વોશિંગ્ટનઃ વધતી વયે વીડિયો ગેમ રમો તો આપણું મગજ ચુસ્ત રહી શકે છે... એક અભ્યાસ મુજબ મોટી ઉંમરનાં લોકો જે ખાસ કમ્પ્યૂટર તાલીમનો અભ્યાસ કરે છે તેઓમાં વિસ્મૃતિની સમસ્યા પેદા થવાની સંભાવના ૨૯ ટકા ઓછી થાય છે. યુએસ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ દ્વારા થયેલા આ અભ્યાસમાં એવા ટેસ્ટ કરાયા હતા, જેમાં લોકોને તસવીર જોઈને ઝડપથી જવાબ આપવાના હતા.
૨,૮૦૦ લોકો પર કરાયેલા આ અભ્યાસમાં મગજને તાલીમ આપતી ટેસ્ટ ‘ડબલ ડિસિઝન’ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો, જેમાં સામેલ ભાગ લેનારાની વય સરેરાશ ૭૪ વર્ષ હતી. આ એક અમેરિકી કંપની પોઝિટ સાયન્સનો પેટન્ટ પ્રોગ્રામ છે, જે BrainHQ.com પર ઉપલબ્ધ છે. વિશેષજ્ઞોના મતે તેનાં પરિણામ સકારાત્મક આવ્યાં છે.
ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં પણ મદદરૂપ
કમ્પ્યૂટર ટેસ્ટમાં ભાગ લેનારાં લોકોને પ્રોગ્રામ પહેલાં પાંચ અઠવાડિયાં સુધી ઓછામાં ઓછી ૧૦ કલાકની તાલીમ અપાઈ હતી. તેમાંથી કેટલાકને અગાઉનાં ત્રણ વર્ષો સુધી કમ્પ્યૂટરની વધુ તાલીમ અપાઈ હતી. અત્યારે તો વિશેષજ્ઞો આ અભ્યાસને વધુ સારી રીતે સમજવા પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલાંના અભ્યાસમાં પણ વીડિયો ગેઇમને એ લોકો માટે સારો ઉપચાર ગણાવાયો હતો, જેઓ ડિપ્રેશનથી પીડાતાં હતાં કે જેઓ પોતાની શીખવાની ક્ષમતા વધારવા માગતાં હતાં.
કઈ રીતે કર્યો પ્રયોગ?
આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં માનવીને કમ્પ્યૂટર સ્ક્રીનની વચ્ચે જોવાની ક્ષમતાને ચકાસાવમાં આવી હતી. તેમાં સ્ક્રીનની વચ્ચે એક ટ્રક હતી. ટેસ્ટ આપનારી વ્યક્તિએ ટ્રકની આસપાસ અચાનક પોપઅપ થતી કોઈ કાર, બાઇક કે સાઇકલ જેવી ચીજો પર માઉસથી ક્લિક કરવાનું હતું. જેમ જેમ વ્યક્તિ શ્રેષ્ઠ થવા માંડે તેમ તેમ ચીજો ઝડપથી નજર સામે આવતી અને ટેસ્ટનું લેવલ ઊંચું જતું હતું.
આ પરીક્ષણ મગજના ફેરફારની ક્ષમતાનો પ્રયોગ અને અનુભવ, નિર્ણય લેવાની, વિચાર અને યાદ રાખવાનાં કૌશલ્ય સંદર્ભે હતું.
આ અભ્યાસમાં ભાગ લેનારાં ચાર જૂથો હતાં. એકે કમ્પ્યૂટર ટ્રેનિંગનો અભ્યાસ કર્યો, બીજાએ યાદદાસ્તને બહેતર રાખવા માટે પરંપરાગત અભ્યાસને પસંદ કર્યો હતો, ત્રીજાએ તર્ક-વિતર્ક સાથે જોડાયેલો અભ્યાસ કર્યો હતો જ્યારે ચોથા જૂથે કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નહોતી.

