સાઉદી અરબમાં પહેલીવાર મહિલા કન્સર્ટ થયો

Saturday 16th December 2017 06:09 EST
 
 

રિયાધઃ કટ્ટરપંથી દેશ તરીકે ઓળખાતા સાઉદી આરબમાં ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનના શક્તિશાળી હોવાની સાથે જ દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. રાજધાની રિયાધમાં પહેલી વખત મહિલા કલાકારોએ કન્સર્ટ કર્યો. તે કિંગ ફહદ કલ્ચરલ સેન્ટરમાં થયો અને એમાં લેબેનોની મહિલા ગાયક હિબા તવાજીએ પરફોર્મ કર્યું હતું. હિબાએ તેનાં ગીતોથી પુરુષો સાથે મહિલા દર્શકોથી ખચોખચ ભરેલા સેન્ટરને તાલ પર ડોલવા મજબૂર કરી દીધાં હતાં.
આ સાથે તવાજી આંતરરાષ્ટ્રીય સ્તરની એવી પહેલી મહિલા પણ બની ગઈ કે જેણે સાઉદી અરબમાં પરફોર્મ કર્યું હોય. કાર્યક્રમમાં તવાજીએ કહ્યું, આ કાર્યક્રમ એન્ટરટેઇન્મેન્ટ ઓથોરિટીના સહયોગથી કરવામાં આવી રહ્યો છે, જે મહિલાઓના અધિકારો અને સાંસ્કૃતિક મુક્તપણા માટે ઐતિહાસિક પગલું છે. આ કાર્યક્રમથી સાઉદી અરબમાં મહિલાના બંધનોની એક કડી ઓછી થઈ ગઈ છે.
આ કન્સર્ટથી મહિલાઓના અસ્તિત્વને ઓળખ મળશેઃ વિદ્યાર્થિનીઓ
સંગીત સમારંભમાં ૩૦૦૦ દર્શકો હાજર હતાં. તેમાં ભાગ લેવા પહોંચેલી એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની નફિસા અવાદે જણાવ્યું કે હું ૫૯૦ કિ.મી.નો પ્રવાસ ખેડીને ખાસ આ કન્સર્ટ જોવા આવી છું. સમારંભમાં આવીને હું ખૂબ જ ખુશ છું. અન્ય એક વિદ્યાર્થિની સલમાએ જણાવ્યું કે, અરબ દેશમાં એવા પગલા ઉઠાવવામાં આવે જેનાથી મહિલા અધિકારોને જરૂરી બળ મળશે, તેનાથી મહિલાઓના અસ્તિત્વને ઓળખ મળશે.
દેશમાં જ મનોરંજન
• સાઉદી અરબે છબી બદલવા માટે કોમિક-કોન પોપ કલ્ચર ફેસ્ટ યોજવામાં આવ્યો છે. તેમાં મહિલાઓને ભાગ લેવાની મંજૂરી મળી હતી.
• લાખો સાઉદી નાગરિક મનોરંજન માટે દેશમાંથી બહાર જાય છે. એવામાં મહેસૂલ ઓછું થાય છે.
• ૨૦૧૭માં ૧૦ લાખ સાઉદી નાગરિક મનોરંજન માટે એકલા દુબઈ ગયા છે. આ કારણથી સાઉદીએ મનોરંજન ક્ષેત્ર વિકસાવવા માટે ૨૦૩૦ની યોજના પર કામ શરૂ કરી દીધું છે.
• રિયાધમાં ૨૧ ડિસેમ્બરથી મહિલા રોકાણકાર પ્રદર્શન શરૂ થશે. તેમાં ૬૦૦ મહિલાઓના આવવાની આશા છે. જનરલ એન્ટરટેઇમનેન્ટ ઓથોરિટીએ જાહેરાત કરી છે કે અમેરિકન રેપર નેલી અને અલ્જિરિયન ગાયક ચેબ ખાલિદ ૧૪ ડિસેમ્બરે જેદ્દાહમાં કાર્યક્રમ કરશે.


comments powered by Disqus