ને મહાનુભાવોએ તેમની ચર્ચા પૂરી થયે જ ઉભા થયા હતા. આટલી લાંબી બેઠક પછી પુતિનનો પ્રતિભાવ શું હતો? પ્રેસિડેન્ટ ટ્રમ્પને પહેલી વાર મળ્યો, પણ બહુ મજાના માણસ છે. તેમની સાથે તમે કોઇ પણ મુદ્દે સરળતાથી વાત કરી શકો છો.
વાચક મિત્રો, મારી આ બધી વાતો વાંચીને કદાચ તમે પૂછશો કે સી.બી. તમે કેટલી શિખર પરિષદમાં હાજરી આપી છે? બાપલ્યા, એક પણ નહીં. આપણે તે કંઇ થોડા કોઇ રાષ્ટ્રના વડા કે અધિકારી છીએ. આ તો ૪૧ વર્ષથી આપની સેવામાં પ્રકાશિત થતાં સાપ્તાહિકના પ્રકાશક-તંત્રી કે પત્રકાર તરીકેની જવાબદારીના ઉપલક્ષ્યમાં શિખર પરિષદનો અભ્યાસ કરતો રહ્યો છું તે આજે કામે લાગ્યો છે. વર્ષોના વહેવા સાથે પરદા પાછળની વાતો જાણવા, સમજવાની હથોટી આવી ગઇ છે.
ભારતના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના સર્વેસર્વા શી જિનપિંગ પણ વન-ટુ-વન મળ્યા. જોકે આ મીટીંગ સત્તાવાર નહોતી. અગાઉ લખ્યું તેમ આ બન્ને નેતાઓને આમનેસામને પસાર થતાં એકબીજા સાથે વાતચીત કરવાનો અવસર મળી ગયો. ૬૦-૭૦ કલાક તમે એક જ સંકુલમાં રહેવાના હો તો તમને આવો મોકો મળવાનો જ. જિનપિંગ ભારત માટે સારું બોલ્યાં તો સામે નરેન્દ્રભાઇએ પણ ચીનની પ્રશંસા કરીને શાલીનતા દાખવી (બાકી દગાબાજ ચીનની ખંધાઇને કોણ નથી જાણતું!).
વાચક મિત્રો, આપણને નરી આંખે આ બધું ભલે ‘આકસ્મિક’ કે ‘સંયોગવશાત્ થયેલી મુલાકાત’ લાગતી હોય, પરંતુ ખરેખર આવું હોતું નથી. આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં આવા ‘સંયોગ’નું પણ આગવું મહત્ત્વ હોય છે. આવા સંયોગ આપોઆપ નથી સર્જાતા, પણ તેને ‘સર્જવા’માં આવતા હોય છે. ભારત અને ચીન વચ્ચે ભૂતાન-સિક્કીમ સરહદે છેલ્લા મહિનાથી તનાવ પ્રવર્તે છે. બન્ને દેશના નેતાઓથી માંડીને અખબારી માધ્યમો ખરાખરીનો જંગ લડી લેવાના હાકલા-પડકારા કરી રહ્યા હોય, સરહદે સુરક્ષા દળોનો જમાવડો થઇ રહ્યો હોય તે સંજોગોમાં બન્ને દેશના નેતાઓ હસતા ચહેરે એકબીજાને મળે, એકબીજાની પ્રશંસા પણ કરે... યહ બાત કુછ હજમ નહીં હુઇ...(!)
સાચી વાત તો એ છે કે સરહદે ભલે તનાવ પ્રવર્તતો હોય, પરંતુ આ જ દિવસોમાં ભારતના ટોચના અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ ચીનના બૈજિંગની સત્તાવાર મુલાકાતે હતું. ચીનની એક ઓટોમોબાઇલ કંપનીએ મધ્ય ગુજરાતમાં રૂ. ૨૦૦૦ કરોડનું જંગી મૂડીરોકાણ કરવા માટે ગાંધીનગરમાં ગુજરાત સરકાર સાથે હસ્તાક્ષર કર્યા છે. ભારત સરકારના ચાર પ્રધાનો પણ વિવિધ કારણસર ચીનની મુલાકાતે હતા.
એવું માનવાને સ્પષ્ટ કારણ છે કે ભારત અને ચીનના પ્રતિનિધિ મંડળના વરિષ્ઠ સભ્યોએ ઔપચારિક મુલાકાત દરમિયાન એકમેકને સંકેત પણ આપ્યા હશે કે અમારા નેતા આપના રાષ્ટ્રના નેતા માટે કંઇક સારું બોલવાના છે. આ વાત સાંભળનારા પણ કંઇ આલિયા-માલિયા તો હોય નહીં કે તેઓ ઇશારો ન સમજે. પરિણામે થાય શું? સરહદે ભલેને વિવાદ હોય, બન્ને દેશના નેતાઓ ‘ઉષ્માભેર’ મળે પણ ખરા અને એકબીજાને બિરદાવે પણ ખરા.
સંઘર્ષ ટાળવા માટેના આ મુત્સદ્દીગીરીભર્યા પ્રયાસો શું દર્શાવે છે? બન્ને દેશના શાસકો સમજે છે કે યુદ્ધ એકમાત્ર વિકલ્પ નથી. ગમેતેવા તીવ્ર મતભેદો હશે તો પણ તેનો નિવેડો તો વાટાઘાટ થકી જ લાવવો પડશે. બન્ને દેશના આર્થિક હિતો એકમેક સાથે સંકળાયેલા છે. આ સંજોગોમાં સશસ્ત્ર સંઘર્ષ બન્ને માટે નુકસાનકારક સાબિત થાય તેમ છે.
ભારત અને ચીન લશ્કરી સંઘર્ષ ટાળી રહ્યા છે તેના મૂળ આવી શિખર પરિષદમાં રહેલા છે. સમયાંતરે એક યા બીજા સંગઠન દ્વારા યોજાતી રહેતી શિખર પરિષદો જુદા જુદા દેશોને (આ કિસ્સામાં ભારત અને ચીનને) વિચારોનું આદાનપ્રદાન કરવાનો, પોતાના વાંધાવિરોધ રજૂ કરવાનો, અને શક્ય હોય તો તેનું નિરાકરણ લાવવાના અવસર પૂરા પાડે છે. આથી વિવાદ, વિખવાદ કે મતભેદ યુદ્ધના મેદાન સુધી પહોંચતો જ નથી. લગભગ છેલ્લા ૭૨ વર્ષથી વિશ્વમાં મોટા પાયે કોઇ યુદ્ધ નથી થયું તેનો યશ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શિખર પરિષદોને જ આપવો રહ્યો. આંતરરાષ્ટ્રીય સંબંધોને ઘનિષ્ઠ બનાવવામાં અને નાનીમોટી ગૂંચો ઉકેલવામાં આવી બેઠકોનું આગવું પ્રદાન છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
કોઇ પણ દેશના પ્રતિનિધિ મંડળમાં કોણ કોણ હોય છે? વડા પ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, પણ તેમાં વિદેશ પ્રધાન હોતા નથી. હા, તેમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અવશ્ય હોય છે. તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ દેશોની મુલાકાત કે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો સાથેની મુલાકાતને ધ્યાનથી જોઇ હશે તો અજિત દોવલનો ચહેરો અચૂક જોવા મળ્યો હશે. મોદીની દરેક બેઠકમાં દોવલ વડા પ્રધાનની જમણે બેઠેલા હોય જ.
અજિત દોવલ... નામ કંઇક જાણીતું લાગે છેને?! સાચી વાત છે. આ અજિત દોવલ ૨૦ વર્ષ અગાઉ લંડન સ્થિત ઇંડિયા હાઉસમાં મિનિસ્ટર ઓફ કોમ્યુનિટી (કોઓર્ડીનેટર) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કંઇકેટલીય વખત આપણા કાર્યાલય ‘કર્મયોગ હાઉસ’માં આવી ચૂક્યા છે. અનેક ભાષાના જાણકાર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસુ છે. આ ઉપરાંત સરકારી પ્રતિનિધિ મંડળમાં વિદેશ ખાતાના પ્રવક્તા હોય, સનદી અધિકારીઓ હોય.
નરેન્દ્ર મોદી માટે કહેવાય છે કે સ્વાતંત્ર્ય બાદ પહેલી વખત કોઇ વડા પ્રધાને તેમના કાર્યાલય (પીએમઓ)ને સૌથી અસરકારક રીતે કાર્ય કરતું બનાવ્યું છે. એક જાણકાર વ્યક્તિએ માહિતી આપ્યા પ્રમાણે વડા પ્રધાન કાર્યાલય - પીએમઓમાં કુલ ૭૫ ડેસ્ક છે. દરેક રાજ્યોના ડેસ્ક અલગ. આ જ રીતે અમુક મહત્ત્વના વિભાગોના ડેસ્ક પણ અલગ. જે કેટલાક દેશો સાથેના સંબંધોનું ભારત માટે વિશેષ મહત્ત્વ હોય તેનું પણ અલગ ડેસ્ક - જેથી કોઇ પણ મુદ્દાનું ત્વરિત નિરાકરણ લાવી શકાય. દરેક ડેસ્કની જવાબદારી કાબેલ અધિકારીઓને સોંપાઇ છે. મોદી જી-૨૦ બેઠકમાં ભાગ લેવા માટે ઇઝરાયલથી જર્મનીના હેમ્બર્ગ પહોંચ્યા તો તેમની સાથેના પ્રતિનિધિ મંડળ ઉપરાંત નવી દિલ્હીથી પણ અધિકારીઓની એક ટીમ પહોંચી હતી.
જે પ્રકારે જે તે સંગઠનનું આગવું સેક્રેટરિયટ હોય છે તેમ પીએમઓમાં પણ આવા સંગઠનનો એક આગવો વિભાગ હોય છે. જેના અધિકારી માત્ર આ સંગઠન સાથેના ભારતના સંબંધો પર જ નજર રાખે છે. જેમ કે, જી-૨૦ બેઠકમાં ભારતે હાજરી આપી તો તેમાં ભારતને શું મળ્યું? શું કર્યું હોત તો વધુ લાભ થયો હોત? ભવિષ્યમાં ભારતને કેવી તક મળી શકે તેમ છે? આવી બેઠકમાં હાજરી આપી એટલે માત્ર ખાધું, પીધું ને રાજ કર્યું એવું નથી હોતું. સહેતુક અને આયોજનબદ્ધ પ્રયાસ કરીને દેશને કઇ રીતે વધુને વધુ શક્તિસભર કરવાના પગલાં લેવાય છે. આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવવામાં આવે છે.
મોદી ચીલો ચાતરવા માટે, નવી કેડી કંડારવા માટે જાણીતા છે. સત્તાવાર વિદેશ પ્રવાસો માટે પણ તેમણે આવું જ કર્યું છે. અગાઉના વડા પ્રધાનો તેમના વિદેશ પ્રવાસમાં ૩૦-૪૦ પત્રકારોના કાફલાને લઇ જતા હતા. જોકે હવે કોઇ પત્રકારને આવા પ્રવાસમાં સામેલ કરવામાં આવતા નથી - સિવાય કે દૂરદર્શન ટીવી કે ઓલ ઇંડિયા રેડિયોના પ્રતિનિધિ. કોઇ ખાનગી અખબાર કે ટીવીના પત્રકારને આવા વિદેશ પ્રવાસનું રિપોર્ટિંગ કરવું હોય તો તેણે પોતાના એટલે કે પોતાની કંપનીના ખર્ચે જે તે દેશ પહોંચવું પડે છે.
વાચક મિત્રો, હું ભલે આવી શિખર પરિષદોમાં ગયો ન હોઉં, પરંતુ હું સતત વાંચતો, વિચારતો રહું છું. રાજદ્વારીઓ, અધિકારીઓ સાથે વાતચીતનો અવસર મળે ત્યારે જાણકારી મેળવવા પ્રયત્નશીલ રહું છું. ટીપે ટીપે સરોવર ભરાય, થોડી થોડી જાણકારીથી જ્ઞાનનો ભંડાર છલકાય. ભારતના પત્રકારો નરેન્દ્ર મોદીના શાસનમાં વિદેશ પ્રવાસથી વંચિત રહ્યા હશે, પરંતુ હું સદનસીબ છું. ભારતીય વડા પ્રધાનના પ્રતિનિધિ મંડળમાં તો નહીં, પરંતુ બ્રિટિશ વડા પ્રધાનના પ્રતિનિધિ મંડળમાં જોડાવાનું મને સદભાગ્ય સાંપડ્યું હતું.
વડા પ્રધાન માર્ગરેટ થેચર બ્રિટનનો કાર્યભાર સંભાળતા હતા ત્યારની વાત છે. તેમણે ૧૯૮૧માં ભારત પ્રવાસનું આયોજન કર્યું હતું, જેમાં તેમના પ્રતિનિધિ મંડળ સાથે નવી દિલ્હી અને મુંબઇના પ્રવાસમાં સામેલ થવાનો મને મોકો મળ્યો હતો. હું પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રમાણમાં નવો હતો. પરંતુ જાણો, સાંભળો એટલે નવું શીખવા મળે જ. આવા પ્રયાસ ક્યારેય સાવ નિષ્ફળ જતા નથી. મારા માટે આ પ્રવાસ કઇ રીતે શક્ય બન્યો હતો? શાસક કન્ઝર્વેર્ટિવ પાર્ટીમાં ગુજરાત સમાચાર અને ન્યૂ લાઇફ (આજના એશિયન વોઇસનું પૂરોગામી)ના કેટલાક મિત્રો હતો. તેમણે મને પૂછ્યું કે સી.બી., મેડમ પ્રાઇમ મિનિસ્ટરના કાફલા સાથે ભારત જવું છે?
તો મેં કહ્યું કે હું તો એક વર્ષથી તેમની સરકાર સામે પિટિશન કેમ્પેઇન ઝૂંબેશ ચલાવી રહ્યો છું. સરકારના ઇમિગ્રેશન અને નેશનાલિટી બિલ આપણા સમુદાયને ભારે નુકસાન કરે તેમ છે. થેચર સરકારે સંસદમાં આ બન્ને બિલ રજૂ કર્યા હતા. આની સામે પિટિશન કેમ્પેઇન ઝૂંબેશ ૩૦-૩૫ હજાર હસ્તાક્ષર એકત્ર કરવામાં આવ્યા છે.
મને કહેવામાં આવ્યું હતું કે લોકોની મુશ્કેલી વિશે અવાજ ઉઠાવવો એ તમારો પત્રકાર તરીકેનો અધિકાર હતો, ફરજ હતી. તેમાં બ્રિટિશ સરકારને વાંધો હોય શકે નહીં. જો સરકારને વાંધો ન હોય તો મને શું વાંધો હોય?
આ સમયે મેં દિલ્હીમાં ઇંદિરા ગાંધીના દફતર સાથે અગાઉથી એક સમજૂતી કરી હતી. જે અનુસાર, મિસિસ થેચર જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના વડા પ્રધાન ઇંદિરા ગાંધીને મળે ત્યારે આ બધી પિટિશન તેમને સુપરત કરવી. મારા આ આયોજનમાં એર-ઇંડિયાએ પણ અમૂલ્ય સહયોગ આપ્યો હતો. ઇમિગ્રેશન અને નેશનાલિટી બિલની ઝૂંબેશ અન્યાય સામેની લડાઇ હોવાનું સ્પષ્ટ હતું. આથી એર-ઇંડિયાએ એક પણ પેની ચાર્જ કર્યા વગર પિટિશનનો જથ્થો બ્રિટનથી દિલ્હી પહોંચાડી આપ્યો હતો.
ઇંદિરા ગાંધીની વાત ચાલે છે તો એક આડ વાત પણ કરી લઉં. માર્ચ ૧૯૭૭માં ઇંદિરા ગાંધીનો ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. મોરારજીભાઇ દેસાઇની જનતા પક્ષની સરકારે દેશની શાસનધૂરા સંભાળી હતી. ત્યારબાદ દિલ્હી ગયો ત્યારે ઇંદિરા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયો હતો. તે સમય એવો હતો કે કોઇ તેમને મળવા જતું નહોતું. તેઓ થોડોક સમય જેલમાં વીતાવી આવ્યા હતા. લોકતાંત્રિક દેશમાં કટોકટી લાદવાનું કાળું કલંક તેમના કપાળે લાગેલું હતું. દેશમાં તેમના પ્રત્યે ભારોભાર નારાજગી પ્રવર્તતી હતી. આમ છતાં હું તેમને મળવા પહોંચ્યો હતો તેનો મતલબ એવો નહોતો કે હું તેમનો પ્રશંસક હતો. ગુજરાત સમાચાર - એશિયન વોઇસમાં મેં તેમની કટોકટીનો જોરદાર વિરોધ કર્યો હતો. આ વાતની નોંધ બાદમાં વડા પ્રધાન બનેલા મોરારજી દેસાઇએ પણ લીધી હતી. તેઓ બ્રિટનના પ્રવાસે આવ્યા હતા ત્યારે લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનરના નિવાસસ્થાને મને મળવા માટે બોલાવ્યો હતો. તેમજ મારા અભિગમને બિરદાવ્યો હતો.
જોકે હકીકત તો એ પણ છે કે જે ઇંદિરા ગાંધીની કાળી કટોકટીનો ઉગ્ર વિરોધ કર્યો હતો તે જ ઇંદિરા ગાંધીની તથ્ય સાથે તરફેણ પણ કરી હતી. ખુદ ઇંદિરા ગાંધીએ પણ આ બાબતની નોંધ લીધી હોવાની વાત મને તેમની સાથેની મુલાકાત દરમિયાન જાણવા મળી. મેં ન્યૂ લાઇફમાં પ્રકાશિત તંત્રી લેખ (માર્ચ ૧૯૭૭)માં લખ્યું હતું કે ઇંદિરા ગાંધી ભલે હાર્યા, પણ દેશમાં કટોકટી લાદવાના મુદ્દે નવી સરકારે તેમને હેરાન કરવાની જરૂર નથી. આપણે એ ન ભૂલવું જોઇએ કે તેમણે અનેકવિધ રીતે ભારતની સુંદર સેવા પણ કરી છે. બાંગ્લાદેશના નિર્માણમાં તેમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેમણે આ યુદ્ધ માટે અપ્રતીમ હિંમત દાખવી છે. વગેરે વગેરે...
ઉલ્લેખનીય છે કે જનરલ જેકબના નેતૃત્વમાં ઇંડિયન આર્મીએ પાકિસ્તાની સેનાને ઘૂંટણિયા ટેકવવા મજબૂર કરી હતી. ૮૯ હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારી હતી. તે સમયે ભારતીય સેનાનું સુકાન ફિલ્ડમાર્શલ માણેકશા સંભાળતા હતા.
વાચક મિત્રો, આ બધું બન્યું ત્યારે હું સાવ સામાન્ય પત્રકાર હતો, પણ જૂઓ મહેનત, નિષ્ઠાપૂર્વક કરેલા પ્રયાસ, સચ્ચાઇપૂર્ણ રજૂઆત હંમેશા અસરકારક સાબિત થતી હોય છે. ’૮૧માં થેચરના ભારત પ્રવાસ વેળા ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવી. મને ભારતના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં બ્રિટીશ ભારતીય સમુદાયને કનડતા પ્રશ્નો અંગેની પિટિશન બ્રિટિશ વડા પ્રધાનને સોંપવાનો મોકો મળ્યો.
વાચક મિત્રો, તે વેળા ભારત આજના જેટલું શક્તિશાળી નહોતું. બ્રિટન ઘણું આગળ હતું. આજે ભારત વૈશ્વિક સ્તરે આર્થિક, લશ્કરી કે રાજદ્વારી મોરચે જે વજનદાર સ્થાન ધરાવે છે તેવું તો તે સમયે નહોતું જને?!
એક બીજી પણ નાની આડ વાત કરું તો... ઇંદિરા ગાંધી અને માર્ગરેટ થેચરની બેઠકને સફળ સાબિત થાય તે માટે એક બ્રિટનનિવાસી એક ભારતીયના ઉચ્ચ રાજદ્વારી સંપર્કનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇંદિરા ગાંધી અને માર્ગરેટ થેચરની બેઠક સફળ રહેવાથી ખુશ ખુશ સરકારે ટાયકુનને ‘શિરપાવ’ પણ આપ્યો હતો. બ્રિટીશ સરકારે લંડનસ્થિત પોતાની માલિકીની એક ઇમારત આ ટાયકુનને સાવ નજીવી કિંમતે આપી દીધી હતી. દોસ્તો, આ દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સારા કામો કરનારને ‘સારા ફળ’ મળતા જ હોય છે.
•••
ચીમનભાઈની ચાણક્ય ચાલ
વર્ષ ૧૯૯૦માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઇ પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ લંડનના પ્રવાસે આવ્યા હતા ત્યારની વાત છે. ગુજરાતના આ નેતાઓ લંડન પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા ત્યારે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત સમાચાર પરિવારના મિત્ર શ્રી ભૂપતભાઇ પારેખે ગાંધીનગર સ્થિત મુખ્ય પ્રધાન કાર્યાલયમાંથી મને ફોન કરીને આ માહિતી આપી. હજુ તો હું આનંદ વ્યક્ત કરું કે અહીંના ગુજરાતી સમુદાયને તેમના રાજ્યના સર્વોચ્ચ નેતાઓને મળીને આનંદ થશે. ત્યાં જ ભૂપતભાઇએ ઉમેર્યું કે બીજી એક બહુ અગત્યની વાત છે, માનનીય મુખ્ય મંત્રીશ્રી ખુદ ફોન તમને ફોન કરીને શું કરવાનું છે તે જણાવશે...
ચીમનભાઇનો ફોન આવ્યો. મને કહે કે ગુજરાતના પ્રાણપ્રશ્નની વાત છે અને બ્રિટિશ સરકારની મદદ જરૂરી છે. તમે બ્રિટિશ વડા પ્રધાન (તે વેળા માર્ગરેટ થેચર)ને મળવા માટે ૧૫ મિનિટનો સમય મેળવી આપો. તેઓ જે તારીખ અને સમય ફાળવશે તે પ્રમાણે અમે લંડન પ્રવાસનું આયોજન કરશું. તેમને મળવું ખૂબ જ જરૂરી છે.
મેં તેમને પ્રોટોકલ સમજાવતા ઉમેર્યું કે આપ બન્ને નેતાઓ લંડન અવશ્ય પધારો તમારું જોરદાર સ્વાગત કરશું, પરંતુ વડા પ્રધાન સાથેની મુલાકાત થોડીક મુશ્કેલ છે. સામાન્ય રીતે તેઓ ભારતના કોઈ રાજ્યના મુખ્ય પ્રધાનને વ્યક્તિગત મુલાકાત આપતા નથી.
ચીમનભાઇએ મને થોડાક લંબાણથી વાત સમજાવતા કહ્યું કે જૂઓ, આ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો પ્રશ્ન છે. કેટલાક લોકો ત્યાં બેઠા બેઠા યોજનામાં પથરા નાખી રહ્યા છે. તેમને અટકાવવા હોય તો બ્રિટિશ સરકારની લીલી ઝંડી જરૂરી છે.
મારા માટે ખરેખર ધર્મસંકટ સર્જાયું. એક બાજુ ગુજરાતનો પ્રશ્ન અને બીજી બાજુ સરકારી પ્રોટોકોલ. કઇ રીતે મુલાકાતનો મેળ બેસાડવો તેની ગડમથલમાં હતો ત્યાં કાળાડિબાંગ વાદળો વચ્ચે આશાનું એક કિરણ દેખાયું. કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઘણા મિત્રો હતા. સર જે. કે. ગોહિલ, મનુભાઈ માધવાણી, શાંતુભાઇ રુપારેલ વગેરે. અમે કેટલાક સદ્કાર્યો સાથે મળીને હાથ ધર્યા હતા. સંબંધ મારી મદદે આવ્યો. માર્ગરેટ થેચરના અતિ વિશ્વાસુ એવા મર્વિન કોહલર સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ હતા. તેમણે કોહલરના કાને વાત નાખી અને મેડમ પ્રાઇમ મિનિસ્ટર સાથે મિટીંગ નક્કી થઇ ગઇ.
વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન - ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં તો મિટીંગ શક્ય નહોતી. આથી પાર્લામેન્ટમાં મળવાનું નક્કી થયું. પીએમઓએ ૧૫ મિનિટ ફાળવી હતી. નિયત દિવસે ચીમનભાઇ અને કેશુભાઇ લંડન આવી ગયા. અમને બપોર પછીનો સમય ફાળવાયો હતો. પાર્લામેન્ટ હાઉસ પહોંચ્યા. ચીમનભાઇ, કેશુભાઇ, શાન્તુભાઈ અને હું - ચારેય પી.એમ.ના દફ્તરમાં જઇને બેઠા. મિસિસ થેચર આવ્યા. ‘માત્ર’ ૧૫ મિનિટ ફાળવાઇ હતી, અમને. મેડમ પ્રાઇમ મિનિસ્ટરને તમામ મહેમાનોનો પરિચય કરાવવાની જવાબદારી મને સોંપાઇ હતી, આ માટે મને બે મિનિટ ફાળવાઇ હતી.
વાચક મિત્રો, આપને યાદ હશે જ કે વડા પ્રધાન થેચરે બ્રિટિશ અર્થતંત્રમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું હતું. થેચર સરકારે શાસનધૂરા સંભાળી ત્યારે મોટા ભાગની જાહેર સેવાઓની માલિકી સરકાર હસ્તક હતી. બ્રિટિશ ટેલિકોમ, બ્રિટિશ ગેસ, બ્રિટિશ રેલવે, બ્રિટિશ એરવેઝ, લેટલેન્ડ મોટર્સ... યાદી બહુ લાંબી હતી. સરકાર હસ્તકના આ બધા એકમો રગશિયા ગાડાની જેમ ચાલતા હતા. નફાની તો વાત જ નહોતી, ઉલ્ટાનું સરકારી તિજોરીમાંથી લાખો-કરોડો પાઉન્ડ આ સરકારી એકમો ભરખી જતા હતા. શ્રમિકોના અધિકારોના નામે લાલિયાવાડી ચાલતી હતી. કંઇક વાંધો પડ્યો નથી ને હડતાળ જાહેર થઇ નથી. થેચરે લોખંડી હાથે પગલાં લીધા. આ એકમોની ‘સરકારી કાંખઘોડી’ હટાવી લીધી અને તેમનું ખાનગીકરણ કર્યું. લેબર લોમાં જરૂરી સુધારાવધારા કર્યા. પ્રોફેશનલ મેનેજમેન્ટે આ એકમોનું સુકાન સંભાળ્યું. થોડોઘણો વિરોધ થયો. સૂકા સાથે લીલું પણ બળ્યું, પરંતુ બ્રિટને આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી. કાઉન્સિલ હસ્તકના હાઉસીંગ યુનિટ ભાડે અપાતા હતા. તેમાં રહેતા લોકોને તેની ખરીદીનો હક આપ્યો.
થેચરના આર્થિક સુધારાઓએ દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કર્યો હતો. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ બ્રિટનના આર્થિક સુધારાની નોંધ લઇને થેચરની કામગીરીની પ્રશંસા કરી રહ્યા હતા. આ બધું આખી દુનિયા જાણતી હતી, અને ચીમનભાઇ પણ...
ચીમનભાઇ ‘ગુજરાતના રાજકારણના ચાણક્ય’ તરીકે કંઇ અમસ્તા નહોતા ઓળખાતા. તેમણે પહેલો જ પ્રશ્ન કર્યોઃ મેડમ, તમે સરકારી સાહસોના ખાનગીકરણ દ્વારા બ્રિટનનું જે પ્રકારે આર્થિક નવસર્જન કર્યું છે તેના વિશે જાણવું છે...
આર્થિક ઉદારીકરણ... મિસિસ થેચરનો મનગમતો વિષય. ચીમનભાઇના પ્રશ્નમાં થેચરની પ્રસંશા પણ હતી તો ગુજરાતના - ભારતના વિકાસની સંભાવના પણ હતીને? ‘માત્ર’ ૧૫ મિનિટની મુલાકાત, પૂરી ૪૫ મિનિટ ચાલી. મિસિસ થેચરને વચ્ચે વચ્ચે તેમના મદદનીશ યાદ કરાવતા રહ્યા કે મેડમ, બીજા મુલાકાતીઓ રાહ જોઇ રહ્યા છે. પરંતુ થેચરનો જવાબ હતોઃ આ વિષય ઘણો અગત્યનો છે. અમને વિગતવાર વાત કરી લેવા દો.
આ દરમિયાન ચીમનભાઇએ કુનેહપૂર્વક ગુજરાતના નર્મદા ડેમ પ્રોજેક્ટની વાત કરી. રાજ્ય અને પશ્ચિમ ભારતના વિકાસમાં તેનું કેટલું મહત્ત્વ છે તે પણ સમજાવ્યું. અને સાથોસાથ યાદ પણ કરાવ્યું કે બ્રિટનમાં જ કેટલાક તત્વો એવા છે કે આ યોજનામાં રોડાં નાખી રહ્યા છે. તેઓ પર્યાવરણ-પુર્નવસવાટ નામે વાંધાવચકા કાઢી રહ્યા છે. આનાથી ગુજરાત સહિતના પશ્ચિમ ભારતનું હિત જોખમાઇ રહ્યું છે.
થેચરનો જવાબ હતોઃ તમે ચિંતા ન કરો. દેશના વિકાસની વાત હોય ત્યારે કોઇ વાંધાવચકાને સ્થાન હોય જ નહીં. તમે આગળ વધો...
યોજનાને બ્રિટન સરકારની લીલી ઝંડી મળી ગઇ. ચીમનભાઇ અને કેશુભાઇ પટેલના લંડન પ્રવાસનો મુખ્ય હેતુ સાકાર થઇ ગયો. હું બીજી બધી વાતો તો ન લખી શકું ને? પણ ચીમનભાઇ અને કેશુભાઇની સાથોસાથ અમે પણ ગુજરાતના હિતમાં કંઇક યોગદાન આપ્યાનો સંતોષ અનુભવ્યો. જ્યારે પૂર્વભૂમિકા યોગ્ય હોય, તેને અનુરૂપ પૂર્વતૈયારી હોય તો તેના સારા પરિણામ મળતા જ હોય છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું.
બ્રિટનમાં તો આપણું જ કહેવાય એવું એક જૂથ નર્મદા ડેમ પ્રોજેક્ટનું એ હદે વિરોધ કરતું હતું વર્લ્ડ બેન્કે ગુજરાતની લાઇફલાઇન જેવા આ પ્રોજેક્ટ માટે ૨૨૦ મીલીયન ડોલરની લોન મંજૂર કરી હતી. પરંતુ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સાથે સંકળાયેલા બે ગુજરાતી વંશજ વિદ્વાનોએ વર્લ્ડ બેન્કના ચેરમેનને પત્ર પાઠવીને એવી રજૂઆત કરી હતી કે આ યોજનાથી પર્યાવરણ સંબંધિત ગંભીર સમસ્યા સર્જાય તેમ છે. હજારો લોકોનું પુર્નવર્સન કરવું પડશે તે યોગ્ય રીતે પાર પડશે કે કેમ તે પણ શંકા છે. આ સંજોગોમાં લોન રદ જ કરવી જોઇએ. આ વિદ્વાનોનો ઇરાદો સ્પષ્ટ હતો કે લોન જ રદ થાય તો પ્રોજેક્ટ કાગળ પર જ અટકી પડે.
પ...રં...તુ પ્રોજેક્ટને થેચરની મૂક સંમતિ મળી ગઇ. નર્મદા બચાવો આંદોલનના મેધા પાટકર, બાબા આમ્ટે સહિતના આંદોલનકારીઓના પ્રયાસો પર પાણી ફરી વળ્યું. આ લોકો યોજનાનો વિરોધ કરવા વિશાળ રેલી લઇને મહારાષ્ટ્રની સરહદે આવેલા વડોદરા જિલ્લાના એક ગામે પહોંચવાના હતા, પરંતુ તેમનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. સ્વામી સચ્ચિદાનંદજી લાખો લોકોને લઇને ત્યાં પહોંચ્યા અને નર્મદાવિરોધીઓને ત્યાં જ અટકાવ્યા.
ગયા પખવાડિયે આ નર્મદા ડેમ યોજના સંપૂર્ણ થયાના સમાચાર જાણીને આનંદની લાગણી અનુભવી. નર્મદાના નીર કેવડિયાથી કાઠિયાવાડ પહોંચ્યા છે તેમાં હજારો, લાખો લોકોનું યોગદાન છે, જેમાંનો એક અલ્પ અંશ અમે પણ છીએ તે વાતનો મને આનંદ પણ છે, ગૌરવ પણ છે. (ક્રમશઃ)

