વોશિંગ્ટનઃ ભારતમાં સિંદુરનું સાંસ્કૃતિક મહત્ત્વ છે. લગ્ન પછી દરેક મહિલા પોતાના સેંથીમાં સિંદુર પૂરે છે. આ સિવાય પૂજા-પાઠમાં પણ દેવતાઓને સિંદૂર ચઢાવવાનો રિવાજ છે. તો અનેક લોકો, ખાસ કરીને હિન્દુ પરંપરામાં માથા પર સિંદુરનું તિલક કરતા હોય છે. હાલમાં જ ભારત અને અમેરિકાના એક સંયુક્ત અભ્યાસમાં સિંદુર અંગે એક સંશોધન કરવામાં આવ્યું હતું.
આ સંશોધનમાં જણાવાયું હતું કે સિંદુરમાં લેડ (સિસું)નું પ્રમાણ અસુરક્ષિત સ્તરે હોય છે, જે આપણા આઈક્યૂને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત સિંદુર બાળકોનાં વિકાસમાં પણ અવરોધ સર્જે છે.
અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીના સંશોધકોએ એક રિપોર્ટમાં એવું જણાવ્યું હતું કે એક ગ્રામ સિંદુર પાઉડરમાં ૧.૦ માઈક્રોગ્રામ લેડનું પ્રમાણ જોવા મળે છે.
સંશોધન દરમિયાન ૮૩ ટકા સેમ્પલ અમેરિકાથી અને લગભગ ૭૮ ટકા સેમ્પલ ભારતમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. આ વિશદ્ સંશોધનનું નેતૃત્વ કરનાર યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડેરેક શેન્ડેલે કહ્યું હતું કે સિંદુરમાં લેડની આટલી માત્રા સુરક્ષિત નથી.
આથી લેડથી મુક્ત સિંદુર સિવાય તમામ સિંદુરને પ્રતિબંધિત કરવા જોઈએ. સંશોધકોનું સ્પષ્ટ માનવું છે કે સિંદુરમાં લેડની માત્રાને મોનિટર કરવાની આવશ્યકતા છે. આ સાથે જ લોકોને તેનાથી સર્જાતા જોખમ અંગે જાગૃત કરવાની પણ જરૂર છે.

