ઇરાનમાં ઓમાનની ખાડીમાં ૩૪૦ મિલિયન ડોલરના ખર્ચે સાકાર થયેલા વ્યૂહાત્મક ચાબહાર બંદરનો પ્રથમ તબક્કો જળપરિવહન માટે ખુલ્લો મૂકાયો છે. ઈરાન-ભારત-અફઘાનિસ્તાનને જોડતું ચાબહાર બંદર એટલે પાકિસ્તાનમાં ચીનના સહયોગથી આકાર લઇ રહેલા ગ્વાદર પોર્ટનો જડબાતોડ જવાબ. ભારત-ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે ટ્રાન્ઝિટ કોરિડોર તરીકે આ પોર્ટને વિકસાવવા ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઈરાનના પ્રમુખ હસન રુહાની અને અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની વચ્ચે સમજૂતી થઈ હતી. ભારતે પ્રોજેક્ટ માટે ૫૦૦ મિલિયન ડોલરની સહાય આપી છે. તો પ્રથમ ચરણમાં બનેલી બે જેટીના નિર્માણ-વિકાસમાં પણ સહયોગ આપ્યો છે. આમ ચાબહાર પ્રોજેક્ટે ત્રિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કર્યા છે.
ચાબહાર એ સાઉથ-ઇસ્ટ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું પોર્ટ છે, જેના માધ્યમથી ભારતે પાકિસ્તાનને બાયપાસ કરી અફઘાનિસ્તાન માટે દરિયાઇ માર્ગ બનાવ્યો છે. ભારત સાથે સુરક્ષા સંબંધો ને આર્થિક હિતો ધરાવતા અફઘાનિસ્તાનની એક પણ સરહદ સમુદ્ર સાથે જોડાયેલી નથી. તો ઈરાનનો ઉદ્દેશ ચાબહાર પોર્ટના માધ્યમથી સેન્ટ્રલ એશિયા તેમજ હિન્દ મહાસાગરના ઉત્તરીય ભાગમાં વસેલા બજારો સુધી તેના માલસામાનની હેરફેર વધુ સરળ કરવા ઇચ્છે છે. જ્યારે ભારત માટે ઇરાન અને અફઘાનિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત સંરક્ષણાત્મક દૃષ્ટિકોણથી ચાબહારનું મહત્ત્વ છે.
ચીને વાયા પાકિસ્તાન અરબી સમુદ્રમાં પ્રવેશ મેળવવા ગ્વાદર બંદરનું નિર્માણ શરૂ કર્યું તે પછી ભારતે ચાબહારને વિકસાવવાની યોજના ઝડપભેર હાથ ધરી હતી. ઈરાન સાથે મળીને ચાબહાર બંદરનું વિસ્તરણ શરૂ કર્યું અને એક વર્ષમાં તો પ્રથમ ચરણનો પ્રારંભ પણ થઇ ગયો છે. પોર્ટનું ઉદ્ઘાટન કરતાં રુહાનીએ જણાવ્યું છે તેમ આ બંદર પ્રાદેશિક દેશો સાથેના સંબંધોમાં સુધારામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. રુહાનીની વાત ખોટી પણ નથી.
હવે ભારતીય માલસામાન મુંબઇ અને કંડલાથી વાયા ચાબહાર અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયાના દેશોમાં પહોંચશે. અત્યાર સુધી વાયા પાકિસ્તાન માલસામાન મોકલતું ભારત હવે સીધું જ અફઘાનિસ્તાન, ઇરાન, સેન્ટ્રલ એશિયા, રશિયા અને યુરોપ સાથે જોડાશે. ગુજરાતના કંડલા અને ચાબહાર વચ્ચે દિલ્હી-મુંબઇ કરતાં પણ ઓછું અંતર છે. આમ ચાબહારથી ભારતના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં જંગી ઘટાડો થશે. સરવાળે ભારત-ઇરાન-અફઘાનિસ્તાન વેપારવણજ વધશે.
ચાબહારને વિકસાવવાની સાથોસાથ જેશના રેલ-રોડ નેટવર્ક દ્વારા સેન્ટ્રલ એશિયાના દેશોને સાંકળી લેવાની યોજના પણ આખરી તબક્કામાં છે. ભારતે ઇરાન સરહદને જોડતી ઝરંજ-દેલારામ સડકનું અફઘાનિસ્તાનમાં નિર્માણ પૂરું કર્યું છે, જે અફઘાનિસ્તાનના ચાર મોટાં શહેરોને જોડે છે. આ ઉપરાંત ભારત ઇરાનમાં ૧.૬ બિલિયન ડોલરના ખર્ચે નિર્માણ થનારી ઝાહેદાન રેલલાઇનમાં પણ મદદ કરશે, જે ઇરાનના મશાદને તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડશે. આમ સબ કા સાથ, સબ કા વિકાસનો મોદીમંત્ર અત્યારે તો ભારત-ઇરાન-અફઘાનિસ્તાન ત્રણેય માટે સાકાર થતો જણાય છે.
