લંડનઃ સ્કોટલેન્ડમાં ભારતીય મૂળના ૩૩ વર્ષીય પાદરી માર્ટિન ઝેવિયર વાઝાચીરાનો મૃતદેહ ગત ૨૩ જૂને ડનબાર નજીક વેસ્ટ બાર્ન્સના દરિયાકિનારેથી મળ્યાના બે સપ્તાહ પછી પણ મૃત્યુનું કારણ જાણી શકાયું ન હોવાથી સમુદાયમાં આઘાતની લાગણી વ્યાપી છે. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને કેટલાક નમૂના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ સ્કોટલેન્ડને મોકલી અપાયા હતા. વાઝાચીરાના મૃતદેહને તેમના વતન કેરળ મોકલી અપાશે.
વાઝાચીરાની ૨૦૧૩માં કેરળમાં કાર્મેલિટિઝ ઓફ મેરી ઈમાક્યુલેટના પાદરી તરીકે નિમણુંક કરાઈ હતી. તેઓ જુલાઈ,૨૦૧૬માં યુનિવર્સિટી ઓફ એડિનબરામાં પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ માટે સ્કોટલેન્ડ આવ્યા હતા. સ્કોટલેન્ડમાં ફોકીર્ક અને અન્ય કેટલાક સ્થળોએ કેથોલિક ચર્ચમાં ફરજ બજાવી હતી. છેલ્લા થોડા વર્ષમાં કેરળ, નાગાલેન્ડ, મિઝોરમ અને અન્ય રાજ્યોના કેટલાક પાદરી વિવિધ દેવળોમાં ફરજ બજાવવા બ્રિટનમાં આવીને વસ્યા છે.
એડિનબરામાં ભારતના કોન્સુલ જનરલ અંજુ રાજને જણાવ્યું હતું કે મૃતદેહ સોંપતા પહેલા સંપૂર્ણ તપાસ માટે તમામ ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. મિશન હાલ વાઝાચીરાના પરિવાર અને અહીંની સાયરો-મલબાર કોમ્યુનિટીના સંપર્કમાં છે.

