કોલંબોઃ કેપ્ટન વિરાટ કોહલીના આક્રમક ૮૨ રન અને મનીષ પાંડેની અણનમ અડધી સદી (૫૧)ની મદદથી ભારતે છઠ્ઠી સપ્ટેમ્બરે રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચમાં શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતે શ્રીલંકા પ્રવાસમાં ટેસ્ટ, વન-ડે તથા ટી૨૦માં કુલ ૯-૦થી જ્વલંત વિજય મેળવ્યો છે. શ્રીલંકાના સાત વિકેટે ૧૭૦ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતે ૧૯.૨ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કોહલીએ ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં રનચેઝ કરતી વખતે ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. આ તેની કારકિર્દીની ૫૦મી ટી૨૦ મેચ હતી.
રનચેઝ કરતી વેળા ભારતે ૪૨ રનમાં ઓપનર રોહિત શર્મા (૯) તથા લોહેશ રાહુલ (૨૪)ની વિકેટ ગુમાવી હતી. આ પછી કોહલી અને મનીષે ત્રીજી વિકેટ માટે ૧૧૯ રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલીએ ૫૪ બોલમાં સાત બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૮૨ તથા પાંડેએ ૩૬ બોલમાં અણનમ ૫૧ રન બનાવ્યા હતા.અગાઉ શ્રીલંકાની ઇનિંગ્સમાં મુનાવીરાએ ૨૯ બોલમાં ૫૩ તથા પ્રિયાંજને ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ચહલે ૪૩ રનમાં ત્રણ તથા કુલદીપ યાદવે ૨૦ રનમાં બે વિકેટ ખેરવી હતી. ટી૨૦માં મુનાવીરાની પ્રથમ અડધી સદી હતી.
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી
એક માત્ર ટી૨૦ મેચ જીતવા સાથે ટીમ ઇન્ડિયાએ આખી શ્રેણીમાં શ્રીલંકાનો ૯-૦થી સફાયો કર્યો હતો. ભારતે ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાને ૩-૦થી, વન-ડે શ્રેણીમાં ૫-૦થી અને ટી-૨૦માં ૧-૦થી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૨૦૦૯-૧૦ માં યોજાયેલી શ્રેણીમાં ટેસ્ટમાં ૩-૦થી, વન-ડેમાં ૫-૦થી અને એક ટી૨૦માં હરાવીને શ્રેણી ૯-૦થી પોતાના નામે કરી હતી. વિરાટ પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે જેણે ૯-૦થી શ્રેણી પોતાના નામે કરી હોય.

