ઇટલીમાં સપ્તપદીના ફેરા ફરતા વિરાટ-અનુષ્કા

Wednesday 13th December 2017 05:14 EST
 
 

ફ્લોરેન્સ (ઇટાલી)ઃ ભારતીય ક્રિકેટ ટીમના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્નબંધને બંધાયા છે. નવપરણિત દંપતીએ ટ્વિટર પર આ જાહેરાત કરતાં કહ્યું હતું કે તેઓ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં હિન્દુ રીતરિવાજ પ્રમાણે સપ્તપદીના ફેરા ફર્યા છે. લગ્ન વિધિ પૂરી થયે વિરાટ અને અનુષ્કાએ ટ્વિટર પર પોતાના પ્રશંસકો માટે આ સમાચાર અને લગ્નના ફોટા જાહેર કર્યા હતા. કોહલીની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લગ્નના તેમજ મહેંદી અને અન્ય રસમના ફોટોગ્રાફ્સ છવાઈ ગયા હતા.
બંનેએ પોત-પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લાગણીસભર પોસ્ટમાં લખ્યું હતુંઃ આજે અમે એકબીજાની સાથે કાયમ માટે પ્રેમના બંધને બંધાયેલા રહેવાનું વચન આપ્યું છે. અમે આ સમાચાર તમારી સાથે શેર કરતાં ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છીએ. આ સુંદર દિવસ અમારા પરિવારો અને ચાહકો અને શુભેચ્છકોના પ્રેમ અને સમર્થનને કારણે વધુ વિશેષ બન્યો છે. અમારી યાત્રામાં મહત્ત્વના હિસ્સા તરીકે જોડાવા બદલ આપનો આભાર...’
છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા અને વિરાટના લગ્નની અટકળોના પગલે મીડિયામાં તેમજ ચાહકોમાં ભારે ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો. સોમવારે વિરાટ અને અનુષ્કાએ પોતપોતાના ટ્વીટર હેન્ડલ પર લગ્નની તસ્વીરો શેર કરતાં ભાવનાત્મક સંદેશ સાથે લગ્નની જાહેરાત કરી હતી. તેની સાથે જ દેશ-વિદેશમાંથી તેમના પર અભિનંદનોના પુષ્પોની વર્ષા શરૂ થઈ ગઈ હતી. વિરાટ અને અનુષ્કા હિંદુ વિધિ પ્રમાણે લગ્નના બંધને બંધાયા હતા. હવે તેઓ સગાસંબંધીઓ માટે ૨૧ ડિસેમ્બરે દિલ્હીમાં અને ત્યાર બાદ ક્રિકેટરો તેમજ હિન્દી ફિલ્મઉદ્યોગના મિત્રો માટે ૨૬ ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય સમારંભનું આયોજન કરશે.
ટોચના ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલા ડ્રેસ વિરાટ અને અનુષ્કાએ પહેર્યા હતા. બે દિવસ પહેલા જ વિરાટ કોહલી અને ત્યાર બાદ અનુષ્કા શર્મા તેમના પરિવાર અને અંગત મિત્રો સાથે યુરોપ માટે રવાના થતાં તેમના લગ્નની અટકળો તેજ બની હતી. આ પછી મીડિયામાં તેમના લગ્નના રિસોર્ટની તસવીરો અને તે અંગેના અહેવાલ પણ વહેતા થયા હતા. 

નૂતન વર્ષ સાઉથ આફ્રિકામાં આવકારશે

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારતમાં સમારંભોના આયોજન બાદ સાઉથ આફ્રિકા જવા રવાના થશે અને ત્યાં નવા વર્ષને આવકારશે. અનુષ્કા આ પછી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારત પરત ફરશે. આ પછી તે મુંબઈમાં શાહરુખ ખાન સાથેની આનંદ એલ. રાયની ફિલ્મનું કામ શરૂ કરશે. જ્યારે કોહલી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં જોડાશે. અનુષ્કા શર્મા ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ‘સુઈ ધાગા’ ફિલ્મમાં વરુણ ધવનની સાથે કામ કરી રહી છે. ડિસેમ્બરમાં નવદંપતિ વરલી ખાતે આવેલા તેમના નવા ઘરમાં રહેવા જશે.


comments powered by Disqus