અસ્તાનાઃ એસસીઓનો ઉદ્દેશ સેન્ટ્રલ એશિયાની સુરક્ષા અને પરસ્પર સહયોગ વધારવાનો છે. સંગઠનના આઠ કાયમી સભ્ય દેશોમાં રશિયા અને ચીન બાદ ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. આ સ્થિતિમાં ભારતને ક્ષેત્રમાં આર્થિક, વ્યૂહાત્મક અને આતંકવાદ વિરુદ્ધ મોટો મંચ મળ્યો છે.
ભારત આ પ્લેટફોર્મનો ઉપયોગ પાક.ને એકલું પાડવા કરી શકે છે. તે મંચ પર પાકિસ્તાનના કરતૂતોના પુરાવા આપી શકે છે. સભ્ય દેશો વચ્ચે પુરાવા રજૂ કરાશે તો ચીન પણ પાક.નો પક્ષ લેતાં ખચકાશે.
ભારત જોડાતાં હવે સંગઠનનો વ્યાપ વધી ગયો છે. આતંકવાદ મુદ્દે ચીન અને રશિયા પણ ક્યાંક ને ક્યાંક પીડિત છે. તેથી મુદ્દે ભારતને રશિયાનું સમર્થન લગભગ નક્કી છે. ભારત-રશિયા વચ્ચે સહકાર પણ વધુ મજબૂત બનશે.
• એસસીઓ સાથે ૨પ ટકા વસ્તીઃ ૧૯૯૬માં શાંઘાઇ ફાઇવની રચના થઇ હતી. જેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, અને તાજિકિસ્તાન હતા. આ પછી ૨૦૦૧માં ઉઝબેકિસ્તાન આ સંગઠનમાં જોડાતાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન નામકરણ થયું હતું. વર્ષ ૨૦૦૫માં અસ્તાનામાં ભારત, ઇરાન, મંગોલિયા અને પાકિસ્તાનના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો. ભારતે સભ્યપદ માટે ૨૦૧૪માં અનુરોધ કર્યો હતો. એસસીઓના સભ્ય દેશોની વસતી દુનિયાની વસતીના ૨૫ ટકા અને જીડીપી ૨૦ ટકાની આસપાસ છે. સંગઠન યુએન મહાસભામાં પર્યવેક્ષક પણ છે.
• ચીન-રશિયા છતાં આર્થિક ફાયદોઃ તેના મોટા ભાગના પૂર્ણ સભ્ય દેશો પાસે ઊર્જાના મોટા ભંડાર છે. તેનાથી ભારતને ફાયદો થશે. યજમાન કઝાકિસ્તાન ભારતને યુરેનિયમનું સૌથી મોટું સપ્લાયર છે. ઉપરાંત અહીંના બજારોમાં ભારતનો પ્રવેશ સરળ બની જશે.
• પાકિસ્તાન સાથે હોવા છતાં આતંક મુદ્દે ચર્ચાઃ આતંકવાદ સામે લડવા માટે એસસીઓનું પોતાનું આગવું મિકેનિઝમ છે. સંગઠનનું પોતાનું એન્ટિ-ટેરર ચાર્ટર છે. તેથી ભારત એસસીઓના મંચ પર પાકિસ્તાનની આતંકી નીતિઓને અસરકારક ઢબે મૂકી શકે છે.
• ચીન માટે પાકિસ્તાનનું સમર્થન મુશ્કેલ બનશેઃ ભારત અને પાકિસ્તાન બન્ને તેના સભ્ય છે. તેથી ચીન માટે સભ્ય દેશોની ભાવનાઓને નજરઅંદાજ કરી પાકિસ્તાનનું હિમાયતી બની રહેવું સરળ નહીં હોય જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મુદ્દા ઊઠાવીને પોતાને પ્રાદેશિક તાકાત તરીકે રજૂ કરી શકશે.

