‘ફુકરે’ના કેરેક્ટર્સના જીવનને કોમિક રીતે આગળ વધારતી ‘ફુકરે રિટર્ન્સ’

Wednesday 13th December 2017 06:19 EST
 
 

‘ફુકરે’ની સિક્વલ ‘ફુકરે રિટર્ન્સ’ તાજેતરમાં જ રિલીઝ થઈ ચૂકી છે. ‘ફુકરે’ની જેમ જ ફિલ્મમાં હ્યુમરસ ડાયલોગ રિપીટ થયાં છે. ફિલ્મ વિશેષજ્ઞોનું કહેવું છે કે ફિલ્મમાં દરેક કલાકારોની કેમેસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ કમાલની છે.
વાર્તા રે વાર્તા
દિલ્હીના ચાર છોકરાઓ જેને બોલચાલની ભાષામાં ફુકરાઓ કહેવાય છે તે શોર્ટકટથી અમીર થવાનાં રસ્તા શોધતા ફરતા હોય છે. એમાંના એક ચૂંચા (વરુણ શર્મા)ને સપનાં આવે તે નજીકના સમયમાં સાચા પડે એના જોરે ચારેય નસીબના જોરે આડા રસ્તે પણ કરોડો રૂપિયા મેળવે છે. આ ટોળકીમાં હની (પુલકિત સમ્રાટ) ચૂંચાનો પાક્કો દોસ્ત હોય છે તે ચૂંચાના સપનાંને સમજીને લોટરીના દાવ લગાવવા સુધીનું કામ કરે છે. હની અને ચૂંચાના બીજા બે દોસ્તો લલ્લી (મનજોતસિંહ) અને ઝફરભાઈ (અલી ફૈઝલ) રૂપિયા મેળવવામાં સાથે હોય છે. ભોલી પંજાબણ (રિચા ચઢ્ઢા)ને ચારેય જણાએ મળીને પહેલી ફિલ્મમાં જેલમાં ધકેલી હતી. એ ભોલી કૌભાંડી નેતાની મદદથી આ સિક્વલમાં જેલમાંથી બહાર આવે છે. કૌભાંડી રાજકારણી (રાજીવ ગુપ્તા) ભોલી પાસે અને ભોલી ચારેય છોકરાઓ પાસે કરોડો રૂપિયા માગે છે.
છોકરાઓ લોટરી લગાઓ નંબર ઘુમાઓ સ્કીમ અમલમાં મૂકવા માટે કંપની ખોલે છે. આ વખતે ચૂંચાના સપનાંના જોરે નંબર લગાવે છે, પણ નંબરમાં રાજકારણીના જ માણસો ગોલમાલ કરે છે અને નંબર લાગતો નથી. કંપની ડૂબી જાય છે અને ચારેય ભાગેડુ જાહેર થાય છે. પછી ક્યારેક ભોલી અને ક્યારેક નેતાનો હાથો ચારેય બને છે એમાં વળી ચૂંચાને દિવસે ખુલ્લી આંખે નજીકનું ભવિષ્ય દેખાવાનું શરૂ થાય છે. તેને ખુલ્લી આંખે જોયેલાં એક દૃશ્યમાં કોઈ ખજાનો દેખાય છે ને સૌ ખજાનાની પાછળ પડે છે.
ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ
ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે એટલે ફિલ્મની સ્ટોરી સરસ રીતે આગળ વધે છે. ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા દ્વારા પટકથાને સારી માવજત અપાઈ છે. દરેક કલાકાર માટે તેના કેરેક્ટરને સૂટ થાય તેવા ડાયલોગ્સ લખાયાં છે. ફિલ્મનું મ્યુઝિક રામ સંપતે આપ્યું છે. જોકે પહેલી ફિલ્મમાં હતું તેવું ‘અંબરસરિયા’ જેવું યાદ રહી જાય એવું એક પણ ગીત આ સિક્વલમાં નથી.


comments powered by Disqus