પરમ શકિતની પૂજા અને આદ્યશકિતની આરાધનો અવસર: નવરાત્રિ પર્વ

Tuesday 12th September 2017 15:17 EDT
 
 

વિશ્વમાં કોઈ દેશની સંસ્કૃિતમાં જગતજનની મા અાદ્યશકિતની આરાધનાનું મહાપર્વ આટલા વિશાળ પાયે ભક્તિભાવથી કે અધિક ઉત્સાહથી ઊજવાતું નથી. એ આદિ-અનાદિ સનાતન સંસ્કૃિતની એક સવિશેષ આરાધનાનું મહાપર્વ છે. ગુજરાતનો ‘નવરાત્રિ’નો મહોત્સવ અનન્ય છે. તેમાં માત્ર ઉત્સાહ અને ઉમંગ નથી પરંતુ આઘ્યાત્મિકતા અને આરાધના પણ છે. તેમાં માત્ર તાલ અને સૂર નથી પરંતુ પ્રાર્થના અને અર્ચના પણ છે. મા અંબાની સામે બે હાથ જોડી તેનાં અસ્તિત્વનો સ્વીકાર કરીને તેનું પૂજન-અર્ચન કરતો માનવી સમયની અનુકૂળતાએ ગરબાનું આયોજન કરીને ઉમંગની સાથે મા આરાસુરીને પધારવાનું આમંત્રણ પણ આપી જ દેતો હશે. મા આદ્યશક્તિની આરાધના કરતા નવરાત્રિ મહાપર્વને ભારતીયો ખાસ કરીને ગુજરાતીઅો વિદેશમાં જ્યાં જયાં જઇ વસ્યા ત્યાં ગરબા રૂપે પ્રચલિત કર્યો છે. ઢોલ-મંજીરાના તાલે અને માના ગુણ ગાતા ગરબાના સ્વરશબ્દે દેશવિદેશે ગરબો હીંચતા ગુજરાતી નર-નારીઓ સાથે વિદેશીઓ પણ ગરબે ઘૂમે છે.
નવરાત્રિ એટલે નવ વ્રતનું સામૂહિક પર્વ તથા ભગવત શકિતની ભકિત, પરમ શકિતની પૂજા અને આદ્યશકિતની આરાધનો અવસર. આ આદ્યશકિત અને પરમ શકિતનાં જે અનેક રૂપો તે નવદુર્ગા. આ નવદુર્ગાનું પ્રથમ રૂપ છે શૈલપુત્રી. હિમાલય પુત્રી રૂપે અવતરનાર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપનાં ‘પાર્વતી’ તથા ‘હેમવતી’ નામ પણ પ્રસિદ્ધ છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે શૈલપુત્રી સ્વરૂપની જ પૂજા ઉપાસના થાય છે. યોગીઓ એ જ દિવસે યોગસાધનાનો પ્રારંભ કરે છે અને પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે.
મા દુર્ગાનું દ્વિતીય રૂપ છે બ્રહ્મચારિણી રૂપ. બ્રહ્મચારિણી મા દુર્ગા એટલે તપનું આચરણ કરી બ્રહ્મને જાણનારી કાંઈ કેટલાય જન્મોની તપસ્યાથી સ્વયંને સિદ્ધ કરનારી મા ભકતોને સિદ્ધ અને અનંત ફળ અર્પે છે. દુર્ગાપૂજાના દ્વિતીય દિવસે તેના આ સ્વરૂપની ઉપાસના થાય છે અને સાધકનું મન મૂળાધારથી ઉર્ઘ્વ તરફ ગતિ કરી ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિર થાય છે.
મા દુર્ગાની તૃતીય શકિત છે ચંદ્રઘણ્ટા. મા ચંદ્રઘણ્ટાની ઉપાસના નવરાત્રિના ત્રીજા દિવસે થાય છે. તેના વિગ્રહની પૂજા -આરાધના પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. નવરાત્રિની દુર્ગા ઉપાસનાના ત્રીજા દિવસની પૂજાનું મહત્ત્વ અધિક છે કારણ તે દિવસથી સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાનું ચતુર્થ સ્વરૂપ છે કષ્માણ્ડા. સ્વયંના મંદ મંદ હળવા ઇષત એટલે કે હાસ્ય વડે અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને કારણે મા દુર્ગા કુષ્માણ્ડા તરીકે પ્રસિદ્ધ થઈ! જયારે આ સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હતું ત્યારે કહે છે આ દેવીએ પોતાના ‘ઇષત્’ હાસ્ય દ્વારા બ્રહ્માંડ રરયું. ચોથો દિવસ મા કષ્માણ્ડાની આરાધનાનો દિવસ છે. આ દિવસે સાધકનું મન વધુ ઉઘ્ર્વ બની ‘અનાહત’ ચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાનું પંચમ રૂપ સ્કન્દમાતા છે. મા દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા અને અસુરનો નાશ કરવામાં અગ્રણી હતાં. વળી, ભગવાન સ્કન્દનાં તેઓ માતા હોવાના કારણે તેઓ સ્કન્દમાતા રૂપે પ્રસિદ્ધ થયાં. પાંચમા દિવસે એમના સ્વરૂપની પૂજા થાય છે. આ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ’ ચક્રમાં રહે છે.
મા દુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે કાત્યાયની મા. કત્ નામના મહર્ષિના પુત્ર ઋષિ કાત્ય હતા. આ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યયન જન્મ્યા હતા. જેમણે ભગવતી પરામ્બાની વર્ષો સુધી કઠોર ઉપાસના કરી માને પ્રસન્ન કર્યા હતા. જેથી તેઓની ઇરછા પ્રમાણે એમના ઘરે મા ભગવતી કાત્યાયની રૂપે અવતરેલાં. મહિષાસુરનો વધ કરનાર આ રુદ્રરૂપની પૂજા છઠ્ઠા દિવસે થાય છે. આ દિવસે જ બંગાળી પ્રજા મા દુર્ગાનું ‘બોધન’ દ્વારા પ્રતિષ્ઠાન કરી ‘દુર્ગા મહોત્સવ’નો પ્રારંભ કરે છે. સાધકનું મન આ દિવસ બે ભ્રૂકુટિ મઘ્યે આજ્ઞાચક્રમાં પ્રવેશે છે. મા દુર્ગાની સાતમી શકિત તે કાલરાત્રિ. ભયાનક દૃશ્યમાન તેનું આ સ્વરૂપ હંમેશ શુભફળ આપે છે તેથી તે શુભંકરી નામે પણ જાણીતી છે. સાતમા દિવસે મા કાલરાત્રિની ઉપાસના થાય છે. તે દિવસે મા કાલરાત્રિની ઉપાસનામાં સાધકનું મન ‘સહસ્ત્રધાર’ ચક્રમાં ઉર્ઘ્વ તરફ રહે છે.
મા દુર્ગાની આઠમી શકિતનું નામ મહાગૌરી છે. પૂર્ણરૂપે ગોરા વર્ણની આ માતાની વય આઠ વર્ષની માનવામાં આવી છે. ભગવાન શિવને પામવા કઠોર તપ કરી શ્યામ પડી જનાર પાર્વતીજી પર પ્રસન્ન થઈ શિવે તેઓને ગૌરવર્ણી બનાવ્યા. અમોધ શકિતશાળી વાંરિછત ફળ આપનારી મહાગૌરી સાધકને આઠમા દિવસે સાક્ષાત્ થાય છે.
તેથી જ નવમા દિવસે સિદ્ધિદાત્રીનું પૂજન થાય છે. માર્કન્ડેય પુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ જેવી આઠેય સિદ્ધિઓ આપનારું આ સ્વરૂપ છે. નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી અંતિમ ઘ્યેય છે, અને તેની આરાધના કર્યા બાદ સાધક પરમલોકને પામી જાય છે. ઇરછાઓ કે તેની પૂર્તિ જેવો કોઈ ભાવ શૂન્ય બની તેનું અસ્તિત્વ સિદ્ધ બની બ્રહ્મમય બની જાય છે. સાધકનો ગર્ભદીપ પ્રગટી ઊઠે છે અને શરીર ‘ગરબો’ બની અનંતના ઉત્સવમાં મત્ત બની લય પામે છે.

‘શકિત’ સ્ત્રીનો પર્યાય છે. ‘ગર્ભદીપ’ પણ સ્ત્રી શકિતનો સૂચક છે. આપણે ધરતી, પૃથ્વી તથા દેશને પણ દેવી માતા તરીકે પૂજીએ છીએ. સ્ત્રી ‘સર્જન’ અને ફળદ્રુપતાનો પર્યાય છે. તેથી જ ભારતમાં સ્ત્રીઓનો આદર અને પૂજન તે સંસ્કૃતિ ગણાય છે. જયાં ‘નારી’ પૂજાય છે ત્યાં દેવોનો વાસ છે. નવરાત્રિના નવ દિવસમાં અનુષ્ઠાન, તપ, ભકિત, પૂજા, કીર્તન અને આરાધનાનું માહાત્મ્ય છે. શકિતની ઉપાસના દરેક સાધક પોતે જે સ્વરૂપના ઇષ્ટદેવીમાં શ્રદ્ધા ધરાવતા હોય તે અનુસાર કરે. આમ વિશ્વસ્તરે નવરાત્રિ એક બ્રહ્માંડના સ્વરૂપે પ્રસ્તુત બની હવે તો ગુર્જરીધરાનું જ નહીં સમસ્ત ભારતવર્ષનું એક સાંસ્કૃતિક પર્વ બનતું જાય છે.
સમયની સાથે બદલાયેલું ગરબાનું સ્વરૂપગુજરાત સિવાય કોઈ પણ દેશ કે પ્રાંતમાં "ગરબો" સર્જાયો નથી. માટીનાં એક નાનકડાં વાસણમાં મુકાયેલા દિવાનો પ્રકાશ સો-સો છિંદ્રો વાટે ચારેકોર છવાઈ જાય છે. અને એ "ગરબો" પોતાને માથે મૂકીને જ્યારે કન્યાઓ ચાલે છે ત્યારે એક-એક કન્યાના માંથા પર આકાશ ખડું થાય છે. જાણે કે આકાશ વામન રૂપ લઈ ધરા ઉપર રમવા ઉતરી પડ્યા હોય એમ લાગે છે. કેટલાક વિદ્વાનો "ગર્ભ" શબ્દ ઉપરથી ગરબો પડ્યાનું માને છે. કેમ કે "ગર્ભ" નો એક અર્થ ઘડો અથવા "ઘડું" થાય છે.નવરાત્રિએ અધર્મ અને આસૂરી શક્તિ પરના વિજયની ઉજવણી જ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન કલશનો, દીપનાં અખંડ અજવાળાં ઝરતો ગરબો થયો. એ ગરબો વચમાં રાખી તેમાં કલ્પેલાં શક્તિસ્વરૂપની પ્રદક્ષિણા સૌભાગ્યવતીઓએ કરી. મધ્યમાં રાખી પૂજેલો ગરબો, ભક્તિનો આવેશ વધતાં, માથે મૂકી ઘૂમવાની વૃત્તિ જાગી. પોતાની પૂજ્ય વસ્તુને આપણે માથે જ ચઢાવીએ છીએ ને, એટલે પ્રત્યેક નારી પોતાનો ગરબો માથે સ્થાપી ગોળ ગોળ ઘુમવા મંડી. એ પછી ભાવનો આવેશ વધતાં એ આવેશને પ્રગટ કરવાની સહજ વૃત્તિ થઈ આવી. એ શક્તિ અારાધનાના આવેશને પ્રગટ કરતાં સહજભાવે કંઠમાંથી સૂર નીકળ્યા, એ સૂરને ભાષાએ મદદ કરી. પરંતુ એટલેથી હ્દયનો આવેશ પૂરેપૂરો વ્યક્ત થઈ શક્યો નહીં. સંગીતના તાલે ગાતાં ગાતાં અને ગરબો માથે લઈ ઘૂમતાં ઘૂમતાં હાથ, પગ, નેત્ર, વાણી-બધું યે નાચવા માંડ્યું. એટલે એ નૃત્યનો-ગરબાના ગીતનો તાલ, ઘૂમવાની સાથે આપોઆપ ગોઠવાઈ ગયો, અને "ગરબે રમવાની" આપણી ગુજરાતણોની પ્રિય રમત આમ શોધી કઢાઈ.શક્તિસાહિત્યનો મહાકવિ તે વલ્લભ-ભટ્ટ. વલ્લભ-ભટ્ટે જે ગરબાની વિરાટ કલ્પના આપી છે. તેવી ભવ્ય કલ્પના બીજે ક્યાંય જોવા મળશે નહીં. તેથી વલ્લભ-ભટ્ટને મહાકવિ તરીકે બિરદાવ્યામાં આવ્યો છે. "ગાગરના ગરબામાં" જે વિરાટ કલ્પના વલ્લભ-ભટ્ટે ગૂંથી છે. તેને હ્દયમાં ઉતારવી સરળ નથી."ગગનમંડલ કરી ગાગરી રે મા,સુંદર સકલ શોભા ભરી રે મા,આપે ભવાની ઉમંગશું રે મા,રાસ રમે મધ્ય રંગશું રે મા,નવ ગ્રહોમાં સહુથી વડો રે મા,આદિત્ય અખંડ કર્યો દીવડો રે મા,જળહળ જ્યોત બિંબગોળશું રે મા,ઉગ્યો શશી તે કલા સોળશું રે મા."ગરબાઓમાં ખરેખરી પ્રાસાહિકતા ઉતારનાર વલ્લભ-ભટ્ટે માથે ગરબો લઈને રમતાં જોગમાયાને જાણે નજરોનજર નિહાળ્યાં હોય એમ વર્ણવ્યાં છે અને માતાજીના શણગારનું વર્ણન, સુંદર ઉપમાઓ અને શબ્દ-રચનાઓને લીધે કોઈ મહાનંદના પૂરસમી છોળો મારતું, વેગભર્યું અને ધસમસતું એમણે આલેખ્યું છે. એમનો "શણગારનો ગરબો" ખૂબ રસિક છે. ગરબે રમતાં બહુચરાજી, એનું વર્ણન વાંચતાં, નેત્ર સમીપ ખડાં થઈ જાય છે."વેણી વાસુકી સરીખી શીશ રાજતી રે લોલ:ક્ષુદ્રઘંટ ગોફણોને મધ્યે ગાજતી રે લોલ:સોળે શણગારે સેંથો ભર્યો રે લોલ:ચાક ચામરી શો ચોટલો, કટિએ અડ્યો રે લોલ:શ્રવણ સુંદર આકાશ, સર્વ સીમીપના રે લોલ:સોળ શોભીતા શણગાર, સર્વ નીપન્યા રે લોલ:"ગુજરાતના કવિઓએ ગરબાની રચના માટે માત્ર પૌરાણિક વિષયો જ પસંદ કર્યાં હતાં એવું નથી. સમયની સાથે જ પરિવર્તન આવતું હતું અને તેને સમાજ ઉપર કેવી અસર પડતી હતી તેનું આબેહૂબ ચિત્ર પણ ગરબામાં જોવા મળે છે. લોકોમાં બનતાં બનાવો ઉપરથી પણ પ્રેરાઈને લોકલાગણીમાં થયેલી ઉથલપાથલને વ્યક્ત કરી કાયમી સ્વરૂપ આપવાના હેતુથી 19મી સદીમાં કેટલાક ગરબા રચાયાં હતાં. જેમાં સ્ત્રીજીવનની કરુણસ્થિતિ, બાળવિધવાની પીડા, કજોડાની સ્થિતિ, વિધવા પુન:વિવાહ, કેફ છોડવવા વિશે દીકરીઓને ભણાવવા અંગે કુરિવાજો દુર કરવા અંગે દુકાળ અંગે કવીશ્વર દલપતરામના સુધારાવાદી ગરબા જુદાં જ તરી આવતાં હતાં.


comments powered by Disqus