ન્યૂ યોર્કઃ બાળકોને રમકડાં રમવાનું તો સ્વાભાવિક રીતે જ ગમતું હોય છે, પરંતુ રમતાં-રમતાં કરોડો કમાવાનું તે કંઈ બાળપણમાં થોડું સૂજે. પરંતુ અમેરિકાના રેયાનની વાત અલગ છે. માત્ર છ વર્ષનો ટાબરિયો કરોડો ડોલર કમાઈ રહ્યો છે! રેયાન યુટ્યૂબ પર રમકડાં અને કેન્ડીની સમીક્ષા કરીને ૧.૧ કરોડ ડોલરથી વધુ કમાય છે. ‘ફોર્બ્સ’ મેગેઝિને રેયાનને ‘યુટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સ ૨૦૧૭’ની વૈશ્વિક યાદીમાં સ્થાન આપ્યું છે. યાદીમાં તે આઠમા ક્રમે છે.
રેયાને ચાર વર્ષની વયથી રમકડાંની સમીક્ષા કરે છે. રેયાન બાળકો માટેના નવા રમકડાં કેવા છે તેની વિગત સાથે સમીક્ષા કરે છે. યુટ્યૂબ કહે છે કે ‘રેયાનને રમકડાં ખૂબ ગમે છે. તેને કાર, ટ્રેઈન, થોમસ એન્ડ ફ્રેન્ડ્સ, લીગો, ઓપન સરપ્રાઈઝ એગ્ઝ, પ્લે ડોહ, ડિઝની પ્લેન, મોન્સ્ટર ટ્રક, ફેમિલી ફન એડવેન્ચર અને આવું ઘણું બધું ગમે છે.’
ડિઝની પિક્સર કારના ૧૦૦થી વધુ રમકડાના બોક્સ ‘જાયન્ટ એગ સરપ્રાઈઝ’ની સમીક્ષાએ તેને યુટ્યૂબ સ્ટાર બનાવી દીધો. આ વીડિયો ૮૦ કરોડથી વધુ લોકોએ જોયો હતો. રેયાનની ચેનલના એક કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે.

