ગાડીમાં સાડી - સામાજિક જાગૃતિ માટે લંડનથી લેસ્ટર સુધીની અનોખી કાર રેલી

Wednesday 14th June 2017 07:08 EDT
 
 

લંડનઃ ભારતના વડાપ્રધાન  શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ખૂબ મહત્ત્વના બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન વિશે લોકજાગૃતિ કેળવવા માટે ગયા રવિવારે લંડનથી લેસ્ટરની અનોખી અને ઐતિહાસિક ‘ગાડીમાં સાડી’ (આ પ્રકારની સૌ પ્રથમ રેલી) કાર રેલી યોજાઈ ગઈ. લાલ સાડી અને પરંપરાગત ભારતીય આભુષણોથી સજ્જ એકસોથી વધુ મહિલાઓએ કાર ડ્રાઈવ કરી હતી. આ રેલીને ભવ્ય સફળતા સાંપડી હતી. રેલીનું નેતૃત્વ ગયા વર્ષે આર્કટિક સર્કલ અને ૩૨ દેશોનો સોલો કાર પ્રવાસ કરીને વિક્રમ સર્જનારા ભારુલતા કાંબલેએ કર્યું હતું. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રેલીના આયોજનમાં શરૂઆતથી અંત સુધી સહાય અપાઈ હતી.

રેલીમાં જોડાયેલી મહિલાઓએ આ અભિયાન, મહિલા સશક્તિકરણ અને કન્યાઓને શિક્ષણની જરૂરિયાતને સમર્થન આપવા બન્ને બાજુએ ૨૦૮ કિ.મી (એક દિવસમાં કુલ ૪૧૬ કિ.મી)નો પ્રવાસ ખેડ્યો હતો.

રેલીનું સંકલન શ્રીમતી આરતી વ્યાસ અને શ્રીમતી સુલેખા દાવડાએ સંભાળ્યું હતું. રેલીમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મહિલા પાંખના વડા શ્રીમતી રેના અમીન, બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશનના ચેરપર્સન તથા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સના સેક્રેટરી મિસ અનિતા રૂપારેલિયા, ગાયનેકોલોજિસ્ટ ડો. અર્પિતા રાય તેમજ ભારતના વિવિધ વિસ્તારોની અન્ય અગ્રણી મહિલાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનને પારસી કોમ્યુનિટીનું સમર્થન આપવા શ્રીમતી ગુલ બિલિમોરિયા અને શ્રીમતી ડોલી કોન્ટ્રાક્ટર કાર રેલીમાં જોડાયા હતા.

મુખ્ય અતિથિ મિસ ડોન બટલર MPની ઉપસ્થિતિમાં કાર રેલીને BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડનથી પ્રસ્થાન કરાવાયું હતું. પ્રસ્થાન અગાઉ યુકેમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારપછી, હરિકૃષ્ણ મહારાજે પૂજાવિધિ કરીને રેલીમાં ભાગ લેનાર સૌને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે લંડન અને લંડનની બહારના વિસ્તારોમાંથી રેલીને સમર્થન આપવા અને રેલીમાં જોડાવા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાસંગિક પ્રવચનમાં કાંબલેએ જણાવ્યું હતું કે બાળ લગ્નોનો અંત લાવવા માટે શિક્ષણ ખૂબ મહત્ત્વનું છે. દરેક કન્યાને જીવવાનો અધિકાર છે અને શિક્ષણનો પણ અધિકાર હોવો જોઈએ. મિસ ડોન બટલર MP એ પણ તેમના વિચારો રજૂ કર્યા હતા અને રેલીમાં ભાગ લઈને ગૌરવના અનુભવની લાગણી વ્યક્ત કરી હતી. અતુલ પાંડે અને તેમની ટીમ Dhol Beat UKએ ઢોલ ત્રાંસા વગાડીને અભિયાનને સમર્થન આપ્યું હતું.

પ્રસ્થાન પછી રેલી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર વેલિંગબરો પહોંચી હતી, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન પછી શ્રીમતી રેના અમીન, શ્રીમતી સુલેખા દાવડા, શ્રીમતી ભાવના દેસાઈ અને મીતા જોશીએ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ તેમજ મહિલા સશક્તિકરણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ત્યાંથી લેસ્ટરના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, જિપ્સી લેન પહોંચેલી કાર રેલીનું લેસ્ટર સિટી કાઉન્સિલના લોર્ડ મેયર રશ્મિકાંત જોશી અને સ્ટીવ વ્હાઈટMBE, મેયરેસ મિસ જોશી, આસિસ્ટન્સ મેયર શ્રીમતી મંજૂલા સૂદ નીતિબેન ઘીવાલા, લેસ્ટર સ્વામિનારાયણ મંદિરના વડા નરેન્દ્રભાઈ વાઘેલા દ્વારા સ્વાગત કરાયું હતું. વકતાઓએ અભિયાન વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. અંતે આરતી વ્યાસના આભાર પ્રવચન સાથે રેલીનું સમાપન થયું હતું.


comments powered by Disqus