ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનાં મતદાનનો બીજો તબક્કો ૧૪ ડિસેમ્બરે (આ અંક છપાઈને તમારા હાથમાં પહોંચી ગયો હશે ત્યારે) પૂરો થશે. આ દરમિયાન પાકિસ્તાનના સૈનિકી વડાએ અહમદ પટેલને નિમિત્ત બનાવીને ગુજરાતના મુખ્ય પ્રધાન તે બને તેવી ઇચ્છા જણાવી છે. પછીના દિવસે ઐય્યરે મણિશંકરે વડા પ્રધાનને ‘નીચ’ કહ્યા! મૂળ અંગ્રેજી ‘લો’નો આ મણિ-શૈલીનો હિન્દી શબ્દ હતો. પછી માફી માગી લીધી, રાહુલે તેમને બરતરફ કર્યા છે. પણ ખુદ રાહુલે એક વાર પોતાની આંકડાકીય ભૂલી સ્વીકારતાં નિવેદન કર્યું કે ‘હું ભૂલો સ્વીકારશ કેમ કે હું નરેન્દ્ર મોદી નથી, માણસ છું!’
એટલે? મોદી ‘માણસ’ નથી એવું જ અર્થઘટન થાય ને?
ખેર, આ ચૂંટણીએ કાદવિયા પ્રવૃત્તિને વેગ આપ્યો તે સારું નથી થયું તેમાં બીજા ગંભીર મુદ્દાયે ઉમેરાયા. જિજ્ઞેશ મેવાણીને ગુજરાતી બૌદ્ધિકોની એક જમાત ‘મહાન યુવક નેતા’ કહે છે તેણે પીએફઆઈ - પીપલ્સ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા નામે સંસ્થા પાસેથી ફંડ લીધું. આ સંસ્થા આઇએસઆઇએસની ભરતી માટે નામચીન છે. અરુંધતિ રાયને ય ઊભરો આવ્યો અને બે-ત્રણ લાખ આપ્યા. તપાસ તો કરો કે આ બધું શું છે? ગુજરાતવિરોધી, દેશવિરોધી પરિબળોને ચૂંટણીમાં સક્રિય થવાનો મોકો મળી ગયો છે કે શું? આને લોકશાહીનું પર્વ કહેશું કે અખાડામાં ચાલનારી જીવલેણ ફ્રી કુશ્તી?
સવાલ ૧૪ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી ચર્ચાતો રહેશે અને ઈસુ વર્ષ ૨૦૧૮માં તો નવી ગુજરાત સરકાર હશે. ગુજરાતને માટે આ કંઈ પહેલી વારની પસંદગી નથી, છેક ૧૯૫૨થી આપણે ત્યાં જંગ ખેલાતો આવ્યો અને દરેક વખતે પરિસ્થિતિમાંથી જન્મેલા મુદ્દાઓ હતા. ૧૯૫૨માં સૌરાષ્ટ્ર સરકાર પણ હતી (જેના મુખ્ય પ્રધાન પછીથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. કેટલાકના મતે નેહરુ પછી કોણ?નો જવાબ આ સાદગીયુક્ત ગાંધીવાદી નેતામાં શોધાઈ રહ્યો હતો, પણ મોરારજીભાઈએ તેવું થવા દીધું નહીં!) નવીસવી આઝાદી એટલે કોંગ્રેસનો દબદબો હતો અને વિરોધ પક્ષે પ્રજા સમાજવાદ, સામ્યવાદ, હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, કૃષક મઝદૂર પ્રજા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા. રજવાડાંઓનું વિલીનીકરણ અને જમીનદારી પ્રથા નાબૂદીના અસરકારક મુદ્દાઓ હાજર હતા.
બુલેટની સાથે બેલેટની બોલબાલા સૌરાષ્ટ્રની પ્રથમ ચૂંટણીનું દેખીતું લક્ષણ! ડાકુ ભૂપતે બહારવટું ખેડ્યું અને કેટલીક લાશો ઢાળી. તેનો વિરોધ તત્કાલીન કોંગ્રેસ સરકારની સામે હતો. બીજી તરફ આરઝી હકુમતના સર સેનાપતિ શામળદાસ ગાંધી પણ જૂના સાથીદારોને છોડીને પછીથી વિપક્ષે રહીને ચૂંટણી લડ્યા પણ હારી ગયા. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત (જે મુંબઈ સરકારમાં સામેલ હતું) તેના વિપક્ષ-નેતાઓ આચાર્ય કૃપલાણી, ઇન્દુલાલ યાજ્ઞિક, જશવંત મહેતા, દિનકર મહેતા. પણ એ વખતે કહેવત હતીઃ ‘બે બળદની જોડી, કોઈ શકે ના તોડી!’ એ સમયે કોંગ્રેસનું નિશાન ગ્રામલક્ષી-ખેડૂતલક્ષી બળદ-જોડીનું હતું પછી તો કોંગ્રેસનાં જ દેશવ્યાપી ભાગલા પડતા ગયા અને નિશાનો બદલતાં રહ્યાં.
ગુજરાતમાં જ સંસ્થા કોંગ્રેસ, ઇન્દિરા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી... આ બધાની હાજરી ચાલુ રહી. પણ કોંગ્રેસ ઉમેદવારની જગ્યાએ કોઈ ઝાડ કે વીજળીનો થાંભલો ઊભો રાખે તો તે પણ જીતી જાય એવી માન્યતા હતી. ‘નેહરુ એટલે કોંગ્રેસ, કોંગ્રેસ એટલે દેશ’ એ બીજો મંત્ર, જે પછીથી છેક ૧૯૭૫માં ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’માં ફેરવાઈ ગયો... એવા સમયે વિરોધમાં કોણ જીતી શકે? તો યે લીંબડી વિધાનસભા અને વડોદરાની લોકસભા બેઠકો વિરોધ પક્ષે મેળવી. કારણ? એટલું જ કે તેના ઉમેદવારોએ સાચી રીતે ઉમેદવારીપત્રક ભર્યાં નહોતાં! સૌરાષ્ટ્રમાં ત્રણ, શેષ ગુજરાતમાં આઠ વિરોધી ઉમેદવારો યે જીત્યા. આનો અર્થ એ થયો કે ‘સા-વ સૂપડાં સાફ’નો મિજાજ ત્યારે પણ નહોતો. એ ચૂંટણીમાં મોરારજીભાઈ વલસાડ-ચીખલીમાં હારી ગયેલા! વિજિત ઉમેદવાર ડો. અમુલ દેસાઈએ તેમના અવસાન પૂર્વે એક વાર ગપસપમાં મને કહ્યુંઃ ‘હું જીત્યો તો માત્ર ૧૯ મતે, પણ તેનો રોમાંચ જબરો હતો!’ રાજ્યનો ગૃહમંત્રી હારી જાય એ કાંઈ નાની સુની વાત નહોતી. જોકે પછી બીજે લડીને મોરારજીભાઈ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી તો જરૂર બન્યા!
અમદાવાદની પેટા-ચૂંટણીમાં તેમણે સામ્યવાદી નેતા દિનકર મહેતાને હરાવ્યા હતા. ૧૯૭૫-૭૬માં કટોકટી-વિરોધના સંઘર્ષમાં મોરારજીભાઈની સાથે સામ્યવાદી સીપીએમ અને જનસંઘ પણ હતો. એક બેઠકમાં દિનકરભાઈને મોરારજીભાઈએ યાદ કરાવ્યું કે જે ગૂજરાત વિદ્યાપીઠમાં તમે હતા તેનો હું કુલગુરુ છું! ત્યારે જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકરે હસતાં હસતાં કહ્યુંઃ મોરારજીભાઈ, અમને તો તમે કાયમ જેલોમાં પૂર્યા છે!
બીજી ચૂંટણી તો મહાગુજરાત આંદોલનના ઓછાયે થઈ. મુદ્દો મહાગુજરાત લેકે રહેંગે! અજંપાગ્રસ્ત ગુજરાતમાં આ આંદોલને ઉદ્દામ યુવા નેતાગીરી સર્જી અને દેશને નેહરુ‘ચાચા’ની સમાંતરે વૃદ્ધ ઇન્દુ‘ચાચા’ આપ્યા. મહાગુજરાત જનતા પરિષદમાંથી કોઈ બળવાન પ્રાદેશિક પક્ષ નિર્માણ ન પામ્યો અને ખુદ જનતા પરિષદના ભાગલા પડ્યા. એક નવી મહાગુજરાત જનતા પરિષદ રચાઈ અને આજે તે બેમાંથી કોઈનું અસ્તિત્વ નથી.
૧૯૫૭ની ચૂંટણીમાં માંડ સાત પક્ષો મેદાનમાં હતા. પણ અપક્ષોનો રાફડો ફાટ્યો. ૩૨ બેઠકો વિરોધ પક્ષોએ અને ૧૦૦ કોંગ્રેસના ફાળે આવી. આખા દેશમાં ગુજરાતમાં ૧૯૫૨માં કોંગ્રેસ સૌથી વધુ મતો હાંસલ કર્યા હતા પણ સત્તાવનમાં તેવું બન્યું નહીં. ઇન્દુલાલ જીત્યા અને લોકસભામાં ક્રાંતિકારી સમાજવાદી પક્ષ, કેરળ-બંગાળના અપક્ષો અને મહાગુજરાત જનતા પરિષદે ‘સંયુક્ત પ્રગતિશીલ લોકજૂથ’ની સ્થાપના કરી. તે પૂર્વેની લોકસભામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી સંયુક્ત વિરોધ દળના નેતા હતા. વિપક્ષો પ્રારંભે જ જો વધુ શક્તિશાળી બન્યા હોત અને કાશ્મીરની જેલમાં સત્યાગ્રહ માટે કેદી અવસ્થામાં મૃત્યુને ન ભેટ્યા હોત તો શ્યામાપ્રસાદ ૧૯૫૭ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન બન્યા હોત!
ઇતિહાસમાં અંકિત આ ‘જો’ અને ‘તો’ની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ વિજેતા તો રહી પણ આંતરિક કલહની શરૂઆત થઈ ગઈ. ભાવનગર અધિવેશનમાં પ્રમુખપદેથી નીલમ સંજીવ રેડ્ડીએ એવું સૂચવ્યું કે કોંગ્રેસના નેતાઓ દસ વર્ષથી વધુ સમય સત્તા પર રહેવા ન જોઈએ. આનો પહેલો અમલ ગુજરાતમાં અજમાવવામાં આવ્યો!
૧૯૬૦માં નવા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાની સામે પક્ષના જ નેતાઓએ હથિયાર ઉગામ્યાં અને ૧૯૬૨ની વિધાનસભા ચૂંટણી જીતવા છતાં, છેવટે ડો. મહેતાએ રાજીનામું આપવું પડ્યું. એ સમયે મોવડીમંડળને લખાયેલો જીવરાજ મહેતાનો ૫૧ પાનાંનો પત્ર વિભાજિત કોંગ્રેસના ઇતિહાસનો અંદાજ પૂરો પાડે તેવો છે અને કદાચ, કોંગ્રેસમાં શરૂ થયેલા આ વિભાજને એક નવા જમણેરી પક્ષનો સૂર્યોદય કરવામાં ભાગ ભજવ્યો, તે રાજાજીનો સ્વતંત્ર પક્ષ. પરંતુ ‘જમણેરી, સામંતવાદી, વેપારી અને પ્રતિક્રિયાવાદી’ પક્ષ તરીકે તેને લેબલ લાગ્યું એટલે રાજાજી, એન. જી. રંગા, કનૈયાલાલ મુનશી, મહારાણી ગાયત્રીદેવી, મીનુ મસાણી, પીલુ મોદી જેવા દિગ્ગજ નેતાઓ હોવા છતાં તે દીર્ઘકાલીન પક્ષ બની ન શક્યો. એવું થયું હોત તો ‘કન્ઝર્વેટિવ’ અને ‘લેબર’ જેવી બ્રિટિશ પરંપરા સ્થાપિત થવાના સંજોગો હતા.
૧૯૬૨ની ચૂંટણીના મુદ્દા? નવું ગુજરાત રાજ્ય. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિધાનગૃહ. ભાવિ મુખ્ય પ્રધાન તરીકે લગભગ સ્થાપિત કરાયેલા બળવંતરાય મહેતા, પોતાની જ રાજકીય કર્મભૂમિ ભાવનગરમાં તે સમયના બેન્ક કર્મચારી પ્રતાપ શાહથી પરાજિત થયા તેમાં કોંગ્રેસનો પોતાનો જ મોટો પ્રભાવ હતો! આવું જ સંગઠન-પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈનું નસીબ રહ્યું. સ્વતંત્ર પક્ષ અને મહાગુજરાત જનતા પરિષદે સારી લડાઈ આપી. ખેડાથી સ્વતંત્ર પક્ષનાં બીજ વવાયાં અને ભાઈકાકા તેમજ એચ. એમ. પટેલ જેવા નેતાઓ મળ્યા. પક્ષે ૫૩.૨૭ ટકા મત પણ મેળવ્યા અને પછી ગુજરાતે બે વિગ્રહોનો અનુભવ કર્યો, એક સરહદ પરનાં પાકિસ્તાની આક્રમણનો અને બીજો પક્ષપલટાથી ગ્રસિત સરકારોનો. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મુખ્ય પ્રધાન બળવંતરાય વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા અને હિતેન્દ્ર દેસાઈની સરકાર સમયે ૧૯૬૭માં ‘આયારામ-ગયારામ’ની ભીષણ સ્પર્ધા ચાલી. ૯૨ વિરુદ્ધ ૭૫ ધારાસભ્યો. કોણ, ક્યારે, કયા પક્ષમાં જોડાશે તેની ખબર જ ના પડે.
૧૯૭૨માં તો આ કરુણ મહાનાટક તદ્દન નવા માર્ગે વળી ગયું. ઘનશ્યામ ઓઝાનું ગુજરાતના મુખ્ય પ્રધાન બનવું, રાજીનામું આપવું, કોંગ્રેસ વિધાયક દળના નેતાપદની પહેલી વાર ‘પંચવટી’-શૈલીની ચૂંટણી થવી, ચીમનભાઈના મુખ્ય પ્રધાન પદે સરકારને હલબલાવતું નવનિર્માણ આંદોલન થવું અને પછી ૧૯૭૫-૭૬માં આંતરિક કટોકટી તેમજ સેન્સરશિપનો ઓછાયો...
૨૫ વર્ષના એ પૂર્વાર્ધ પછીની ગુજરાતની ચૂંટણીઓ ૧૯૮૦થી ૨૦૧૭ સુધીની, દરેક સમયે નવા મુદ્દાઓનાં રંગરૂપ ધારણ કરતી રહી છે. રાજકીય પક્ષોના યે ચડાવ-ઉતાર આવ્યા. ચીમનભાઈ વળી મુખ્ય પ્રધાન બન્યા. માધવસિંહનો ‘ખામ’ વ્યૂહ ઝળહળાટ દાખવીને ખરી પડ્યો. આંદોલનો - અનામત તરફેણ-વિરોધથી અયોધ્યા સુધીનાં - ગુજરાતના રાજકીય તખતાને પલટાવતા રહ્યા.
૧૯૯૫ પછી ભાજપાનું સત્તારોહણ સાવ સરળ ના રહ્યું, પણ કોંગ્રેસને બાવીસેક વર્ષથી સત્તાવંચિત રહેવાનું બન્યું છે. ગુજરાતે આ સમયમાં પહેલાં મોરારજીભાઈ પછી નરેન્દ્ર મોદી - એમ બે વડા પ્રધાન આપ્યા છે. ગુજરાતનું રાજકારણ ‘વાયબ્રન્ટ’ છે અને મતદાર વધુ ગણતરી કરનારો (કેલ્ક્યુલેટીવ) બની ચૂક્યો છે... ડિસેમ્બરની મતપેટી જે મતથી છલકાશે તેમાં વિકાસ સાચુકલો કે વિકાસ નકલી... એ બે જ મુદ્દા અથડાયા છે. ૨૦૧૭ની આ ભૂમિકા સાથેનું ચિત્ર તમને વધુ સ્પષ્ટતા આપશે.

