અભિનેતા આયુષ્માન ખુરાના હાલમાં ‘બદલાપુર’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મને હાલ પૂરતું ‘ધ પિયાનો પ્લેયર’ નામ અપાયું છે. મોટા ભાગે આયુષ્માનને જે ફિલ્મ ઓફર થાય છે તેમાં જ તે કામ કરે છે, પરંતુ આ ફિલ્મ વિશે ખુદ એક્ટર કહે છે કે તે સામેથી શ્રીરામ રાઘવન પાસે ગયો હતો. આયુષ્માને આ અંગે કહ્યું છે કે, ‘મારી પાસે સામેથી જે ફિલ્મ આવે એવી જ ફિલ્મો મોટા ભાગે હું કરું છું. હું મોટા ભાગે ફિલ્મો પાછળ ભાગતો નથી, પણ આ વખતે મને લાગ્યું કે મારે મારું ગિયર પાડીને ગાડી આગળ લઈ જવી જોઈએ. એથી મેં શ્રીરામ રાઘવનને ફોન કર્યો હતો અને આ ફિલ્મમાં કામ કરવા માગું છું તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સદનસીબે આ ફિલ્મ મને મળી ગઈ. જો કોઈ ફિલ્મ અથવા તો કોઈ ચોક્કસ ડિરેક્ટર સાથે મારે કામ કરવું હોય તો તેમની પાસે જઈને કામ માગવામાં મને કોઈ શરમ નથી આવતી કે સંકોચ પણ નથી થતો.’

