આંતરમાનસની ચાડી ખાતો ચહેરો

સી. બી. પટેલ Tuesday 12th September 2017 15:08 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દસેક દિવસ પૂર્વે કાર્યાલયમાં એક બહેનનો ફોન આવ્યો. આપણા કસ્ટમર સર્વીસ મેનેજર રાગિણીબહેને ફોન રિસીવ કર્યો. બહેને પોતાનું નામ જણાવ્યું અને પછી વિગતવાર ઓળખ આપતાં કહ્યું કે હું ચોવીસેક વર્ષ પૂર્વે એબીપીએલમાં કામ કરી ચૂકી છું. સીબી પટેલ સાથે વાત કરવી છે...
બહેને રાગિણીને મેસેજ આપ્યો કે સી. બી.ને કહેજો કે અનુકૂળતાએ ફોન કરે. નંબર આપ્યો. રાગિણીબહેન તો એ સમયે આપણી સાથે નહોતા તેથી પે’લા બહેનને ન જાણે, પણ હું કેમ એક સમયના સાથીદારને ભૂલી જાઉં?! મેસેજ મળ્યો કે તરત મગજમાં ક્લિક થયું. બહેનને ફોન કર્યો...
એ જ ચિરપરિચિત અવાજ સાંભળીને ખૂબ આનંદ થયો. આજે આ બંગાળી બહેન હોમ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. ત્રીસેક વર્ષ પૂર્વે કોલકતાથી પત્રકારત્વ અને કાયદાશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરીને પતિ સાથે ઠરીઠામ થવા બ્રિટન આવ્યા હતા. તે સમયે પત્રકારત્વમાં વિશેષ રસરૂચિ એટલે આપણા કાર્યાલયે આવ્યા. અને આપણા ગ્રૂપમાં જોડાયા. ચારેક વર્ષ ખૂબ સરસ સેવા આપી. પારિવારિક જવાબદારી નિભાવવા જોબ છોડી. તેમને ત્યાં દીકરો જન્મ્યો હતો ત્યારે અમે હરખ કરવા પણ ગયા હતા. પરંતુ તે પછી ધીમે ધીમે સંપર્ક ઘટતો ગયો... અંગ્રેજી ઉક્તિ આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ જેવું જ થયું હતું.
હોમ ઓફિસમાં તેમના જ વિભાગમાં એક ગુજરાતી બહેન પણ ઉચ્ચા હોદ્દા પર કામ કરે. બન્ને વચ્ચે સખીપણાં. એક દિવસ તેઓ વાતે વળગ્યા હતા, અને વાત વાતમાં ગુજરાત સમાચાર-એશિયન વોઈસનો ઉલ્લેખ થયો. ગુજરાતી બહેનના રેગ્યુલર અંકો જોયા અને કેટલાક વિશેષાંકો પણ જોયાં. ઓફિસનો નંબર મેળવીને મેસેજ જરૂર મૂક્યો.
મેં વળતો ફોન કર્યો. એકબીજાના ખબરઅંતર પૂછ્યા. જે દીકરાને મેં ઘોડિયામાં જોયો હતો તે દીકરો હવે ઉચ્ચ અભ્યાસ કરીને સ્પેનમાં ઠરીઠામ થયો હોવાનું જાણ્યું અને આનંદ અનુભવ્યો. જોકે આ બધી વાતચીત દરમિયાન બહેને કહેલી એક વાત મને મને બહુ સ્પર્શી ગઇ. તેમણે કહ્યું કે સી.બી., મેં તમારા કેટલાક ફોટોગ્રાફ પણ જોયાં... હું જ્યારે તમારી સાથે કામ કરતી હતી ત્યારે તમે જેવા દેખાતા હતા તેવા જ આજે પણ દેખાવ છો. તમારો ચહેરો જોતાં જ લાગે કે તમે બહુ ખુશ છો, તરોતાજા લાગો છો. ૨૫ વર્ષે પણ (ઉંમરનો) ખાસ ઘસારો દેખાતો નથી...
મેં તેમને જસ્ટિસ મિનિસ્ટ્રીમાં ઉચ્ચ સ્થાને બિરાજતા પતિદેવ સાથે ઓફિસે આવવા આમંત્રણ આપ્યું. અને અમારી વાત પૂરી થઇ.
મને કોમ્પ્લિમેન્ટ્સ સાંભળીને આનંદ થયો (કોને ન થાય ભલા?). મેં પણ તેમણે જણાવ્યું હતું તે વિશેષાંકમાં મારા ફોટોગ્રાફ જોયાં અને આયનામાં ધ્યાનપૂર્વક મારો ચહેરો નિહાળ્યો. (આવી બિમારી કોને ન હોય?) તે સમયે મને સમજાયું કે માળું, બહેનની વાતમાં દમ તો છે. વાચક મિત્રો, હું મારી આજની તંદુરસ્તીનો બધો જશ પરમકૃપાળુ પરમાત્માની કૃપાને, પરિવારજનોની સારસંભાળને, સાથીદારો દ્વારા લેવાતી મારી કાળજીને અને આપના જેવા આત્મીયજનોના આશીર્વાદને આપું છું. આ બધા પરિબળોના સરવાળે આ ઘઘો આઠ દસકા પછી પણ ટનાટન છે. તન, મન, ધન એ સર્વક્ષેત્રે મને હંમેશા ખૂબ મદદ સાંપડી છે.
વાચક મિત્રો, માણસનો ચહેરો તેના સ્વાસ્થ્યનું દર્પણ છે. આધુનિક વિજ્ઞાન પણ મનુષ્યના ચહેરા વિશે અવનવા સંશોધન કરતું રહ્યું છે. તાજેતરમાં અમેરિકાની સુખ્યાત સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રો. માઇકલ કોસીન્સકી અને તેમના સાથી સંશોધક ઇરોન વાંગે કમ્પ્યુટરની મદદથી મનુષ્યના ચહેરાઓ અને તેની પ્રકૃતિ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન કર્યું છે. તાજેતરમાં રિસર્ચ જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશ્યલ સાઇકોલોજીમાં પ્રકાશિત થયેલા આ સંશોધનના તારણો બહુ રસપ્રદ છે.
કોસીન્સ્કી અને વાંગની જોડીએ તેમના સાથીદારોની મદદથી ૩૬ હજાર પુરુષોના અલગ અલગ પ્રકારના આશરે સવા લાખથી વધુ ફોટોગ્રાફ્સ અને ૩૮ હજાર સ્ત્રીઓના પોણા બે લાખથી (સ્ત્રીઓના ફોટા હંમેશા વધારે) વધુ ફોટોગ્રાફ્સનો કમ્પ્યુટરની મદદથી ઊંડો અભ્યાસ કર્યો. આ ફોટોગ્રાફ્સ તેમણે અમેરિકાની એક ખૂબ જ જાણીતી ડેટિંગ વેબસાઇટ પરથી મેળવ્યા હતા. (છાનાછપનાં ખૂણે ડેટિંગ વેબસાઇટ કરનારાઓ સમજી લે કે તમારા ફોટોનો ગમેત્યારે ગમેત્યાં ઉપયોગ થઇ શકે છે, અને સમય આવ્યે જાહેર પણ શકે છે!)
આમ જૂઓ તો ચહેરાના અભ્યાસ ટેક્નિકલ સબ્જેક્ટ ગણાય, પરંતુ અભ્યાસમાં જે તારણ નીકળ્યું છે તે જરૂર વિચારણા માંગી લે તેવું છે. જેમ કે, એક ગે વ્યક્તિ સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિને મળે તો ૬૧ ટકા કિસ્સામાં એકમેકને સંકેત મળી જ જતા હોય છે. જ્યારે કમ્પ્યુટરે આવી વ્યક્તિઓની સરખામણીમાં ૭૧ ટકા ચોકસાઇ દાખવી હતી. આવું જ ચોકસાઇભર્યું તારણ લેસ્બીયન સંબંધ ધરાવતી સ્ત્રીઓમાં જોવા મળ્યું હતું. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે એક વ્યક્તિ બીજી મળે છે ત્યારે - જાણ્યે-અજાણ્યે - ચહેરાના હાવભાવ, ચેષ્ટા કે વર્તણૂક વડે પોતાના ઇરાદા-અભિપ્રાય વિશે સંકેત આપવાનો પ્રયાસ થઇ જ જતો હોય છે. આવી ચેષ્ટામાં માનવસહજ લાગણીનું તત્વ જોડાયેલું હોય છે. જ્યારે કમ્પ્યુટરે તો માત્ર ચહેરા જોઇને સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિની પસંદગી કરી હતી, અને તે જીવંત વ્યક્તિની સરખામણીએ વધુ ચોકસાઇપૂર્ણ હતી.
આ ધરતી પર ૭૦૦ કરોડ માનવીઓ વસે છે. દરેક વ્યક્તિની તેના ચહેરા થકી આગવી ઓળખ છે. બે વ્યક્તિના ચહેરા ભાગ્યે જ એકસમાન હોય છે (અપવાદરૂપ ટ્વીન્સને બાદ કરતાં). એક બીજી હકીકત એ પણ ખરી કે એક વ્યક્તિ તરફ બીજી વ્યક્તિ નજર માંડે છે ત્યારે આપોઆપ જ મુખાકૃતિમાં સહેજસાજ બદલાવ આવે છે. ક્યાંક હળવું હાસ્ય, ક્યાંક ગુસ્સો કે નારાજગી તો ક્યાંક અણગમાનો ભાવ ચહેરા પર ઉપસે છે, અને તેના આધારે જે તે બન્ને વ્યક્તિઓ વચ્ચેના ભાવિ સંબંધનો પાયો રચાતો હોય છે. પહેલી નજરના પ્રેમના મૂળમાં પણ આ જ વાત રહેલી છે. અને કોઇને મળતાં જ આપણા મનમાં નકારાત્મક ભાવ જાગે કે ‘માણસ ભલે વાતેચીતે વ્યવસ્થિત હોય, પણ કંઇક જામતું નથી...’ તો આ ‘કંઇક જામતું નથી’ના મૂળમાં પણ પહેલી નજરનું મિલન જ હોય છે.
કમ્પ્યુટર ટેક્નોલોજી તેની રીતે ચહેરા વિશે આપણા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતી રહી છે. કમ્પ્યુટર જીવંત વ્યક્તિ કરતાં વધુ ‘બુદ્ધિશાળી’ બની રહ્યા છે તેને નિષ્ણાતો ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ તરીકે ઓળખાવે છે. આજે સ્માર્ટફોનથી માંડીને લેપટોપ કે અન્ય ચીજવસ્તુઓમાં તેનો વપરાશ સામાન્ય બની રહ્યો છે. વ્યક્તિનો ચહેરો, તેનું નામ, ઓળખ ભલે આગવા હોય, પણ વ્યક્તિનો માંહ્યલો કેવો છે, તેનું સર્વગ્રાહી વ્યક્તિત્વ કેવું છે તે પારખવામાં કમ્પ્યુટર - માણસ કરતાં વધુ - પાવરધા થઇ રહ્યા છે તે સારી બાબત છે કે ખરાબ એ તો સમય જ કહેશે.
સ્ટેનફર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે આ તો હજુ શરૂઆત છે. સમયના વહેવા સાથે કોઇ વ્યક્તિના અંતરમનની સ્થિતિમાં સુધારો, વધારો કે ઘટાડો થાય તો તેનું પ્રતિબિંબ પણ ચહેરા પણ જોઇ શકાશે.
ચાલો, બીજી પણ એક અંગત વાત કરી જ લઉં. બંગાળી બહેને જ મારી ટનાટન તંદુરસ્તીની નોંધ લીધી છે એવું નથી, એક યા બીજા પ્રસંગે અન્યો પણ મારી સમક્ષ આ અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. આ લોકોની વાત મને પણ - મહદ્ અંશે - સાચી લાગી છે. આનું મુખ્ય કારણ એ છે કે હું મારી જીવનશૈલીમાં આહાર-વિહાર અને વાણી-વર્તન-વિચાર વચ્ચે યોગ્ય તાલમેળ જાળવી શક્યો છું - જાળવવા સતત પ્રયત્નશીલ રહું છું. આ માટે હું પરમ કૃપાળુ પરમાત્માનો જેટલો પાડ માનું તેટલો ઓછો છે.
છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં આરોગ્યની જાળવણી, રહેણીકરણીના મામલે મેં રોજિંદા જીવનમાં આમૂલ પરિવર્તન કર્યા છે તેનું આ પરિણામ છે. મેં મારા દસકાઓ જૂના કાયમી મિત્ર (ડાયાબિટીસ)ની હંમેશા - અને પ્રેમપૂર્વક - કાળજી રાખી છે. સમયસર બ્લડમાં સુગર લેવલ ચેક કરવું, નિયત માત્રામાં ઇન્સ્યુલિન લેવું અને ડોક્ટરની સુચના અનુસાર અચૂક દવાઓ લેવી. એટલું જ નહીં, આ બધા પાસાંને ધ્યાનમાં રાખીને ભોજનશૈલી પણ જાળવવી. જીભને ગમેતેવો ચટાકો માણવાની ઇચ્છા થાય, પણ શરીરની તાસીરને માફક આવે તેવું ભોજન જ લેવાનું. મારા આ મક્કમ નિર્ધારને બત્રીસ જાતનાં પકવાન પણ ડગાવી શકે નહીં.
અલબત્ત, આપણી જીવનશૈલીમાં આવશ્યક ફેરફારો કરવા સાવ સરળ નથી તો અતિ વિકટ પણ નથી. ક્યારેક આપણા અંતરમનના તાણાવાણામાં એવા બિનજરૂરી પરિબળો પ્રવેશી જાય છે કે જે જીવનને પ્રગતિના પંથે દોરી જવાના બદલે પડતી તરફ દોરી જાય છે. પણ આનો ઉપાય શું? વાંચો આગળ...
૧૯૭૮માં એક સજ્જનનો સંપર્ક થયો. હવે એવું નહીં પૂછતાં કે સજ્જન એટલે કેવાં? મારા માટે તો જે વ્યક્તિ મારું અહિત ન ઇચ્છતી હોય તે સજ્જન. અને મારું ભલું જ ઇચ્છતી હોય એ તો મારા પેટ્રન જ ગણાયને?! આ સજ્જન સવારે નવથી સાડા નવ વચ્ચે મને અચૂક ફોન કરે. પોતે વ્યવસાયી જીવ. આસપાસની દુનિયાની બધી વાતોની ખબર રાખે. તેઓ જાણે કે અમુક વ્યક્તિઓ સાથે મારે મનમેળ નથી. સંયોગવશાત્ તેમને પણ આ જ વ્યક્તિઓ સાથે સંબંધોમાં સીધા ચઢાણ હતા. આ સજ્જન જ્યારે પણ ફોન કરતા ત્યારે જાણ્યે-અજાણ્યે પે’લી વ્યક્તિઓ સામેની કડવાશનું પ્રદૂષણ મારા દિલોદિમાગમાં ફેલાવે. સમયાંતરે આ વ્યક્તિઓ સામેના મારા પૂર્વગ્રહો તો મજબૂત બન્યા જ, પરંતુ આની સાથોસાથ મેં મારા જીવનમાં પણ પરિવર્તન અનુભવ્યું. મારામાં જડતા, નિષ્ઠુરતા વધ્યાનો મને અહેસાસ થયો. મારામાં ખંડનાત્મક વૃતિ વધી. કડવાશના પ્રદૂષણે મારા માટે સ્લો પોઇઝનનું કામ કર્યું હતું. આજકાલની ટીવી સિરિયલોમાં પણ આવું જ જોવા મળે છેને? કાનભંભેરણી પર તો આખાના આખા એપિસોડ ચાલી જાય છે, અને દર્શકો પણ રસપૂર્વક તેની મજા માણતા હોય છે.
મેં મારી જાતમાં નકારાત્મક ફેરફાર અનુભવ્યો પણ હું સમયસર ‘જાગ્યો’. સમજાયું કે આ નકારાત્મક વલણ તો મારા આનંદ, ઉલ્લાસ, ખુશીને ઉધઇની જેમ કોરી રહ્યા છે. મારું તન તંદુરસ્ત દેખાતું હતું, પણ મન પોલું થઇ રહ્યું હતું - ઉધઇ જેમ લાકડાને ઉપરથી સાબદું રાખીને અંદરથી ખોખલું કરી નાખે છે તેમ જ. નકારાત્મક વૃત્તિ વધવાથી મારી રચનાત્મક્તા ખતમ થઇ રહ્યાનું ભાન થયું એ જ પળે નક્કી કર્યું કે પરિસ્થિતિ બદલ્યે જ છૂટકો.
દૃઢ નિર્ધારના મનુષ્યને હિમાલય જેવડા અવરોધ પણ નથી નડતા એમ કંઇ અમસ્તું નથી કહ્યું. ૧૯૯૨-૯૫ વચ્ચેની વાત છે. જાણે કે પરમાત્માની અસીમ કૃપા થઇ હોય તેમ મારું માનસ પરિવર્તન થયું. ‘અણગમતા લોકો’ સાથે મારે શું નિસ્બત, તેમના કર્યા તેઓ ભોગવશે... તેવા અભિગમે મને નકારાત્મક અભિગમમાંથી બહાર કાઢ્યો.
વાચક મિત્રો, મેં અહીં બે ભજન રજૂ કર્યા છે. એક છે ‘કાજલ’ ફિલ્મનું ગીત ‘તોરા મન દર્પણ કહેલાયે...’ અને બીજી રચના છે જૂનાગઢના નરસિંહ મહેતાની ‘જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં...’ આ બન્ને કૃતિ વ્યક્તિની મનોસ્થિતિને સુપેરે રજૂ કરે છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ તો આજે સંશોધન કર્યું છે, સાહિર લુધિયાનવી સાહેબ તો દસકાઓ અગાઉ - વગર સંશોધને - લખી ચૂક્યા છે કે તોરા મન દર્પણ કહેલાયે...
હું નિયમિતપણે અમુક કલાક વાંચન કરું છું, અને આ શોખે જ મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. સાંપ્રત જીવનના પ્રશ્નો, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય પ્રવાહો, ચિંતનાત્મક લેખો, ધર્મ-અધ્યાત્મ વગેરે બાબતોના અભ્યાસે મારા જ્ઞાનભંડારમાં તો ઉમેરો કર્યો જ છે સાથોસાથ તેણે જીવન પ્રત્યેના મારા અભિગમમાં હકારાત્મક પરિવર્તન પણ આણ્યું છે.
જ્યારે જ્યારે અવસર મળે છે ત્યારે ત્યારે પરમાત્માનું નામસ્મરણ કરું છ. જરૂર પડ્યે ભગવદ્ ગીતાનું પુસ્તક ઉઠાવીને કોઇ પણ પેજ ખોલીને તેના પર રજૂ થયેલા શ્લોકનું પઠન-મનન કરું છું. ભગવદ્ ગીતાનો દરેક શ્લોક આપણા જીવનને નવી જ દિશા આપે છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. ભગવદ્ ગીતા જીવનલક્ષી નાની-મોટી દરેક બાબતમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવવા સક્ષમ હોવાનો મારો જાતઅનુભવ છે. હું તો ત્યાં સુધી કહીશ કે મને જિંદગીના દરેક તબક્કે, નાના-મોટા કોઇ પણ અવરોધ વેળા પરમાત્માએ ભગવદ્ ગીતાના શ્લોક થકી જ મારગ ચીંધ્યો છે. મને સાચી દિશામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી છે.
આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં મને બધા જ દુન્યવી સુખો, જિંદગીને વધુ સગવડદાયી બનાવતી ભૌતિક ચીજવસ્તુઓ મેળવવાનું પાગલપન હતું. પરંતુ ઝાંઝવાના જળથી તે કંઇક તરસ થોડી છીપાય? રેતીના અફાટ રણ જેવી આ જિંદગીમાં આશા-અપેક્ષાઓના ઝાંઝવાનું સરોવર હિલોળા લેતું હતું. પરંતુ સમયના વહેવા સાથે સમજાયું કે ભૌતિક ચીજવસ્તુઓની લાલસાથી ક્યારેય જીવનની તરસ છીપાવવાની નથી. જીવનની તરસ છીપાવવા માટે બહારની દુનિયામાં નહીં, અંતરમનના સરોવરમાં ડૂબકી મારવાની જરૂર છે. જિંદગી પ્રત્યેના આ અભિગમે મને વધુ નિખાલસ બનાવ્યો, વધુ પારદર્શક બનાવ્યો. જિંદગીમાં કરેલી ભૂલોનો જાહેર સ્વીકાર સરળ બનાવ્યો. જીવનકિતાબ ખુલ્લી કરી નાખી અને દિલ-દિમાગ હળવાફૂલ થઇ ગયા.
થોડાક વર્ષો પૂર્વેની વાત છે... આમ તો ભૂતકાળમાં આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યો છું, છતાં એકદમ પ્રસંગોચિત હોવાથી - સંક્ષિપ્તમાં જ - રજૂ કરી રહ્યો છું.
ભારતમાં જ નહીં, ધર્મના નામે ધતિંગ કરનારા લોકોની આ દેશમાં પણ કમી નથી. આમાં પણ હિન્દુ ધર્મમાં તો ખાસ. આપણે ત્યાં સંપ્રદાયો - પેટા સંપ્રદાયો ઘણા એટલે ધર્મના નામે ધુપ્પલ ચલાવવાનું આસાન બની જાય છે. આ દેશમાં સક્રિય આવા જ એક ગુરુ (ઘંટાલ) એક અધાર્મિક કાર્ય કરતાં પોલીસચોપડે ચઢી ગયા. મામલો કોર્ટમાં પહોંચ્યો. આરોપનામું રજૂ થયું. આપણા બન્ને અખબારો તેનું કચકચાવીને રિપોર્ટિંગ કરે. ગુરુ (ઘંટાલ)ને તેનાથી પેટમાં દુખે તે સમજાય તેવું હતું. તેને લાગ્યું કે મામલો લાંબો ચાલ્યો તો બધા ચેલા-ચેલી ભાગી જશે. આસારામ હોય કે ગુરમીત રામ રહીમ હોય કે પછી આપણો ગુરુ (ઘંટાલ)... તેમને ભક્તો ઘટે એ ન પોસાય. આ લોકોનો હિસાબ સીધો હોય છે જેટલા વધુ ભક્તો તેટલી અઢળક કમાણી.
તો આ ગુરુ (ઘંટાલ) તેના એક પરિચિત સાથે મને મળવા આપણા કાર્યાલયે આવ્યો. તેની આગવી સ્ટાઇલમાં મીઠીમધુરી ભાષામાં વાતચીત કરી. કેટલાક ‘સમાજવિરોધી તત્વો આપણા હિન્દુ ધર્મ’ને બદનામ કરવાના કામે લાગ્યા છે અને આમાં તમે (મતલબ કે આપણા પ્રકાશનો) હાથો બની રહ્યા હોવાની સૂફિયાણી વાતો કરી અને આડકતરી રીતે પોતાનું બચાવનામું રજૂ કર્યું. તેમણે ધર્મનો હવાલો આપ્યો તો મેં કાયદાનો હવાલો આપ્યો. કહ્યું કે કેસ સુનાવણી સુધી પહોંચ્યો છે એ જ દર્શાવે છે કે પ્રાથમિક પુરાવાઓમાં, આરોપોમાં વજૂદ છે. અમે તો કાયદો જે અભિગમ અપનાવશે તેને વળગી રહીશું...
બસ થઇ રહ્યું... ધર્મનો અંચળો ઓઢીને ફરતા ગુરુએ પોત પ્રકાશ્યું. મને હળવેકથી પણ પરોક્ષ ચીમકી આપી કે તમે પણ જિંદગીમાં અઘટિત કામ કર્યું છે. તમને આખા સમાજ સામે ખુલ્લા પાડી દઇશ... વગેરે વગેરે. તેમણે બળાપો કાઢ્યો. (તેઓ આ સિવાય બીજું કંઇ કરી શકે તેમ પણ નહોતા.) મેં તેમને કહ્યું કે તમે જે વાતનો સંદર્ભ ટાંકીને મને બ્લેકમેઇલ કરવા પ્રયાસ કરો છો એ મારાં સગાંસ્વજનો કે મિત્રો તો શું ઓફિસના સાથીદારો સુદ્ધાં જાણે છે. જેવો છું તેવો તમારી સામે છું... બોલો, હવે તમે જ કહો મને ક્યાં ખુલ્લો પાડશો?! ગુરુ (ઘંટાલ) તો મારું મોં જોતાં જ રહી ગયા. અને પછી વિલા મોંએ રવાના થઇ ગયા.
મિત્રો, આ ઘટનાના થોડાક વર્ષ અગાઉ જ મેં જીવનમાં અપનાવેલા નિખાલસ અને પારદર્શક અભિગમનું આ પરિણામ હતું. મારે કંઇ છુપાવવા જેવું હતું જ નહીં, ન દિલ પર કોઇ બોજ હતો, ન દિમાગ પર. આ સડકછાપ ગુરુ મારું કંઇ બગાડી શકે તેમ નહોતો.
આ તો ગુરુ (ઘંટાલ)ની વાત થઇ. પણ એક સાચા સ્વામી (મારા પિતાશ્રી)ની વાત સાથે કલમને અને આ સપ્તાહે કોલમને વિરામ આપું...
સ્વામીશ્રીને ૧૯૭૩માં મળ્યો (તેમના સન્યાસજીવનના ૧૯ વર્ષમાં માત્ર એક જ વખત ‘નાણાં છે તો અક્ષરજ્ઞાન કરો’ સૂચના આપી હતી.
૧) નાણાં કમાવ, પણ નીતિનિયમ માથે રાખીને. અતિ લક્ષ્મી પાપનું મૂળ છે.
૨) રાજકીય સત્તા કાજે કદી ચૂંટણીમાં ઉભા ન રહેવું. અને
૩) કોઇ પણ સરકારી સન્માન ઇચ્છવું નહીં, અને સરકારી સન્માન મળે તો તેનો સવિનય અસ્વીકાર કરવો.
સ્વામીશ્રીએ આ સલાહ ભલે મને આપી હોય, પણ સહુ કોઇએ તેને સંજોગો અનુસાર અનુસરવા જેવી તો ખરી. લાભની કોઇ ગેરન્ટી નથી, પરંતુ નુકસાન તો નહીં જ થાય... અંતરમનની દૃઢતા આપણા ચહેરાને અવશ્ય ઝળાંહળાં કરે છે. (ક્રમશઃ)

•••

ફિલ્મઃ કાજલ
ગાયિકાઃ આશા ભોંસલે
ગીતકારઃ સાહિર લુધિયાનવી

તોરા મન દર્પણ કહલાએ
ભલે બુરે સારે કર્મોં કો દેખે ઔર દિખાએ
તોરા મન દર્પણ કહલાએ...

મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ન કોય
મન ઉજિયારા જબ-જબ ફૈલે જગ ઉજિયારા હોય
ઇસ ઉજલે દર્પણ મેં પ્રાણી ધૂલ ન જમને પાએ
તોરા મન દર્પણ કહલાએ...

સુખ કી કલિયાં દુખ કે કાંટે મન સબકા આધાર
મન સે કોઈ બાત છિપે ના મન કે નૈન હજાર
જગ સે કોઈ ભાગ લે ચાહે, મન સે ભાગ ન પાએ
તોરા મન દર્પણ કહલાએ...

તન કી દૌલત ઢલતી છાયા મન કા ધન અનમોલ
તન કે કારણ મન કે ધન કો મત માટી મેં રોલ
મન કી કદર ભુલાને વાલા હીરા જન્મ ગંવાએ
તોરા મન દર્પણ કહલાએ...

•••

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ...
- નરસિંહ મહેતા

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો,
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી,
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લુંચન કીધે ?
શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજલ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે,
શું થયું રાગ ને રંગ માણ્યે? શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે? એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

-------


comments powered by Disqus