આતંકવાદ સામે એકસંપ થવું પડશેઃ મોદી

Wednesday 14th June 2017 06:50 EDT
 
 

અસ્તાનાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની ૧૭મી શિખર બેઠકને સંબોધતાં ત્રાસવાદ સામેની લડાઈમાં વૈશ્વિક સહયોગની અપીલ કરતાં જણાવ્યું હતું કે ત્રાસવાદ તે માનવતાનો સૌથી મોટો શત્રુ છે. પાકિસ્તાનનાં નામનો ઉલ્લેખ કર્યા વિના તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ માનવઅધિકારોનું સૌથી વધુ હનન કરે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફની ઉપસ્થિતિ વચ્ચે શિખરને સંબોધતાં મોદીએ આતંકવાદ સાથે મળીને લડવા માટે આહવાન કર્યું હતું. ત્રાસવાદનું પાલનપોષણ કરનારાઓ વિરુદ્ધ પણ સાથે મળીને પ્રયાસ કરવા મોદીએ અપીલ કરી હતી.
ચીનના મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ સંદર્ભે મોદીએ કહ્યું હતું કે એસસીઓ દેશો વચ્ચે કનેક્ટિવિટી પરિયોજનાઓમાં સહયોગ ભારતની પ્રાથમિકતા છે પણ સંપ્રભુતા-ક્ષેત્રીય અખંડતા સાથે સમાધાન ન થવું જોઇએ.
સંગઠનમાં સભ્યપદ આપવા બદલ વડા પ્રધાન મોદીએ તમામ સભ્યોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન બંનેને સંગઠનમાં સભ્યપદ મળ્યું છે. આ પૂર્વે ભારત સંગઠનમાં નિરીક્ષકની ભૂમિકા અદા કરતો હતો.
નવાઝ શરીફે શું કહ્યું?
એસસીઓને સંબોધતા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ ભારતનો બે વાર ઉલ્લેખ કરીને નરમ રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન એમ બંને માટે આજે સારો દિવસ છે. આપણે શત્રુતા અને ટકરાવ વિના આવનારી પેઢીઓ માટે સંવાદનું વાતાવરણ સર્જવું જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન ત્રાસવાદની સામે લડવા તમામ પ્રયાસ કરી રહ્યો છે. ત્રાસવાદને નિયંત્રણમાં લેવા કેટલીક હદે સફળતા મેળવી છે. શાંઘાઈ ઓર્ગેનાઇઝેશનની મદદથી એશિયાના આર્થિક વિકાસમાં અને ત્રાસવાદને ઘટાડવામાં મદદ મળશે.
જિનપિંગે મોદીને કહ્યુંઃ ‘દંગલ’ જોઈ, મને બહુ ગમી
વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ હતી. થોડા દિવસ પહેલા ચીનમાં યોજાયેલ એક સમિટનો ભારતે બોયકોટ કર્યો હતો. જે બાદ મોદી-જિનપિંગની પહેલી મુલાકાત હતી.
બંને નેતાઓએ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર તેમજ એનએસજીમાં ભારતનાં સભ્યપદને મુદ્દે ચર્ચા કરી હતી. મોદીએ ચીની પ્રમુખને જણાવ્યું હતું કે બંને દેશોએ એકબીજાની ચિંતાઓને સમજીને યોગ્ય રીતે વિવાદો ઉકેલવાની જરૂર છે. ચીની પ્રમુખે જણાવ્યું હતું કે તેમનો દેશ શાંઘાઈ સંગઠનનાં માળખામાં ભારત સાથે સહયોગ વધારવા માગે છે.
જિનપિંગ મોદીને મળ્યા ત્યારે તેમણે આમીર ખાનની ફિલ્મ ‘દંગલ’ના ભરપેટ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મેં આ ફિલ્મ ચીનમાં જોઇ છે મને બહુ પસંદ આવી. આ ફિલ્મ તાજેતરમાં ચીનમાં રિલીઝ થઇ છે.


comments powered by Disqus