નવી દિલ્હીઃ અમેરિકાના ફ્લોરિડાને ઇરમા વાવાઝોડાએ ઝપટમાં લીધું હતું. રવિવારે ઇરમા વાવાઝોડું ફ્લોરિડા પર ત્રાટક્યું હતું. જેને પગલે ફ્લોરિડામાં વીજળી ગુલ થતાં અંધકાર છવાયો હતો. ૨૦૯ કિમીની ઝડપે ફુંકાયેલા આ વાવાઝોડામાં ૩૦થી વધુનાં મોત થયાં છે અને ૬૩ લાખ લોકોથી વધુને માઠી અસર થઈ છે. આ આંકડામાં હજી વધારો નોંધાવાની વકી છે. ઈરમાના કારણે હજારો લોકોએ ફ્લોરિડામાં હેરાનગતિનો સામનો કરવો પડયો હતો અને અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. સોમવારે તે નબળું પડતા લોકોમાં થોડી ઘણી રાહત જોવા મળે છે. ફ્લોરિડાથી આ વાવાઝોડું જ્યોર્જિયા તરફ આગળ વધ્યું હતું. જોકે હવામાન વિભાગે જણાવ્યું હતું કે હજુ પણ આ વાવાઝોડાનો ભય ટળ્યો નથી, પણ હાલમાં તેનો પ્રભાવ ઘટ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાની ગતિ લગભગ પ્રતિ કલાક ૮૫ માઇલ સુધી પહોંચી ગઇ હતી. સાથે એવું અનુમાન છે કે તે નોર્થ ફ્લોરિડા કે પછી સાઉથ જ્યોર્જિયા પહોંચીને તે ફંટાઇ શકે છે. જોકે સમુદ્રી વિસ્તારોની નજીકના લોકોને એલર્ટ રહેવા કહેવાયું છે. ફ્લોરિડામાં આશરે ૬૦ લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.
આ વિસ્તારોમાં હજુ પણ પૂરનો ખતરો છે. આ વાવાઝોડું ફ્લોરિડા પર ત્રાટક્યું ત્યારે વાવાઝોડાને કેટેગરી ચારમાં મૂકવામાં આવ્યું હતું, જોકે હવે તે નબળું પડીને કેટેગરી એકમાં આવી ગયું હોવાથી ખતરો થોડો ઓછો થયો છે.
ક્યા વિસ્તારો ભયજનક
ફ્લોરિડાનાં મનરો કાઉન્ટી, મિયામી ડેડ કાઉન્ટી, બ્રોવાર્ડ કાઉન્ટી, બ્રેવાર્ડ કાઉન્ટી, લેક ઓકીચોબી, કોલિયર કાઉન્ટી, ગ્લેડ્સ કાઉન્ટી, ફ્લેગલર કાઉન્ટી, લી કાઉન્ટી, માર્ટિન કાઉન્ટી, પાલ બીચ કાઉન્ટી, પિનેલાસ કાઇન્ટી, ઇન્ડિયન રિવર કાઉન્ટી, સેન્ટ જ્હોન્સ કાઉન્ટી હાલમાં ખાલી કરાવાયાં છે.
નાસાનું સ્પેસ સેન્ટર ખાલી કરાવાયું
નાસાના સૌથી મહત્ત્વના કેનેડી સ્પેસ સેન્ટરને ખાલી કરાવી દેવાયું છે. કેનેડી સ્ટેશનના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. ૧૨૦ કર્મચારીઓને સલામત સ્થળોએ મોકલી દેવાયાં છે. કેનેડી સ્પેસ સ્ટેશન ૧૩૫ માઇલ પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવનનો સામનો કરી શકે છે, પરંતુ ઇરમાની ઝડપ વધુ હોવાથી તે ખાલી કરાવાયું હતું.
કટોકટી જાહેર
વર્જિનિયાના ગવર્નર ટેરરી મેકઓલિફે રાજ્યમાં કટોકટીની જાહેરાત કરી હતી. આ જાહેરનામાને પગલે વર્જિનિયા હરિકેનમાં તબાહ થનાર અન્ય રાજ્યોને પણ મદદ કરી શકશે. વર્જિનિયામાં ભારે પવન અને પૂરની સંભાવના તોળાઇ રહી છે.

