જકાર્તાઃ સેલ્ફી લઇને જગપ્રસિદ્ધ થયેલો ઇન્ડોનેશિયાના મકાઉ વાંદરાને પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાએ ‘પર્સન ઓફ ધી યર’ જાહેર કર્યો છે. એના ફોટા પર અમેરિકન કોપીરાઇટનો વિવાદ થયો હતો. આ સંસ્થાએ કહ્યું હતું કે કાળા મકાઉ નારુતાનું અમે સન્માન કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં સુલાવેસી ટાપુ પર બ્રિટિશ ફોટોગ્રાફર ડેવિડ સ્લેટરે ફોટો લેવા માટે રાખેલા કેમેરાનું શટર નારુતોએ દબાવીને પોતાનો જ ફોટો લીધો હતો. એ ફોટો વાયરલ બનતા એક સંસ્થાએ કેસ કરીને દાવો કર્યો હતો કે તે વખતે છ વર્ષની વય ધરાવતા નારુતોને આ ફોટોગ્રાફનો માલિક જાહેર કરવો જોઇએ. નારુતોના ઐતિહાસિક સેલ્ફીએ કોણ માનવ છે અને કોણ નહીં?ની દલીલના વિચારને પડકાર્યો હતો અને કોઇ બિનમાનવ પ્રાણી પોતે જ એક મિલકત છે તેના બદલે તે પોતે જ મિલકતનો માલિક બની શકે છે તે જાહેર કરવા અંગે કેસ થયો હતો એમ સંસ્થાએ કહ્યું હતું. કોર્ટ કેસના કારણે કાયદાવિદોમાં પ્રાણીના વ્યક્તિ હોવા અંગે અને પ્રાણી પણ કોઇ મિલકતનો માલિક બને શકે છે તે મુદ્દે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાદ-વિવાદ અને ચર્ચાઓ શરૂ થઇ હતી.
સ્લેટરે દાવો કર્યો હતો કે તેનું સર્જન મેં કર્યું હોવાથી એ ફોટોના માલિક હું છું. તેમણે કહ્યું હતું કે મેં જ ટ્રાયપોડ ગોઠવ્યો હતો અને પછી થોડી ક્ષણો માટે દૂર ગયો હતો. પરત ફરતા મેં જોયું હતું કે નારુતોએ તેનો કેમેરો ઝુંટવીને ફોટો લીધો હતો. અને તેણે પોતાનો જ ફોટોગ્રાફ ખેંચ્યો હતો. જોકે કોર્ટે સ્લેટરના દાવાને ફગાવી દીધો હતો.

