માલ્યાનું પ્રત્યાર્પણ અને બ્રિટનનું ન્યાયતંત્ર

Wednesday 13th December 2017 05:01 EST
 

ભારત સરકાર છેલ્લા કેટલાક મહિનાથી બ્રિટનની કોર્ટમાં અનોખો કાનૂની જંગ લડી રહી છે. મામલો છે ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો. માલ્યાને બ્રિટનથી ભારતભેગો કરવાની કાનૂની કાર્યવાહી યુદ્ધથી લેશમાત્ર કમ નથી. એક સમયના બિઝનેસ ટાયકુન માલ્યા સવાસો કરોડ ભારતીયોની નજર સામે અબજો રૂપિયાની આર્થિક ગેરરીતિ આચરી લંડન નાસી આવ્યા છે. અહીં ખુલ્લેઆમ હરેફરે છે, પાર્ટીઓમાં એશ કરે છે, પણ ભારત સરકાર તેને આંગળી પણ અડકાડી શકતી નથી. માલ્યાનો આ નફિકરો અભિગમ જ દર્શાવે છે કે તે ભારતીય કાનૂન-વ્યવસ્થાની નબળાઇ અને બ્રિટિશ ન્યાયતંત્રની સબળાઇથી વાકેફ છે. આ જ કારણ છે કે માલ્યા અને તેના જેવા ભારતના વ્હાઇટ કોલર કે અન્ય પ્રકારના ગુનેગારો માટે બ્રિટન દેશ કાનૂનથી બચવાનું સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યો છે.
માલ્યા સામે ભારતમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કોમાંથી વ્યાવસાયાર્થે રૂ. ૯૦૦૦ કરોડની લોન મેળવીને તે પરત ન ચૂકવ્યાનો આરોપ છે, પણ તેને કોઇ દરકાર નથી. આ જ પ્રમાણે - એક સમયે ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ઓળખ બની ગયેલા લલિત મોદી પણ ભારતીય કાયદાની ચુંગાલમાંથી છટકી બ્રિટન આવી વસ્યા છે. આઇપીએલ થકી ક્રિકેટની લોકપ્રિયતાને નવી જ ઊંચાઇએ પહોંચાડનાર મોદી સામે ટૂર્નામેન્ટમાં આર્થિક ગેરરીતિનું ષડયંત્ર રચ્યાનો આરોપ છે. લલિત મોદી પૂર્વે હિન્દી ફિલ્મ ઉદ્યોગના સંગીતકાર નદીમ અખ્તર ઝૈદી અહીં આવીને વસી ગયા છે. તેની સામે ટી-સિરીઝ કંપનીના માલિક ગુલશન કુમારની હત્યાના કેસમાં સંડોવણીનો આરોપ છે.
માલ્યા, મોદી કે નદીમ... તમામે ભારતથી ભાગી બ્રિટનમાં આશરો લીધો છે કેમ કે બ્રિટનની ન્યાય-વ્યવસ્થા નિષ્પક્ષ અને ખૂબ મજબૂત છે. આ ભાગેડુઓને લાગે છે કે આખી દુનિયામાં બ્રિટન એકમાત્ર એવો દેશ છે જ્યાં તેઓ ભારતીય કાયદાની પકડથી બચી શકે તેમ છે. બ્રિટિશ ન્યાયાલયના ન્યાયાધીશો કોઇ રાજકીય, સામાજિક કે આર્થિક દબાણની શેહમાં આવતા નથી. આવી સુદૃઢ ન્યાયપ્રણાલિના અઢળક લાભ છે, તો ગેરલાભ પણ ખરા. જે પોષતું તે મારતું... કોઇ પણ દેશનો નાગરિક ગુનો આચરીને બ્રિટનમાં શરણ લે છે તો જે તે દેશની સરકારે બ્રિટિશ ન્યાયતંત્ર સમક્ષ પુરવાર કરવું પડે છે કે આ વ્યક્તિએ ખરેખર તેના દેશના કાયદાનો ભંગ કર્યો છે. આ સમયે જે તે આરોપી સામે મજબૂત પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી સરકારી એજન્સીઓની હોય છે. સોયની અણીના ટોચકા જેટલી પણ ચૂક થઇ કે હાથમાં આવેલો આરોપી છટક્યો સમજો. અને વગદાર લોકોના મોટા ભાગના કેસોમાં આવું જ બને છે. આવા પ્રભાવશાળી લોકો કાયદાથી બચવા કાનૂનવિદોની ફોજ ઉતારી દેતા હોય છે. લલિત મોદી અને નદીમ ઝૈદી આજે પણ ભારતીય કાયદાથી બચતા ફરે છે તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતે શરૂ કરેલી પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન) કાર્યવાહીમાં માલ્યાના વકીલો અનેક વાંધાવચકા કાઢી ચૂક્યા છે તે નોંધનીય છે.
એક રીતે જોવામાં આવે તો માલ્યાના પ્રત્યાર્પણ માટેના ભારતના પ્રયાસો આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવા છે. તો પછી આવા લોકોને કાયદાના સાણસામાં સપડાવવાનો ઉપાય શું? આવા નઠારા તત્વોને દેશ છોડી જતાં રોકવા. ગુનેગારને એવો કોઇ મોકો જ ન મળવો જોઇએ કે તે ભારતમાં ગુનો આચરીને અન્ય દેશમાં પહોંચી જાય. માલ્યા જેવા ભાગેડુ ભારતની કાનૂન-વ્યવસ્થા સાચવવાની જવાબદારી સંભાળતી સંસ્થાઓની કાર્યપદ્ધતિ સામે મોટો સવાલ ઉભો કરે છે. ગુનેગાર ભારતમાં તપાસ એજન્સીઓની નજર સામે હોય છે ત્યારે તેને એટલી છૂટછાટ જ શા માટે અપાય છે કે તે આખા દેશને અંગૂઠો દેખાડીને સુરક્ષિત રીતે બીજા દેશમાં જઇ પહોંચે. આવા વગદાર લોકો સામે ફરિયાદ નોંધાય છે તે સાથે જ કેમ કાર્યવાહી થતી નથી? તપાસના નામે તેમને બચાવનો સમય કેમ અપાય છે? જટિલ પ્રત્યાર્પણ પ્રક્રિયા અને સુદૃઢ ન્યાયતંત્રના કારણે બ્રિટન આવા ગુનેગારોનો પ્રિય દેશ બની રહ્યો છે. માલ્યાના કેસમાં ભારત બ્રિટિશ ન્યાયતંત્ર સમક્ષ કેટલી નક્કર અને દમદાર રજૂઆત કરે છે એ તો થોડાક દિવસોમાં ખબર પડી જશે, પરંતુ ભૂતકાળના કિસ્સામાં તેની નિષ્ફળતા સ્પષ્ટ નજરે પડે છે. લલિત મોદી સામે તો રેડ કોર્નર નોટિસ નીકળી છે, છતાં તે હજુ સુધી ભારતની ચુંગાલમાં આવ્યો નથી. ભારતે જો સમય-નાણાં વેડફાતા અટકાવી ગુનેગારોને કાયદાના કઠેડામાં ઉભા કરવા હશે તો તપાસનશી સંસ્થાઓની કાર્યપદ્ધતિ બદલ્યા વગર છૂટકો નથી.


    comments powered by Disqus