પેરિસઃ ક્લે કોર્ટના કિંગ સ્પેનના રફેલ નડાલે ફરી તેની બાદશાહત પુરવાર કરી છે. રવિવારે રમાયેલી ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ૨૦૧૫ના ટાઇટલ-વિજેતા સ્વિટ્ઝરલેન્ડના સ્ટેન વાવરિન્કાને બે કલાક અને સાત મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૬-૨, ૬-૩, ૬-૧થી હરાવીને વિક્રમજનક ૧૦મી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું હતું. નડાલ આ પહેલાં ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૪માં ચેમ્પિયન બની ચૂક્યો છે. તે આ વખતની ટૂર્નામેન્ટમાં એકેય સેટ ગુમાવ્યા વગર ચેમ્પિયન બન્યો છે. આ પહેલા તેણે ૨૦૦૮ અને ૨૦૧૦માં આવી સિદ્ધિ મેળવી હતી.
હાલેપને હરાવી ઓસ્ટાપેન્કો વિજેતા
લેટિવિયાની ૨૦ વર્ષીય ‘વન્ડર ગર્લ’ યેલેના ઓસ્ટાપેન્કોએ રોમાનિયાની સિમોના હાલેપને ૪-૬, ૬-૪, ૬-૩થી હરાવી ફ્રેન્ચ ઓપનની મહિલા સિંગલ્સ ચેમ્પિયનશીપ જીતી હતી. આ સાથે જ તે ૧૯૯૭માં બ્રાઝિલના ગુસ્તાવો કુએર્ટન બાદ ચેમ્પિયનશીપ બનનારી પ્રથમ ‘અનસિડેડ’ ખેલાડી બની છે.

