હયાત ખતરનાક ડોન પરથી ફિલ્મ બનાવવામાં સૌથી પહેલાં તો ભારે જોખમ માથે લેવું પડે. એવું જોખમ માથે લેવાનું કામ અસીમ આહલુવાલિયાએ કર્યું છે. તેણે ડોન અરુણ ગુલાબ ગવળી પરથી ‘ડેડી’ ફિલ્મ બનાવી છે. ‘ડેડી’માં ૧૯૭૦થી લઈને ૧૯૮૦ના બે દાયકા દર્શાવાયો છે. આ ગાળામાં અરુણ ગવળી (અર્જુન રામપાલ) ગેંગસ્ટરમાંથી રાજકારણી બને છે.
ફિલ્મમાં ગવળી જેટલું જ એની આસપાસના લોકો પર પણ ફોકસ કરાયું છે. ડોન સાથેના એમના અનુભવથી ફિલ્મની સ્ટોરી આગળ ચાલે છે. અરુણની પત્નીની, એના નિકટના સાથીદારોની, અરુણ માટે માતા સમાન ઘરડી સ્ત્રીની પોલીસ અધિકારીઓ પૂછપરછ કરતાં હોય એનાથી અરુણનું પાત્ર ફિલ્મમાં ઉપસતું જાય છે. ફિલ્મની માવજત કમાલની છે. ડોનના ઘરના અને નજીકનાં લોકો સાથે વ્યવહાર વર્તન કેવાં છે અને તે કેવી રીતે માફિયાગીરીમાંથી રાજકારણ તરફ વળે છે? એ ‘ડેડી’માં દર્શાવાયું છે. ડોનના જીવનના વળાંકો ફિલ્મમાં આવરી લેવાયા છે.
ફિલ્મમાં અર્જુન રામપાલનો અભિનય વખાણાયો છે. આ ઉપરાંત પોલીસ ઓફિસર વિજયકર (નિશિકાંત કામત) આમેય આ પ્રકારની હટકે ફિલ્મો બનાવવા માટે જાણીતા ડિરેક્ટર છે તો એમની એક્ટિંગમાં તો કચાશ કાઢવી મુશ્કેલ જ હોય એમાં બેમત નથી. અરુણ ગવળીની પત્ની ઝુબૈદા જે નામ બદલીને જીવનના સોળમા વર્ષે લગ્ન પછી આશા ગવળી બની તેનું પાત્ર પણ ઐશ્વર્યા રાજેશે સુંદર રીતે ભજવ્યું છે.
સવા બે કલાકની આ ફિલ્મનું મ્યુઝિક સાજિદ વાજિદની જોડીએ આપ્યું છે. ફિલ્મની કવાલી અને ‘આલા રે આલા ગણેશા’ સોંગ વખણાયા છે.

