લાખો લોકો મકાન લેવાનું વિચારી પણ શકતા નથી, ત્યારે દેશમાં ૧ મિલિયન પાઉન્ડ અથવા તેથી વધુની કિંમતના મકાનોની સંખ્યા વધીને ૩૯૪,૦૦૦ પર પહોંચી છે. તેના માટે લંડનમાં થયેલા ભાવવધારાને જવાબદાર મનાય છે. છેલ્લાં દસ વર્ષમાં આ સંખ્યામાં બમણાથી પણ વધુનો વધારો થયો છે. ૨૦૦૬માં આવા મકાનોની સંખ્યા ૧૭૬,૦૦૦ હતી.
• રમઝાનને લીધે ઉબેરને ડ્રાઈવરોની મુશ્કેલી
ઉબેરના મુસ્લિમ ડ્રાઈવરો રમઝાનના રોજા તોડવા સૂર્યાસ્ત પછી કામ બંધ કરી દેતા હોવાથી થિયેટરોમાં જતા અથવા મોડી રાત્રે પોતાના ઘરે પાછા ફરતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ટેક્સી એપ્લિકેશનનો ઉપયોગ કરતા લોકોને કોઈ ટેક્સી મળતી નથી અને જ્યારે તેઓ રાત્રે ૯ વાગ્યાની આસપાસ ટેક્સી કરવા માગે તો તેના ભાડામાં જોરદાર વધારો જોવા મળે છે.
• સસ્તા કાર ઈન્સ્યોરન્સ માટે સમર સૌથી શ્રેષ્ઠ
ડ્રાઈવરોએ સમરમાં કાર ઈન્સ્યોરન્સ લેવો જોઈએ કારણ કે ડિસેમ્બરમાં તેનો દર ખૂબ ઉંચો હોય છે. ‘કમ્પેર ધ માર્કેટ ડોટ કોમ’ના અભ્યાસમાં જણાયું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ચોક્કસ કાર કવરની કિંમત વર્ષના બાકીના મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં ૧૩ ટકા જ્યારે સામાન્ય કાર ઈન્સ્યોરન્સની કિંમત ૧૯ ટકા વધારે રહી હતી. જાન્યુઆરીમાં તેમાં સરેરાશ ૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
• હવે ટાલની સમસ્યા દૂર થઈ શકશે
વૈજ્ઞાનિકોએ વાળને ખરતા અટકાવે તેવા કોષની ઓળખ કર્યા પછી હવે ટાલની સમસ્યાનો ઈલાજ થઈ શકશે. તેમને જણાયું હતું કે રોગ પ્રતિકારક સિસ્ટમમાં બળતરા સાથે સોજાને નિયંત્રણમાં રાખતા ‘ટ્રેગ્સ’ કોષ વાળનો જથ્થો વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટ્રેગ્સ તરીકે જાણીતા ટી-સેલ્સ સામાન્ય રીતે પ્રતિકારક સિસ્ટમના અન્ય ભાગો વધુ પડતી પ્રતિક્રિયા આપે નહીં અને બેકાબૂ ન બને તેની તકેદારી રાખે છે. તેમાં કોઈ ગરબડ થાય તો તેનાથી એલર્જી થઈ શકે.
• લેબલ બદલીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો Sainsbury'sનો પ્રયાસ
Sainsbury's ચાના પેકિંગ પરના Fair Trade લેબલ બદલીને પોતાની બ્રાન્ડના ‘Fairly Traded' લેબલ લગાવીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી હોવાની ચેતવણી ચેરિટીઓએ ઉચ્ચારી હતી. તે હવે પોતે ઉત્પાદિત કરેલી ચાના બોક્સ પર પોતાની બ્રાન્ડના નવા લોગો પ્રાયોગિક ધોરણે લગાવી રહી છે. ફેર ટ્રેડ ફાઉન્ડેશનનું બિઝનેસ મોડલ બે દાયકા જૂનું હોવાનું જણાવીને Sainsbury'sતેનાથી અલગ થવા માગે છે.
