વડીલો સહિત સહુ વાચક મિત્રો, શુક્રવાર ૧૫ ડિસેમ્બર એટલે સરદાર વલ્લભભાઇ પટેલનો ૧૬૮મો નિર્વાણદિન. દેશદેશાવરમાં તેમને પુષ્પાંજલિ, સ્મરણાંજલિ તો અર્પણ થશે. પણ અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે સરદારની શીખને વાસ્તવિક જીવનમાં અનુસરનારા કેટલા? સંભવ છે કે આ પ્રશ્ન વાંચીને કે પછી લેખનું શિર્ષક વાંચીને કોઇ સુજ્ઞ વાચકના મનમાં પ્રતિ પ્રશ્ન પણ ઉઠશે કે સરદારશ્રી અને તેમની શીખ?! તેમણે તો ખુદના જીવનકવન વિશે પણ ભાગ્યે જ કંઇ લખ્યું છે ત્યારે સરદારે કોઇને શીખ, ઉપદેશ કે બોધપાઠ આપ્યાનો તો પ્રશ્ન જ નથી.
મિત્રો, આપની અવઢવ પણ અસ્થાને નથી અને મારી વાત પણ નહીં. આપને જાણીને નવાઇ લાગશે કે સરદારસાહેબે કોઇ પોતીકું લખાણ, જીવનકથા કે પછી સ્વાતંત્ર્યસંગ્રામ વેળાના કે આઝાદી પછીના સંખ્યાબંધ સંઘર્ષો, આંદોલનો કે ચળવળોના સ્મરણોને ઇતિહાસના પાન પર ઉતાર્યા જ નથી. સરદારસાહેબે જાણે કે ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ ગીતામાં આપેલો ઉપદેશ આત્મસાત કર્યો હતોઃ કર્મ કરો અને ભૂલી જાવ... સરદારશ્રીએ પોતાના રાષ્ટ્ર માટે જે કંઇ કરવું જોઇએ તે બધેબધું પૂરી નિષ્ઠા સાથે કર્યું, અને પછી જાણે બધેબધું વિસારે પાડી દીધું. ભારતનિર્માણમાં તેમના પ્રદાનની ઇતિહાસમાં કોઇ નોંધ લેવાશે કે કેમ અને લેવાશે તો કઇ રીતે લેવાશે એ વાતની તેમણે લેશમાત્ર ખેવના રાખી નહોતી. એક ઉચ્ચ કોટિનો નિસ્પૃહી જીવ જ આવો જલકમલવત્ અભિગમ અપનાવી શકે.
સરદારશ્રીએ તેમના જીવનકવન વિશે ભલે કાગળ પર કોઇ નોંધ ટપકાવી ન હોય, પરંતુ સ્વાતંત્ર્યસંગ્રામથી માંડીને અખંડ ભારતના નિર્માણ સુધીના તેમના પ્રદાન પર એક નજર ફેરવશો તો જણાશે કે તેમનું સમગ્ર જીવન જ તેમનો સંદેશ છે, તે જ તેમની શીખ છે. મારા પુસ્તકાલયમાં સરદારશ્રી વિશે ઓછામાં ઓછા ૨૩ ગ્રંથો ઉપલબ્ધ છે. મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ લખેલા પુસ્તક ‘PATEL, A LIFE’ (પટેલ, અ લાઇફ)થી માંડીને મહેશ દવે દ્વારા લિખિત અને ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ‘બરફમાં જ્વાળામુખીઃ સરદારની જીવનકથા’ અત્યારે મારા ટેબલ પર છે. આ પુસ્તકના અંતમાં મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષી દ્વારા ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ અંગ્રેજીમાં લખાયેલી અને ૩૧ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ તેમના દ્વારા જ અનુવાદિત કવિતા રજૂ થઇ છે. જે આ સાથે આપ સહુ સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ કવિતાના છેલ્લી પંક્તિના શબ્દો છેઃ એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે...’
ગુજરાતમાં જામેલા ચૂંટણીસંગ્રામમાં લગભગ તમામ રાજકીય પક્ષો સરદાર પટેલનું નામ વટાવવા કે ચરી ખાવા પ્રયત્નશીલ છે. આ બધામાં જોરશોરથી, સૌથી વધુ કૂદી કૂદીને ‘જય સરદાર... જય સરદાર’ની નારાબાજી કરી રહ્યો છે હાર્દિક પટેલ. તો કોંગ્રેસ પણ પાછળ નથી. સરદારસાહેબ હયાત હતા ત્યારે કે મરણોપરાંત, કોંગ્રેસે તેમની ઉપેક્ષા કરવામાં કોઇ કસર છોડી નથી, પણ આજે સરદારશ્રીના નામની માળા જપતાં કોંગ્રેસીઓનું ગળું સૂકાતું નથી. કારણ? મતબેન્કનો મધપૂડો. સરદારનું નામ આજે મત મેળવવાનું શસ્ત્ર બની ગયું છે.
શાસક ભાજપ પણ ચૂંટણીપ્રચારમાં સરદારશ્રીના નામનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે તે ખરું, પરંતુ એટલું તો સહુ કોઇએ સ્વીકારવું રહ્યું કે જનસંઘથી માંડીને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને હિન્દુ સ્વયંસેવક સંઘ સુધી સહુ કોઇ સરદારશ્રીને હંમેશા સન્માનની નજરે નિહાળતા રહ્યા છે. સરદાર પ્રત્યે આદર જાળવ્યો છે, અને ઉપેક્ષા તો કદી નથી જ કરી.
હાર્દિક ભલે સમાજને ‘જય સરદાર... જય પાટીદાર’ના નામની ટોપી પહેરાવતો ફરતો હોય, પરંતુ સાચી વાત તો એ છે કે સરદાર જ્ઞાતિવાદમાં લગારેય માનતા જ નહોતા. જો હાર્દિક કે તેના સાથીદારોએ ક્યારેય ઇતિહાસના પાનાં ફેરવ્યા હોત તો તેમણે પાટીદાર અનામત આંદોલન સાથે સરદારનું નામ ક્યારેય જોડ્યું જ ન હોત. હિન્દુસ્તાનના રાષ્ટ્રીય ફલક ઉપર ઝળહળી ઉઠ્યા બાદ સરદારસાહેબ જવલ્લે જ માદરે વતન કરમસદની મુલાકાતે પહોંચ્યા છે. અને એક વખત પહોંચ્યા ત્યારે શું કહ્યું હતું?
ભારત છોડો ચળવળ બાદ તેઓ કરમસદ પહોંચ્યા હતા. (જો હું ભૂલતો ન હોઉં તો માદરે વતનની તેમની છેલ્લી મુલાકાત હતી.) વિશાળ મેદની વચ્ચે તેમનું ભવ્ય સન્માન થયું હતું. જેનો પ્રતિભાવ આપતાં સંબોધનમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘હું જ્ઞાતિવાદમાં લગારેય માનતો નથી...’ સરદારશ્રીએ ચરોતર, બારડોલી અને કાંઠા ગાળાના ગામલોકોને ગાંધીચીંધ્યા માર્ગે સ્વાતંત્ર્યના અનેક સંગ્રામમાં જાગ્રત કર્યા હતા. અનેક સંગ્રામમાં તેમણે લોકોને એક જ્ઞાતિજન તરીકે આવાહન આપવાના બદલે રાષ્ટ્રપ્રેમ ધરાવતી રાજનીતિ માટે પ્રેરિત કર્યા હતા. રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં કર્તવ્યપરાયણતા, શુદ્ધ આચાર-વિચાર-વાણી-વર્તન જેવા ઉમદા ગુણોને મહત્ત્વ આપ્યું હતું. સરદારશ્રી જ્ઞાતિવાદમાં ક્યારેય માનતા જ નહોતા અને પાટીદાર હોવાના નાતે તો તેમણે મન-વચન-કર્મથી કદી કોઇ પ્રવૃત્તિ કરી જ નહોતી.
ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે નેહરુ પરિવારે સરદારશ્રીની કેટલી હદે ઉપેક્ષા કરી છે. સ્વાતંત્ર્ય પૂર્વેથી શરૂ કરીને છેક રાજીવ ગાંધીના શાસનકાળ સુધી સરદારશ્રીને કોમવાદી ગણાવવામાં કોઇ કસર છોડવામાં આવી નહોતી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદારશ્રીના અમૂલ્ય પ્રદાનની સરખામણીએ ભારતરત્નનું સન્માન લગભગ ક્ષુલ્લક ગણાય, પરંતુ સરદારને આ સન્માન ન મળે તે માટેય માટીપગા કોંગ્રેસીઓ કારસ્તાન કરતા રહ્યાં. આ તે કેવી હલ્કી માનસિક્તા?!
મહારાષ્ટ્ર કોંગ્રેસના ટોચના અગ્રણી, પ્રખર ધારાશાસ્ત્રી એક વેળા મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા રફિક ઝકરિયાએ તેમના બહુચર્ચિત પુસ્તકમાં કોંગ્રેસની આ માનસિક્તાનો પર્દાફાશ કર્યો છે. લગભગ ત્રણેક દસકા પૂર્વે ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત ‘સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો’ નામના આ પુસ્તકમાં દાખલા-દલીલ સાથે ઝકરિયાએ પુરવાર કર્યું છે કે સરદાર પટેલે હંમેશા સર્વધર્મીઓને સમાન રીતે ગણ્યા છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા અસંખ્ય નેતાઓને અને મોટેરાઓને જ્યારે યાદ કરવામાં આવે છે ત્યારે સમગ્ર ભારતમાં ગાંધીજી પછી જો કોઇનું નામ લેવાતું હોય તો તે સરદાર પટેલનું છે. સરદારશ્રીની શીખ તેમના શબ્દોમાં નથી, તેમના જીવનમાં છે, કાર્યોમાં છે. કઇ રીતે..?
• સંપૂર્ણ જીવન રાષ્ટ્ર અને ગાંધીસિદ્ધાંતોને સમર્પિત.
• શુદ્ધ આચાર-વિચાર-વાણી-વર્તન.
• પ્રખર બૌદ્ધિક્તા.
• રાષ્ટ્રસેવાના સર્વોચ્ચ ધ્યેય સાથે ધૈર્ય, ધગશ, ધીરજ અને નિષ્ઠાથી શોભતું જીવન.
• વિશ્વસનીયતા.
• ખેલદિલી. કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ત્રણેક વખત તેમના નામનો પ્રસ્તાવ પ્રચંડ બહુમતીથી રજૂ થયો, પરંતુ ગાંધીજીના એક ઇશારે તેમણે પ્રતિષ્ઠિત પદ નકાર્યું. સોંપાયું તે કામ નિષ્ઠાપૂર્વક પાર પાડ્યું. ન વેર, ન ઝેર.
• ઉદ્દાત દીર્ઘદૃષ્ટિ.
• અને અખંડ ભારતના નિર્માણની સિદ્ધિ.
સરદારસાહેબના જીવનકવનને જાણશો - સમજશો તો ખ્યાલ આવશે કે તેમનું રોમ રોમ રાષ્ટ્ર માટે સમર્પિત હતું. આચાર-વિચારમાં શુદ્ધતા અને વાણી-વર્તનમાં તાલમેલ. તેમના જીવનમાંથી આ જ તો શીખ લેવાની છે.
સરદારશ્રીના નામે ગુજરાતમાં જ ધુપ્પલ ચાલે છે તેવું નથી. બ્રિટનમાં પણ આવા લોકો વસે છે. કાગડા બધે કાળા - શું ભારત કે શું બ્રિટન. અહીં પણ સરદારશ્રીના નામે સંસ્થાઓ તો ધમધમે છે, પણ અફસોસ સાથે કહેવું પડે છે કે તેમનો કાર્યભાર કે વહીવટ સરદારશ્રીના નામને જરાય શોભાસ્પદ નથી. ખુરશી માટે સરદારસાહેબ જિંદગીમાં ક્યારેય ખટપટ કરી નહોતી. ભારતમાતાના આવા સપૂતને તેમના નિર્વાણ દિને યાદ કરીને અંજલિ અર્પીએ એટલું જ પૂરતું નથી. તેમના જીવનમાંથી, કાર્યોમાંથી, ફનાગીરીમાંથી કંઇક શીખશું, તેને આપણા જીવનમાં અમલમાં મૂકશું ત્યારે જ આપણું જીવન સાર્થક બનશે.
•
સરદાર
પગ પર પગ ટેકવી એ બેસે છેઃ નમેલા ખભા,
ચહેરા પર ઊંડા ચાસ,
આંખો એકસાથે નિર્ભીક, શોધતી, માયાળુ,
મસ્તિષ્ક ઠંડુ,-અગ્નિઝરતા શબ્દોનું ઉદ્ભવસ્થાન.
તમે કદી એને બોલતા સાંભળ્યા છે?
એ શબ્દો નથી ઉચ્ચારતા.
ભૂખથી ભરખાતી વિરાટ પ્રજાના
હિજરાતા આત્માની તાકાતને એ એકત્રિત કરે છે,
અને એનું લોખંડી કટ્ટર વ્યક્તિત્વ
એમાંથી નિપજાવે છે શબ્દપંખાળાં શસ્ત્ર.
ગંધાતા દુરિત પ્રતિ
ધારદાર શબ્દોના ઘા કરવામાં એ રાચે છે.
પણ હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી
છૂટે છે - શબ્દ નહીં, પણ તાતી સંકલ્પશક્તિ.
એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે.
- ઉમાશંકર જોશી
મૂળ અંગ્રેજી (૧૫-૮-૧૯૪૫)નો અનુવાદઃ
૩૧-૧૦-૧૯૭૪
•••
લંડનમાં મોંઘા રહેઠાણ ખરીદવા ભારતીયોનો ધસારો
તાજેતરમાં ત્રણ સુવિખ્યાત રિઅલ એસ્ટેટ એજન્સીઓ કે પ્રોપર્ટી કન્સ્ટલ્ટન્ટ્સે બ્રિટનમાં, સવિશેષ લંડનમાં, કોમર્શિયલ અને રેસિડેન્સિયલ પ્રોપર્ટીમાં વિદેશી મૂડીરોકાણ સંબંધિત કેટલાક આંકડાઓ જારી કર્યા છે. તે આંકડાઓની પીંજણમાં પડ્યા વગર કહું તો તેનો સાર એ છે કે બ્રેક્ઝિટ વિવાદ છતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે મલબખ નાણાં આવી રહ્યા છે. ગયા વર્ષે ચીન, રશિયા, અરબ દેશો વગેરેથી ૧૨.૭ બિલિયન પાઉન્ડનું પ્રોપર્ટી સેક્ટરમાં મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. આમાંનો લગભગ ૭૦ ટકા હિસ્સો કોમર્શિયલ પ્રોપર્ટીમાં હોવાનું માનવામાં આવે છે. બ્રિટનમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે આવતું મોટા ભાગનું મૂડીરોકાણ ચીન, હોંગકોંગ, સિંગાપોર, કતાર, ગલ્ફ દેશોમાંથી આવે છે. જોકે તાજેતરમાં જારી થયેલા આંકડા આપણા માટે, એક ભારતીય તરીકે આનંદજનક પણ છે, અને ગૌરવપ્રદ પણ. છેલ્લા આંકડા પ્રમાણે, આશરે ત્રણ મિલિયન પાઉન્ડ કે તેથી પણ મોટી કિંમતના એપાર્ટમેન્ટ્સ કે મકાનો ખરીદવામાં ભારતીયોની સંખ્યા ખૂબ વધી રહી છે. (સોમવારે દંપતિ બનેલા અનુષ્કા/વિરાટ કોહલીએ તાજેતરમાં મુંબઈમાં રૂ. ૩૪ કરોડનો (£૩.૭ મિલિયન) એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.) આ દેશમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે રહેલી વિકાસની વિપુલ તકોને નજરમાં રાખીને ભારતની ઓછામાં ઓછી ૩ કંપનીઓ પણ લંડન આવીને વ્યવસાય વિસ્તારવાના કામે લાગી છે.
•••
સાદિક ખાનનું આવકાર્ય સંતુલન
લંડનના મેયર સાદિક ખાનના દાદા-દાદીનો જન્મ હિન્દુસ્તાનમાં થયો હતો, પરંતુ આઝાદી વેળા દેશના ભાગલા પડ્યાં ને તેઓ પાકિસ્તાન જઇ વસ્યા. સાદિક ખાનના માતા-પિતાનો જન્મ પાકિસ્તાનમાં, પરંતુ સમયાંતરે તેઓ લંડન આવીને વસ્યા. પાકિસ્તાની મૂળના સાદિક ખાન બ્રિટનની ધરતી પર જન્મ્યા. સાદિક ખાન અને તેમના પત્ની બન્ને સુવિખ્યાત ધારાશાસ્ત્રીઓ છે. બન્ને ઇસ્લામના ઉપાસક છે. છેલ્લા કેટલાક સમયમાં સાદિક ખાન - સવિશેષ તો મેયરપદ સંભાળ્યા બાદ - બ્રિટનમાં લેબર પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે. હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ સહુ કોઇના તેમણે દિલ જીત્યા છે.
આ લેબર નેતાએ એવો તે શું જાદુ કર્યો છે કે સમાજના તમામ વર્ગોમાં પ્રિય બની રહ્યા છે?! તેમની લોકપ્રિયતાનું રહસ્ય બે મુદ્દામાં સમાયું છેઃ એક તો, સર્વધર્મ સમભાવનો અભિગમ અને બીજું, સમાજના તમામ વર્ગોને કરાવેલો પોતીકાપણાની લાગણીનો અહેસાસ. લંડન જેવા મહાનગરના ‘ફર્સ્ટ સિટીઝન’ તરીકે કાર્યભાર સંભાળતા સંભાળતા તેમણે સહુના દિલ સાથે નાતો જોડવા પ્રયાસ કર્યો છે. કોઇ પણ વ્યક્તિનું દિલ જીતવાનો સૌથી સરળ માર્ગ છે તેની ધાર્મિક આસ્થા પ્રત્યે આદર-સન્માન. રૂઢિચુસ્ત ગણાતા ઇસ્લામ ધર્મના અનુયાયી હોવા છતાં અન્ય ધર્મોની પરંપરાનું સન્માન-આદર કરવામાં તેમને કોઇ ખચકાટ હોવાનું જણાતું નથી. તેઓ હિન્દુ મંદિરમાં જાય છે, પૂજાવિધિમાં ભાગ લે છે, આરતીમાં સામેલ થાય છે. મુસ્લિમ સમુદાયના મોટા ભાગના નેતાઓ અન્ય ધર્મોની પરંપરાને અનુસરવામાં ખચકાટ અનુભવતા જોવા મળે છે. તેમને પોતાની રૂઢિચુસ્ત મતબેન્ક નારાજ થઇ જવાનો ભય હોય છે. જ્યારે સાદિક ખાનનું આવું નથી. તેઓ જેટલી શ્રદ્ધા સાથે મસ્જિદ કે મોસોલિયમમાં જાય છે તેટલી જ આસ્થા સાથે હિન્દુઓની શ્રદ્ધાના કેન્દ્રોસમાન મંદિરોમાં પણ જાય છે - પછી તે નિસ્ડન સ્વામીનારાયણ મંદિર હોય કે નવી દિલ્હીનું અક્ષરધામ.
સાદિક ખાન માત્ર સમુદાયો સાથે જ નહીં, અન્ય દેશો સાથે નાતો જોડવા પણ હર સંભવ પ્રયાસ કરતા જોવા મળે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમનો તાજેતરનો ભારત-પાકિસ્તાન પ્રવાસ. વિશ્વના મોટા ભાગના દેશના નેતાઓ કે રાજકીય અગ્રણીઓ એક જ પ્રવાસમાં ભારત અને પાકિસ્તાનને આવરી લેવાનું ટાળે છે. આવા જોડિયા પ્રવાસના અનેક રાજકીય સૂચિતાર્થો નીકળતા હોય છે. પરંતુ સાદિક ખાન ‘બીજા શું વિચારશે?’ તેની પરવા કરનારા નથી. તેઓ ભારત આવ્યા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુકેશ અંબાણી જેવા ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન સાથે બોલીવૂડ કલાકારોની પાર્ટીમાં મ્હાલ્યા, અને પછી ઉપડ્યા પાકિસ્તાન.
નવી દિલ્હીથી અમૃતસર... સુવર્ણ મંદિરમાં માથું ટેકવીને ભારત-પાકિસ્તાનને જોડતી વાઘા બોર્ડર પહોંચ્યા અને સાથી પ્રતિનિધિમંડળ સાથે પગપાળા જ પાકિસ્તાનમાં પ્રવેશ્યા. ત્યાં પણ નેતાઓથી માંડીને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના લોકોને મળ્યા. દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવા પ્રયાસ કર્યા. સાદિક ખાનના પ્રતિનિધિ મંડળમાં ભારતવંશી ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ પણ સામેલ છે. વડા પ્રધાન સાથેની મુલાકાત હોય કે વેપારઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક, દરેક સમયે તેમણે રાજેશ અગ્રવાલને સાથે રાખ્યા છે.
દરેક પ્રત્યે સમતોલ વ્યવહાર જ સાદિક ખાનને બીજા નેતાઓ કરતાં અલગ પાડે છે. મોટા ભાગના લોકો હિન્દુ કે મુસ્લિમ, ભારતીય કે પાકિસ્તાની એવા ચક્કરમાં અટવાતા રહે છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે બ્રિટન આપણી કર્મભૂમિ છે. હિન્દુસ્તાન સાથે નાતો ધરાવતા સાદિક ખાન ભારત-પાકિસ્તાનના સંવેદનશીલ સંબંધોમાં કડીરૂપ બનવા પ્રયત્નશીલ છે તે આનંદદાયક છે.
ક્રિસ્ટીના કિલરની કઠણાઇ
ક્રિસ્ટીના કિલરનું નિધન થયું. ભારત હોય કે બ્રિટન - પડતાંને પાટું મારવું એ જાણે તમામ સમાજની કલંકિત પરંપરા બની રહી છે. ક્રિસ્ટીના સાથે પણ આવું જ બન્યું છે. ક્રિસ્ટીના કોણ હતી? તેણે કેવા કરતૂત આચર્યાં? એ તો જગજાહેર છે, પણ તેનું જીવન કલંકિત બન્યું તે પૂર્વેના જીવન પર પણ એક સરસરતી નજર ફેરવવા જેવી છે.
લંડનની પશ્ચિમે આવેલા સ્લાઉ નામના નગરમાં વસતાં અત્યંત કંગાળ પરિવારમાં જન્મ અને ઉછેર. લોકલ કેનાલની બાજુમાં પડેલા એક ખખડધજ કન્ટેનરમાં વસવાટ. બાળપણ ભારે સંઘર્ષમાં વીત્યું. કારમી ગરીબી અને ભૂખમરો તો હતા જ, સાવકા પિતા સહિત અન્યોના જાતીય શોષણનો પણ ભોગ બની. ૧૭-૧૮ વર્ષની વયે હજુ તો જુવાનીમાં ડગ માંડી રહી હતી ત્યારે જ તેને સમજાઇ ગયું હતું કે શરીર વેચીને પાઉન્ડ રળી શકાય તેમ છે. ૧૯ વર્ષની વયે તે લંડનની નાઇટલાઇફનું હબ ગણાતા સોહો જઇ પહોંચી. રૂપવંતી ક્રિસ્ટીનાએ દેહ વેચીને નાણાં રળવાનું શરૂ કર્યું. ઠરીઠામ થઇ. સોહોમાં તેનું નામ જાણીતું બન્યું હતું.
આ દરમિયાન તે સ્ટીફન વોર્ડ નામના એક કલાકારના સંપર્કમાં આવી. એશોઆરામ અને જાહોજલાલીભરી જિંદગીના શોખીન સ્ટીફન સાથેનો પરિચય તેને નવી જ દુનિયામાં લઇ ગયો. સમાજના ઉચ્ચ અને વગદાર લોકોના સંપર્કમાં આવી. પુરુષોને કેમ ખુશ કરી શકાય એ વાત અનુભવે તેને શીખવી દીધી હતી. બ્રિટિશ સરકારના તે વેળાના સંરક્ષણ પ્રધાન, રશિયન એમ્બેસીના એક જાસૂસથી માંડીને કંઇકેટલાય સાથે તેની નિકટતા વધી. ક્રિસ્ટીના દોમદોમ સુખસાહ્યબીમાં આળોટવા લાગી હતી...
જોકે ક્રિસ્ટીના એક વાત ભૂલી ગઇ કે પ્રગતિ જેટલી ઝડપી હોય છે તેનાથી બમણી ઝડપે અધોગતિ આવતી હોય છે. કાળક્રમે તે સેક્સ સ્કેન્ડલ અને સ્પાય સ્કેન્ડલમાં સંડોવાઇ. એક પછી એક તેના કરતૂતો બહાર આવતા ગયા. ક્રિસ્ટીના જેલના સળિયા પાછળ ધકેલાઇ. તેની જિંદગી રફેદફે થઇ ગઇ.
ક્રિસ્ટીનાના જીવન પર એમ જ પરદો પડી ગયો હોત, પણ તેના એકમાત્ર પુત્રે તેની જીવનકહાણી લોકો સમક્ષ ખુલ્લી કરી. તેનું કહેવું છે કે કિલર તેની અટક હતી, પણ લોકો તેને ‘મેન કિલર’ તરીકે ઓળખતા હતા. લોકો ક્રિસ્ટીનાના કાળા કરતૂતો, તેણે આડા માર્ગે કરેલી અઢળક કમાણી, તેના પાપોની જ વાત કરે છે, પરંતુ કોઇ એ નથી જોતું કે તેનું બાળપણ કેવું સંઘર્ષમય વીત્યું હતું? આ સંજોગોએ તેનામાં નાણાંની અસીમ ભૂખ પેદા કરી હતી. તે સારા-નરસાનો ભેદ ભૂલી ગઇ. કારમી ગરીબી અને ભૂખમરો તો તેણે વેઠ્યા જ હતા, પણ પોતાના જ લોકોએ તેનું ભરપૂર શોષણ કર્યું હતું. જેનું બાળપણ આટલું દર્દનાક વીત્યું હોય તેની પાસેથી તમે સારા આચરણની અપેક્ષા કઇ રીતે રાખી શકો?
વાચક મિત્રો, વાતમાં વજુદ તો છે જ ને? આપનામાંથી કદાચ કોઇ મારી વાત સાથે સંમત ન હો તો એ આપનો અધિકાર છે, પરંતુ આવા પાત્રો માટે સંવેદનશીલતા અને અનુકંપા આવશ્યક છે. જરા વિચારી તો જોજો કે ક્રિસ્ટીના કિલરના સ્થાને આપણે હોત તો સમય-સંજોગનો કેવી રીતે સામનો કર્યો હોત? જીવતે જીવ જેણે વારંવાર દોઝખ અનુભવ્યું હોય તેવી મહિલા પ્રત્યે સમાજ ઔદાર્ય દાખવે તે શું ઇચ્છનીય નથી?... (ક્રમશઃ)

