આમિર ખાન અભિનિત બ્લોકબસ્ટર ‘દંગલ’ ફિલ્મને ૭મી ઓસ્ટ્રેલિયન એકેડમી ઓફ સિનેમા એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (આક્ટા) દ્વારા બેસ્ટ એશિયન ફિલ્મનો એવોર્ડ અપાયો છે. આ કેટેગરી માટે એક જ્યૂરી મેમ્બર તરીકે હિન્દી ફિલ્મોના પીઢ અભિનેત્રી શબાના આઝમી પણ હતાં. શબાનાએ આ ફિલ્મ સમારોહ માટે ટ્વિટ કર્યું હતું કે, ‘આક્ટા’માં ‘દંગલ’ ફિલ્મે ‘બેસ્ટ એશિયન ફિલ્મનો એવોર્ડ’ જીત્યો છે. ‘દંગલ’ની ટીમને અભિનંદન. જ્યૂરીનું અધ્યક્ષપદ હોલિવૂડ અભિનેતા રસેલ ક્રોએ સંભાળ્યું હતું. શબાનાએ રસેલ સાથેની એક તસવીર શેર કરીને લખ્યું કે, ‘આ એક સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય હતો.’ આમિર ઉપરાંત ફાતિમા સના શેખ, સનાયા મલ્હોત્રા, ઝાયરા વસીમ, સાક્ષી તંવર અને સુહાની ભટનાગરને ચમકાવતી ‘દંગલ’ કદાચ પહેલી ભારતીય ફિલ્મ છે કે જેની રિલીઝના મહિનાઓ પછી પણ વિદેશોમાં આ રીતે સરાહના મેળવી રહી છે. ચીનમાં કમાણીના ઘણા રેકોર્ડ તોડી ચૂકેલી ‘દંગલ’ હવે હોંગકોંગની બોક્સ ઓફિસ પર પણ નંબર વનના સ્થાને પહોંચી છે.

