અભિનેત્રી ઝાયરા વસીમ તાજેતરમાં દિલ્હીથી મુંબઇની ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી. ૧૭ વર્ષીય ઝાયરા સાથે ફ્લાઈટમાં આધેડ વ્યક્તિએ દુર્વ્યવહાર કર્યો હતો અને તેને અડવાની ભૂલ કરી છે. એવા લખાણ સાથેનો વીડિયો ઝાયરાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં આ મુદ્દે વિવાદ થયો છે. આરોપી યાત્રી વિરુદ્ધ ઝાયરાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. ઝાયરાની ફરિયાદ પછી આરોપી વિકાસ સચદેવની (૩૯)ની મુંબઇ પોલીસે રવિવારે રાત્રે ધરપકડ કરી હતી અને તેને સોમવારે કોર્ટમાં હાજર કરાયો હતો. સચદેવે પોલીસને જણાવ્યું છે કે, તેનો પગ ભૂલથી ઝાયરાનાં ગળા સાથે અથડાઈ ગયો હશે. વિકાસે કહ્યું છે કે, જ્યારે ઝાયરાએ અલાર્મ સ્વીચ દબાવી ત્યારે કદાચ તેનાથી કંઈ ભૂલ થઈ હોય તો તેની માફી પણ માગી હતી. તે દિલ્હીમાં શોકસભામાંથી મુંબઇ આવી રહ્યા હતા અને ખૂબ થાકેલા હતાં. તેઓ મુસાફરીમાં ઉંઘવા માંગતા હતા જેથી તે ફ્લાઇટમાં જમ્યા પણ નહોતા. તેથી કદાચ ભૂલમાં તેમનાથી ઝાયરાને પગ અડ્યો હતો એવું બને તેવું નિવેદન આપ્યું હતું. વિસ્તારાએ વિકાસ થાકેલા હોઈ શકે અને તેમણે ભોજન નહોતું લીધું તેને સમર્થન આપ્યું છે સાથે એરલાઇન્સે ઝાયરાની માફી પણ માગી છે. વિસ્તારાનાં સ્ટ્રેરરર્જી ઓફિસર સંજીવ કપૂરે કહ્યુ કે, ક્રૂ મેમ્બરને આ ઘટનાની માહિતી ત્યારે મળી હતી જ્યારે તેઓ લેન્ડિંગ માટે સીટ બેલ્ટ લગાવી ચૂક્યા હતાં. અમે ઝાયરાની દરેક પ્રકારે મદદ કરીશું. ઉલ્લેખનીય છે કે, આ મામલામાં મહારાષ્ટ્ર મહિલા આયોગે, રાષ્ટ્રીય મહિલા આયોગે વિસ્તારાને નોટિસ મોકલી હતી જે અંગે વિસ્તારાએ કહ્યું છે કે અમે ઝાયરાની માફી માગવા સાથે તેની બનતી મદદ કરીશું.

