ઠંડીની મોસમમાં રાખો ત્વચાની યોગ્ય સંભાળ

Wednesday 13th December 2017 06:10 EST
 
 

ઠંડીના વાતાવરણમાં ત્વચા સૂકી થઈ જાય છે. કેટલીક મહિલાઓને શુષ્ક-નિસ્તેજ ત્વચા અને રેસિસનો પણ સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આ દિવસોમાં પાર્લરમાં જઇને ત્વચાની ગુમાવેલી કાંતિ પાછી મેળવવા સિવાય બીજો કોઇ રસ્તો હોતો નથી, પણ ત્વચાની થોડી સંભાળ રાખવાથી તમે આ પરેશાનીઓથી દૂર રહી શકો છો. ઠંડી મોસમમાં પણ સુંદર દેખાવા માટેની કેટલીક રીત અહીં હાજર છે.
યોગ્ય સંભાળ
રોજ સવારે અને રાત્રે ત્વચાનું કલીન્સિંગ અને સવારે ટોનિંગ કરવાનું યાદ રાખો. અત્યારે બજારમાં દરેક પ્રકારની ત્વચાને અનુરૂપ કલીન્સર અને ટોનર મળે છે. તમારી ત્વચાના પ્રકાર મુજબ તેની પસંદગી કરો. જે કંપનીના કલીન્સરનો ઉપયોગ કરતાં હો, તે જ કંપનીના ટોનરનો ઉપયોગ કરવાનું રાખો. આ માટે કોટનબોલ પર થોડું કલીન્સર લો અને તેનાથી ચહેરો સારી રીતે લૂછી લો. તે પછી ટોનર અને મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરો. બહાર જવાનાં હો તો ચહેરા અને હાથ પર લોશન અવશ્ય લગાવો. ત્વચાને સૂટ થાય તેવા ફેસપેકનો ઉપયોગ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો ઘરે તૈયાર કરેલા ટોનર, કલીન્સર અને ફેસપેકનો ઉપયોગ પણ કરી શકો. આ કેવી રીતે બનાવવા તેની રીત અહીં જણાવી છે.
કલીન્સર બનાવવા માટે
• એક ગ્લાસ પાણી, એક ચમચી ગ્લિસરીન, એક ચમચી લીંબુનો રસ, સહેજ લીંબુના ફૂલ અને એક ચમચો મધ ભેળવો. આ કલીન્સર કોઇ પ્રકારની ત્વચા માટે ઉપયોગી છે.
• બે ચમચા મલાઇમાં એક ચમચી ગ્લિસરીન ભેળવી બરાબર મિક્સ કરો. તૈયાર લોશનને ચહેરા પર લગાવો અને કોટનબોલથી સારી રીતે લૂછી લો. આ કલીન્સર શુષ્ક ત્વચામાં નિખાર લાવે છે.
ટોનર બનાવવા માટે
• એક ગ્લાસ પાણી ગરમ કરો. તે ઉકળે એટલે તેમાં દેશી ગુલાબની ૧૫-૨૦ પાંખડીઓ નાખો. પાણી ઉકળીને અડધા ભાગનું રહે, ત્યારે આંચ પરથી ઉતારી તૈયાર ટોનરને ઠંડું કરી બોટલમાં ભરી લો.
• એક ગ્લાસ પાણી ગરમ કરો. તે ઉકળે એટલે તેમાં લીમડાના ૮-૧૦ પાન નાંખો. તે બરાબર ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતારી બોટલમાં ભરી લો. આ એન્ટિસેપ્ટિક ટોનરથી ખીલ કે ફોલ્લીની સમસ્યા દૂર
થાય છે.
ઉપર જણાવેલા ટોનર અને કલીન્સરને ફ્રિઝમાં રાખી એક અઠવાડિયા સુધી ઉપયોગ કરી શકાય છે.
ફેસપેક બનાવવા માટે
• બે ચમચી સુખડનો પાઉડર, અડધી કાકડીની પેસ્ટ, એક ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી મધ ભેળવો. સામાન્ય ત્વચાને સ્વસ્થ બનાવવા માટે આ ફેસપેકનો ઉપયોગ કરવામાં આવે છે.
• ખસખસને આખી રાત પાણીમાં પલાળી રાખી તેની પેસ્ટ બનાવો. તેમાં બે ચમચી સુખડનો પાઉડર અને એક ચમચી મિલ્ક પાઉડર મિક્સ કરો. જો તમારી ત્વચા સામાન્ય હોય, તો આનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકો છો.
• ૪-૬ બદામ, ૨૦-૩૦ નંગ ચારોળીને આખી રાત પાણીમાં પલાળો. સવારે પાણી નિતારીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં એક ચમચી સુખડનો પાઉડર, એક ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી ગ્લિસરીન ભેળવો. ગ્લિસરીનના બદલે કેળાના ગરનો ઉપયોગ પણ કરી શકો છો. શુષ્ક ત્વચાને કાંતિવાન બનાવવા માટે આ ફેસપેક અત્યંત સારું રહે છે.
• જો તમારી ત્વચા તૈલી હોય તો પપૈયાના પલ્પથી ૧૫-૨૦ મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો. તે પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખો. આનાથી તમારી ત્વચા કાંતિવાન બનશે.


comments powered by Disqus