તમારા બાળકને ચમચીથી જમાડો છો? તો તેના મેદસ્વી થવાનું જોખમ વધુ

Wednesday 14th June 2017 06:40 EDT
 
 

લંડનઃ એક નવાં પુસ્તકમાં દાવો થયો છે કે જે બાળકોને તેમનાં વાલી ચમચી વડે જમાડતાં હોય તેવાં બાળકો જાતે જ ભોજન કરનારાં બાળક કરતાં વધુ મેદસ્વી બને છે. સ્વાન્સી યુનિવર્સિટીના પ્રોફેસર એમી બ્રાઉનનું કહેવું છે કે જે બાળકોને તેમની જાતે ભોજનસામગ્રી લેવાની તક આપવામાં આવે છે તેઓ વધુ સાહસિક અને તંદુરસ્ત હોય છે.
તેમણે અનુરોધ કર્યો છે કે વાલીઓએ છ મહિનાથી મોટી ઉંમરનાં સંતાનોને ચમચીથી ભોજન કરાવવાથી દૂર રહેવું જોઈએ કેમ કે તે બાળકો જાતે ભોજન લઈ શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. ૩૦૦ જેટલાં બાળકોનાં વજન અને ભોજનની વર્તણૂંક અંગે અભ્યાસ કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે.
પુસ્તકમાં જણાવાયું છે કે જે સંતાનો જાતે ભોજન જમતાં હોય છે તેઓ પેટ ભરાઈ જતાં જાતે જ આરોગવાનું બંધ કરી દેતાં હોવાથી મેદસ્વી થવાની શક્યતા ઓછી રહે છે. જ્યારે વાલીઓ દ્વારા ચમચીથી ભોજન આરોગતાં જરૂરિયાત કરતાં વધુ ભોજન કરી લે તેવી શક્યતા વધી જાય છે. તેઓ કહે છે કે બાળક જેટલાં ઓછાં પ્રમાણમાં ભોજન લે તેટલી તંદુરસ્તી સારી રહે છે.
બાળકો જે વાસણમાં ભોજન કરતાં હોય છે તેનું કદ બાળકની જરૂરિયાત કરતાં વધુ હોય છે. તમે બાળકને ભોજન કરવાનો આગ્રહ કરતાં હો તો પણ તેઓ મોઢું બંધ રાખતાં હોય તો પછી જમવાડવાનો આગ્રહ ના જ રાખો. તમારું બાળક ભૂખે નહીં જ મરે, પરંતુ બાળક મોઢું ના ખોલતું હોય તો પણ જમાડવાનો આગ્રહ તેમને મેદસ્વી જરૂરથી બનાવી દેશે.


comments powered by Disqus