વડીલો સહિત સહુ વાચક મિત્રો, તંત્રીમંડળનો આદેશ તો ખુદ તંત્રીને જ માથે ચઢાવવો પડે. આ છે આપના ‘ગુજરાત સમાચાર’ તેમજ ‘એશિયન વોઇસ’નો એક શિરસ્તો. સુજ્ઞ વાચકોની સેવામાં કેવું, કયું, કેટલું પીરસવું, તેની માત્રા શું હોય? તેની ગુણવત્તા કેવી હોવી જોઇએ?... આ અને આવી બધી બાબતો લંડન અને અમદાવાદ ઓફિસના તંત્રીમંડળના સભ્યો વિચારણાપૂર્વક નક્કી કરતા હોય છે. વાચકો સમક્ષ વાચનસામગ્રીનો જે રસથાળ સાદર કરીએ છીએ તેમાં બે-ચાર-પાંચ વાનગીઓ જ ખડકી ન દેવાય એવું સૂચન મારા જૂના અને નવા સક્ષમ સાથીદારો આગ્રહપૂર્વક કરતા હોય છે. એક વખત આપણા મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે બહુ સરસ વાત કરી. તેમના જ શબ્દોમાં વાત કરું તો...
આપણા દેશમાં એક સમયે લક્કડફોડ (લાકડા ફાડનારા) સમયાંતરે ઘરે આવતા રહેતા. આ લાકડાફાડુઓને બપોરનું જે ભોજન અપાતું તેમાં મોટા જથ્થામાં ખીચડી અને ઘણીબઘી ડુંગળી હોય. બહુ સારા ઘરનાં વૃદ્ધાં કે વડીલ વહુ ક્યારેક વળી શાક પણ પીરસે. હવે તો આવી પાયાની સેવા કરનાર કર્મચારી કે નોકરને પણ વધુ વ્યવસ્થિત ભોજન પીરસાતું હોય તો તે જમાનામાં સુજ્ઞ વાચકો પ્રત્યે આપણી જવાબદારી સવિશેષ હોઈ આપણા વાંચનમાં પણ વિવિધતા હોવી જોઈએ. કોકિલાબહેને ઉમેર્યું કે ‘ભારત બહારના કોઇ પણ ગુજરાતી પ્રકાશનની સરખામણીએ આપણા ‘ગુજરાત સમાચાર’માં અઢળક વાચનસામગ્રી પીરસાય છે. એટલું જ નહીં, પરંતુ હું જે કોઇ સમારંભ, મીટીંગોમાં જાઉં છું ત્યાં જે વાચકો, ગ્રાહકો મળે છે, તેમની જ્ઞાનપિપાસા, જાગૃતતા, પ્રસન્નતા જોતાં આપણે તેમની સમક્ષ જે કંઇ વાંચનસામગ્રી મૂકીએ તેમાં સતત વધુને વધુ સર્વાંગ સંતુલન હોવું જ જોઇએ.
આ જ કારણસર, છેલ્લા બે સપ્તાહ દરમિયાન દેશવિદેશના સમાચારોને વધુ વિગતવાર રજૂ કરવા આવશ્યક હોવાથી ‘જીવંત પંથ’ કતાર પ્રસિદ્ધ થઇ શકી નહોતી. આ માટે દિલગીર તો છું જ, પણ શું થાય?
કોકિલાબહેન છેલ્લા ૩૪ વર્ષથી એબીપીએલ ગ્રૂપ સાથે જોડાયેલાં છે તો કમલભાઇ પૂરા ૨૭ વર્ષથી સંપૂર્ણપણે પત્રકારત્વને વરેલા છે. અગાઉ પંદરેક વર્ષ સુરતથી પ્રકાશિત થતાં ‘ગુજરાત મિત્ર’માં પત્રકાર તરીકે સેવા આપ્યા બાદ ૧૨ વર્ષથી તેઓ ‘ગુજરાત સમાચાર’માં ન્યૂસ એડિટર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત એશિયન વોઇસમાં છેલ્લા ૧૦ વર્ષથી સેવા આપતા એસોસિએટ એડિટર રૂપાંજના દત્તા અને ૨૦ વર્ષ કરતા વધુ સમયથી સેવા આપતા ડેપ્યુટી એડિટર ઉર્જા પટેલ સહિત તેઓ લંડનના પત્રકાર સાથીદારો તેમજ અમદાવાદના બ્યૂરો ચીફ
શ્રી નીલેશ પરમાર તથા અન્ય સાથીદારો અચ્યુત સંઘવી, જિતેન્દ્ર ઉમતિયા, ખુશાલી દવે, કે. કે. જોસેફ, મિતુલ પનીકર વગેરે બધા સાથે નિયમિત વિચારવિનિમય કરીને વાંચનસામગ્રીનું આયોજન થાય છે. નીલેશભાઇએ એક સરસ વાત કરી. તેમનું કહેવું છે કે વાચકોને પીરસાતી વાંચનસામગ્રીમાં ક્વોન્ટીટીની સાથે સાથે ક્વોલિટીની માત્રા જાળવવા આપણે સૌ સમર્પિત છીએ. જો આપણી નીતિ, મતિ, ગતિ સારી હશે તો આપણો સમાજ અવશ્ય ઊંચે જઇ પહોંચશે.
માનવંતા વાચક મિત્રો, વીતેલા બે સપ્તાહમાં રાજકારણ, આરોગ્ય, પરિવાર, નિવૃત્તિ અને આહારવિહાર જેવા કેટલાય વિષયો વિશે વાંચ્યું, વિચાર્યું, મંથન કર્યું. આ બધું આપ સમક્ષ રજૂ કરવા વિચારું છું. આગળ વધતાં પહેલાં એક પાયાની વાત કરીએ આહારવિહારની. બ્રિટનમાં આજકાલ વસંત પૂરબહારમાં ખીલી છે. લીલાછમ અને કૂણાં કૂણાં વૃક્ષો કેવા સુંદર લહેરાય રહ્યા છે. શક્ય હોય તો આ દિવસોમાં થોડાંક ઘરની બહાર નીકળો, પગ છૂટાં થશે અને મન પણ મોકળું થશે. ફેફસાંમાં ઓક્સિજન ભરાશે તો તન-મનમાં ચેતનાનો સંચાર થશે. શક્ય હોય તો ટ્રાફિકથી થોડાંક દૂર વોક લેવા જાવ. સૂર્યના કોમળ કિરણોની મજા માણો. આપણો બહુમતી સમાજ શાકાહારી હોવાથી તડકામાંથી મળતું વિટામિન ડી આપણા સહુ માટે બહુ ઉપયોગી છે. તે આપણાં હાડકાં મજબૂત બનાવે છે. આહારવિહારના આ મુદ્દે આગામી અંકોમાં વધુ વિગતવાર વાતો કરીશું. આજે તો આપણે બ્રિટનના નાજુક રાજકારણ ઉપર જરાક ધ્યાન કેન્દ્રિત કરીએ.
યુનાઇટેડ કિંગ્ડમમાં જીવંત લોકશાહી છે. નાનકડો દેશ. કુદરતી સંપદા પ્રમાણમાં ભલે મર્યાદિત હોય, પરંતુ પ્રજાજનો બુદ્ધિકૌશલ્ય, મૂલ્યો, પરંપરા, વહીવટી કુશળતામાં માહેર છે. અહીંના વહીવટી તંત્રની આવડત જ આપણા જીવન તંત્રને ધબકતું રાખે છેને? તંત્રમાંથી યંત્ર પ્રાપ્ત થયું... જો જો બાપલ્યા, હું ધર્મસ્થાનો કે ઘરમંદિરમાં જોવા મળતાં યંત્રની વાત નથી કરતો, એ તો શ્રદ્ધાનો વિષય છે. તેના વિશે અહીં ચર્ચાનો મારો ઉદ્દેશ નથી. ઘણા લોકો મનોકામના સાકાર થાય તે માટે (પૂજાપાના) યંત્ર સમક્ષ બાધા-આખડી પણ રાખે છે, પરંતુ આપ સહુ તો જાણો જ છો કે હું તો કર્મયોગી છું. ધર્મસ્થાનમાં કોઇ દેવીદેવતાનું યંત્ર હોય તો શ્રદ્ધાથી માથું અવશ્ય ઝૂકી જાય, પણ તેથી વિશેષ કંઇ નહીં. મને તો પરમાત્મામાં અસીમ શ્રદ્ધા છે, હું તો મન-કર્મ-વચનમાં આસ્થા ધરાવનારો માણસ છું.
ખેર, આપણે મૂળ વાત પર પાછા ફરીએ... બ્રિટનનું અર્થતંત્ર છેલ્લા કેટલાક વર્ષથી વધુ વ્યવસ્થિત બન્યું હતું તેમ કહી શકાય. મેં અહીં ‘હતું’ શબ્દ સહેતુક વાપર્યો છે, અને તેનો ખુલાસો આપને આગળ વાંચન દરમિયાન મળી જશે તેવી મને આશા છે.
વ્યક્તિ, પરિવાર અને વ્યાવસાયિક પેઢીની જેમ સરકાર પણ તેની પ્રાથમિક ફરજો (જાનમાલની સુરક્ષા, કાયદો-વ્યવસ્થાનું પાલન, સમાજ કલ્યાણની યોજનાઓ વગેરે) પાછળ થનારા ખર્ચને પહોંચી વળવા માટે કરવેરા દ્વારા દ્રવ્યઉપાર્જન કરતી હોય છે. આમાં આવક અને જાવકનો પલડાં સરખાં રાખવાની બાબત મુખ્ય ગણાય છે. જોકે આ સિવાય પણ સરકાર - પછી તે બ્રિટનની હોય કે ભારતની - ભાવિ પેઢીની જરૂરતને ધ્યાનમાં રાખીને ખાસ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ આયોજન નક્કર રીતે સંપન્ન થાય તે માટે મબલખ ખર્ચ કરતી હોય છે. આરોગ્યસેવા, આધુનિક વાહનવ્યવહાર, કૌશલ્યપ્રાપ્ત માનવશક્તિ તૈયાર કરવા માટે શિક્ષણ વ્યવસ્થા, સુચારુ ટ્રાન્સપોર્ટ સેવા માટે માર્ગ, બંદર અને પુલોનું નિર્માણ, વીજળી-પાણી-ટેલિફોન જેવી જીવનજરૂરી સેવાઓ અવિરત મળતી રહે તે માટે પણ જંગી ખર્ચ કરવો પડતો હોય છે.
આ વિપુલ ખર્ચ કરવાની સાથોસાથ દરેક દેશ તેના આવક-જાવકના આંકડાઓ પર પણ ચાંપતી નજર રાખતો હોય છે. વિકાસ યોજનાઓ પાર પાડવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) કે વર્લ્ડ બેન્ક જેવા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાનો પાસેથી લોન પેટે આર્થિક સહાય પણ મેળવવામાં આવતી હોય છે. આ સંદર્ભે જોઇએ તો બજેટ પ્લાનિંગમાં ખાધ (ડેફિસિટ)નું પ્રમાણ અમુક અંશે સ્વીકાર્ય ગણી શકાય.
વાચક મિત્રો, આપને જાણીને નવાઇ લાગશે કે છેલ્લા ૨૦૦ વર્ષથી બ્રિટનનું સરકારી કરજ વધતું રહ્યું છે. બાપલ્યા, આ વાંચીને વ્યાધિ નહીં કરતાં... આર્થિક નિષ્ણાતો કહે છે કે Borrwoing is not bankruptcy નાણાં ઉછીનાં મેળવવા એ નાદારી નથી. હા, કરજ લેતી વખતે એ વિચારવું રહ્યું કે કેટલો આર્થિક બોજ ઉઠાવી શકાય તેમ છે. ગધેડી જેટલો બોજ ઉઠાવી શકતી હોય તેટલો જ બોજ તેના પર લદાયને?
આ વાત અહીં એટલા માટે ટાંકી છે કે છેલ્લા ૩૮-૪૦ વર્ષમાં બ્રિટનમાં જે રાજકીય ઉથલપાથલો થઇ છે તેની આછેરી ઝલક આપ સહુની સમક્ષ રજૂ કરવી છે. ૧૯૯૭માં ટોની બ્લેરના નેતૃત્વમાં લેબર પક્ષની સરકારે જંગી બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. તે અગાઉ લગભગ ૧૮ વર્ષ સુધી કન્ઝર્વેટિવ સરકાર દેશનું સુકાન સંભાળતી હતી. ૧૯૭૯માં બ્રિટન યુરોપનું બીમાર રાષ્ટ્ર ગણાતું હતું. અર્થતંત્ર સાવ ખાડે ગયું હતું એમ કહો તો પણ ચાલે.
જોકે માર્ગરેટ થેચરે સુકાન સંભાળતાં જ આળસ-સુસ્તી, નકારાત્મક માનસિક્તા કે નિરાશાવાદી વલણના અભિગમને સદંતર ખંખેરીને અર્થતંત્રના સઢમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. દેશમાં ખાનગીકરણની લહેર ચાલી. જોહુકમી કરીને ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદનપ્રક્રિયા ખોરવી નાખતા માથાભારે મજૂર મહાજનો પર લગામ કસી. અમુક નિયંત્રણો લાદયા. તો એક્સચેન્જ કન્ટ્રોલ સમૂળગા નાબૂદ કર્યા. તેમના આ ક્રાંતિકારી આર્થિક પગલાંની દુનિયાભરના મૂડીરોકાણકારોએ નોંધ લીધી. વિદેશી મૂડીરોકાણકારો નાણાંની કોથળી લઇને નહીં, કોથળાં લઇને બ્રિટન આવી પહોંચ્યા. વિવિધ ક્ષેત્રે અઢળક રોકાણ કર્યું. લેબર પક્ષ સામાન્યતઃ સમાજના અછતવાળા પ્રત્યે વધુ કૂણા અભિગમ માટે જાણીતો છે, વંચિતોને વધુ લાભ આપવાની તેની નીતિ રહી છે. જોકે અહીં તેણે
વૈશ્વિક મૂડીરોકાણકારો માટે ઉદારવાદી વલણ અપનાવ્યું હતું.
બાય ધ વે... એક આડ વાત કરી લઉં. સન ૧૯૦૦માં લેબર પાર્ટીની સ્થાપના થઇ તેમાં એક ગરવો ગુજરાતી, આપણો કચ્છી માડું પણ હતો? યાદ કરો જોઉં તેમનું નામ શું? આ કચ્છી એટલે શ્યામજી કૃષ્ણવર્મા. તેઓ નોર્થ લંડનના હાઇગેટ વિસ્તારમાં રહેતા અને તેમના ભવ્ય રહેઠાણનું નામ હતું ‘ઇંડિયા હાઉસ’. લેબર પાર્ટીની સ્થાપના વેળા એ જમાનામાં તેમણે પક્ષના ભંડોળમાં ૧૦૦૦ પાઉન્ડનો આર્થિક સહયોગ આપ્યો હતો. ખેર, આપણે પાછા ફરીએ...
મેડમ થેચરના નેતૃત્વમાં ટોરી સરકારની ગાડી પૂરપાટ દોડવા લાગી હતી, પરંતુ કાર હોય કે સરકાર તેને કાયમ ટોપ ગિયરમાં દોડાવવાનું શક્ય નથી ખરુંને? અડચણ - અવરોધ આવે, આવે ને આવે જ. પક્ષમાં બળવો થયો. મિસિસ થેચરને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી. ૧૯૯૧માં જ્યારે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાંથી મેડમ થેચર પતિ સેસીલ થેચર સાથે ભવ્ય લિમોઝીનમાં બેસીને વિદાય લઇ રહ્યા હતા ત્યારે તેમની આંખમાં એક આંસુ ઝળકી ગયું હતું. આંખમાંથી સરી પડેલું આ આંસુ કેમેરામાં કેદ થઇ ગયું હતું. દુનિયાભરના અખબારોમાં આ તસવીર પ્રસિદ્ધ થઇ હતી. મિસિસ થેચરની આંખમાંથી ટપકી પડેલો અફસોસ વાજબી પણ હતો. કદાચ તેમના મનમાં એવી લાગણી હશે કે જે દેશને આર્થિક ઉન્નતિના શીખરે પહોંચાડવા મેં લોહીપાણી એક કર્યા તે જ દેશમાં મને સત્તા પરથી આવી વિદાય?! આથી જ તે સમયે એક ઉક્તિ બહુ જાણીતી બની હતી કે Every political carrier ends in tears. દરેક રાજકીય કારકીર્દિનો અંત આંસુ સાથે જ આવતો હોય છે.
થેચર ગયા અને જ્હોન મેજર વડા પ્રધાન બન્યા. જોકે ધીરે ધીરે ટોરી પક્ષની લોકપ્રિયતાના ફુગ્ગામાંથી હવા નીકળી રહી હતી. બીજી તરફ, એક જમાનાના સાવ જ કંગાળ એવા લેબર પક્ષમાં ટોની બ્લેરના નેતૃત્વે ચેતનાનો સંચાર કર્યો. આ સમય હતો ૧૯૯૭નો. (મરણપથારીએ પડેલી સદીપુરાણી કોંગ્રેસને પુનઃ સક્રિય કરવા રાહુલબાબાએ આમાંથી ધડો લેવા જેવો ખરો!) લેબર પાર્ટીએ પ્રજાને વાસ્તવિક્તાથી વાકેફ કરવા સમાચારપત્રો, ટીવી પર પ્રચાર-જાહેરખબરોનો મારો ચલાવ્યો. આમાં ‘ગુજરાત સમાચાર’, ‘ન્યૂ લાઇફ’ (આજના ‘એશિયન વોઇસ’નું પૂરોગામી) અને સી. બી. પટેલના નામ અને ફોટોગ્રાફ્નો ભરપૂર ઉપયોગ થયો. જોકે આમાં મને પણ કોઇ વાંધો નહોતો કેમ કે તેઓ રાષ્ટ્રહિતમાં આ બધું કરી રહ્યા હતા. દેશહિતમાં આપણો, આપણા વિચારનો કે આપણી રજૂઆતનો ઉપયોગ થતો હોય તો બીજી બધી વાતો ગૌણ છે એવું હું માનું છું. મને તો હંમેશા વ્યાપક જનહિતમાં જ રસ રહ્યો છે. ટોની બ્લેરની ગાડી પૂરપાટ દોડી. તેમની સરકારે લાગલગાટ ૧૦ વર્ષરાજ કર્યું. જોકે તેમને પણ થાક વર્તાઇ રહ્યો હતો.
બ્લેર સરકારમાં ગોર્ડન બ્રાઉન ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા. તેઓ બ્લેરના અનુગામી બન્યા. વડા પ્રધાન પદ સંભાળ્યું. બ્રાઉને નાણાં પ્રધાન તરીકે દસેક વર્ષના કાર્યકાળમાં દેશની તિજોરીને બરાબર અંકુશમાં રાખી હતી. પરંતુ તેમણે દેશનું સુકાન સંભાળતા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી. બ્રાઉને દેશની તિજોરીના નાણાં તો વાપર્યા જ, લોન લઇને જંગી દેવું પણ કર્યું. સરકારી તિજોરી પર અસહ્ય આર્થિક ભારણ વધી ગયું. આર્થિક સમતુલા ખોરવાઇ ગઇ. લોકો ભલે કહેતા હોય કે ઓછું ભણેલાં (નિર્ણયો લેવામાં) જોખમી હોય છે, પરંતુ હું તો કહીશ કે ઓછું ભણેલાં નહીં, વધુ ભણેલાં વધુ જોખમી હોય છે. આ લોકોને પોતાની આવડત પર એવું ગુમાન હોય છે કે તેમને પોતાની જ ભૂલ - નજર સમક્ષ હોય છે તો પણ - જોઇ શકતાં નથી. બ્રાઉન સાથે પણ આવું જ કંઈક થયું હતું. દેશની તિજોરી પર બોજ વધી રહ્યો હોવાની વાત તેમની નજરે ચઢી જ નહીં. જે વ્યક્તિએ નાણાં પ્રધાન તરીકે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું હતું, દેશના અર્થતંત્રને સાંગોપાંગ રાખ્યું હતું તે જ વ્યક્તિએ વડા પ્રધાન બનીને દેશના અર્થતંત્રના ફનાફાતિયા કરી નાખ્યાં.
ટોરી પક્ષે બ્રાઉનની આ ભૂલનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને લેબર સરકારને લોકનજરમાં ભારે બદનામ કરી. તેઓ પ્રજાના ગળે એ વાત ઉતારી શક્યા કે દેશના ખાડે ગયેલા અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચઢાવવા માટે ટોરી નેતૃત્ત્વ જ એકમાત્ર વિકલ્પ છે. ૨૦૧૦માં ડેવિડ કેમરન સરકારની આગેવાનીમાં ફરી ટોરી પક્ષની સરકારની રચના થઇ.
ચૂંટણી પરિણામોમાં કન્ઝર્વેટિવ પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે જરૂર ઉભર્યો હતો, પરંતુ લોકોએ તેને સ્પષ્ટ બહુમતી નહોતી આપી. આથી સરકાર રચવા તેને લિબ-ડેમનો સાથ મેળવવો પડ્યો. મોરચા સરકાર રચાઇ. કેમરન વડા પ્રધાન અને નીક ક્લેગ નાયબ વડા પ્રધાન. ક્યારેક ક્યારેક એવું પણ થતું રહ્યું કે એક તાણે સીમ ભણી તો બીજો તાણે ગામ ભણી. પરંતુ ગમેતેમ કરીને પાંચ વર્ષ નીકળી ગયા. (આખરે તો આમાં બન્નેનો સ્વાર્થ હતો - એક પણ પક્ષ આઘોપાછો થાય તો સરકારનું પતન નિશ્ચિત હતું, અને બન્નેમાંથી કોઇ પક્ષ સ્વાભાવિકપણે જ આવું ઇચ્છતો નહોતો.)
જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો ગયો તેમ તેમ મતભેદો વધતા ગયા. સ્વાર્થના સંબંધ પુરાં થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું. પક્ષના આગવા મૂલ્યો, પક્ષની આગવી પરંપરા, પક્ષની આગવી વિચારસરણીના ઓઠાં તળે સામસામી નિવેદનબાજી શરૂ થઇ. સાથે મળીને સત્તા સંભાળનારા પક્ષોએ કોઠી ધોઇને કાદવ કાઢવાનું શરૂ કર્યું. ફરી ચૂંટણી આવી. ખીચડી સરકારની રાજકીય હુંસાતુંસી જોઇને ત્રાસેલી પ્રજાએ ટોરી પક્ષને પૂર્ણ બહુમતી સાથે વિજયી બનાવ્યો. પાતળી સરસાઇ સાથે ટોરી પાર્ટીએ એકલા હાથે સત્તાના સૂત્રો સંભાળ્યા.
જોકે સત્તા પાછળની દોડ દરમિયાન કેમરનથી ચૂંટણી પ્રચાર વેળા એક વચન બાબતે જીભ કચરાઇ ગઇ હતી. તે સમયે તેમને કલ્પના પણ નહીં હોય આ જ ચૂંટણી વચન તેમના ગળામાં હાડકું બનીને અટકી જશે, અને તેમની સરકારના પતનનું નીમિત્ત બનશે. કેમરને ચૂંટણી ઢંઢેરામાં અકારણ-સકારણ એવું વચન આપ્યું હતું કે જો તેમના પક્ષની સરકાર રચાશે તો તેઓ યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહીં તે મુદ્દે રેફરન્ડમ કરાવશે. જનમત લેશે અને તેના આધારે તેમની સરકાર નિર્ણય કરશે.
આ બલા પકડ ગલા જેવું કંઈક!
કેમરને આ વચન આપીને ભારે મોટો દાવ ખેલ્યો હતો. આનું કારણ એવું હતું કે ૨૦૧૩-૧૪ દરમિયાન પોતાના જ પક્ષમાં સાંસદોનું એક એવું જૂથ મજબૂત થઇ રહ્યું હતું જેઓ ઇચ્છતા હતા કે બ્રિટને યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવો જોઇએ. આવા ૩૦-૩૫ સાંસદોનું જૂથ થોડા થોડા સમયે પોતાના જ પક્ષની - ૩૫૦ સંસદ સભ્યોની - સરકારને હચમચાવતા રહેતા હતા. કેમરન આ યુરોસ્કેપ્ટિસ સાંસદોને પોતાના વિચારો સમજાવવામાં નિષ્ફળ રહ્યા. પરિણામે ૨૦૧૫ના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું.
કેમરને ૩૦-૩૫ સાંસદોની નાગચૂડમાંથી છટકવા માટે આ રસ્તો તો અપનાવ્યો, પરંતુ તેમને ખબર નહોતી આ ઉકેલ તેમના ગળે ઘંટ બાંધી રહ્યો છે. ૨૦૧૫માં કેમરન સરકારની રચના થઇ. તેમણે ચૂંટણી ઢંઢેરા અનુસાર જાહેરાત કરી કે બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઇએ કે નહીં તે મુદ્દે ૨૦૧૬માં જનમત લેવામાં આવશે. આપણે સહુ જાણીએ છીએ તેમ કેમરનની ધારણાથી વિપરિત ‘બ્રેક્ઝિટ’ની તરફેણમાં જનમત આવ્યો. સહેજ બહુમતથી બ્રિટિશ પ્રજાએ યુરોપિયન યુનિયનમાંથી છેડો ફાડવાની તરફેણમાં મતદાન કર્યું.
સમગ્ર પ્રકરણમાં સૌથી ભૂંડી બાબત તો એ હતી કે ‘બ્રેક્ઝિટ’ની તરફેણમાં જનમત ઉભો કરવામાં મુખ્ય બંને પક્ષોના કેટલાક અગ્રણીઓએ તથ્યહીન બાબતોના આધારે પ્રજાને ગેરમાર્ગે દોરી હતી. એક જ મુદ્દાની વાત કરું તો, આ લોકોએ ગાઇવગાડીને એવો પ્રચાર કર્યો હતો કે યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવાથી બ્રિટનના પ્રતિ સપ્તાહે ૩૫૦ મિલિયન પાઉન્ડની બચત થશે, આ નાણાંના ઉપયોગથી હેલ્થ સર્વીસને ધરમૂળથી સુધારી શકાય તેમ છે. લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી શકે તેમ છે. વાચક મિત્રો, ખરેખર તો આ હળાહળ જૂઠ હતું. પરંતુ મતદારો ભ્રમિત થયા. યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણ કરી રહેલી કેમરન સરકારનો જનમતમાં કારમો પરાજય થયો.
જનમતનું પરિણામ જાહેર થયાના ગણતરીના કલાકોમાં ડેવિડ કેમરને વડા પ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું. જરા યાદ કરો, Every political carrier... થોડાંક દિવસોમાં થેરેસા મેએ દેશનું વડા પ્રધાન પદ સંભાળ્યું. ‘આયર્ન લેડી’ થેચર પછી દેશનું સુકાન સંભાળનાર તેઓ બીજા મહિલા વડા પ્રધાન હતા. લોકોની અપેક્ષા પણ એવી હતી કે તેઓ દેશને થેચર જેવું સુદૃઢ નેતૃત્વ પૂરું પાડશે. પ્રજાજનોની આ અપેક્ષા ગેરવાજબી પણ નહોતી. થેરેસા મેએ હોમ સેક્રેટરી તરીકે છ - છ વર્ષ સુધી કડક કાર્યપદ્ધતિ થકી તેમણે આગવી ઇમેજ ઉભી કરી હતી. તેમણે જાહેરાત કરી કે અમે ‘બ્રેક્ઝિટ’ અમલમાં મૂકશું, પણ અમારી શરતે.
ભાઇઓ-બહેનો, જીવનમાં ક્યારેક છૂટાછેડા લેવાની કમનસીબ પળ આવી જાય ત્યારે બન્ને પક્ષ સમાધાનકારી વલણ અપનાવે તો જ સત્વશીલ પરિણામ આવી શકે. પરંતુ જો બેમાંથી એક પણ પક્ષ જીદે ચઢે અને ભલે મરું, પણ તને તો રંડાવું તેવો અભિગમ અપનાવે તો વાત ટલ્લે ચઢી જાય. વાચક મિત્રો, બ્રિટનની સ્થિતિ આજે આવી જ નાજુક છે.
હવે થેરેસા સરકાર ટકશે કે જશે તે મુદ્દે ગંભીર કટોકટી સર્જાઇ છે. થેરેસા મેનું તો જે થવાનું હોય તે થાય, પણ મુખ્ય પ્રશ્ન રાષ્ટ્ર હિતનો છે. દરેક બ્રિટનવાસીના મનમાં એ કૂટ પ્રશ્ન ઘોળાઇ રહ્યો છે કે આગામી દિવસોમાં આર્થિક, સામાજિક સ્થિતિ કેવો આકાર લેશે? કેવો માહોલ સર્જાશે? રાજકીય અસ્થિરતાના પગલે પગલે પાઉન્ડનું મૂલ્ય ઘટી રહ્યું છે. યુરોપિયન યુનિયન સહિત યુરોપના અન્ય દેશોના વેપારમાં અવરોધ જોઇ શકાય છે. સામાજિક સમરસતાના બદલે છતવાળા અને અછતવાળાઓ વચ્ચેની ખાઇ વધી રહી છે. દેશના વિકાસ આડે ઉભી થયેલી આ અડચણોમાંથી રસ્તો કેમ કાઢવો?
વિચાર - વાણી - વર્તનને ભૂત - ભવિષ્ય - વર્તમાન કાળના પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે તો નેતૃત્વની ગુણવત્તાનું માપ નીકળે. બ્રિટન માટે, આપણા સહુ કોઇ માટે ગંભીર પ્રશ્નો હોવા છતાં સ્વીકારવું જ રહ્યું કે આ કોહ્યું ઘી દીવેલથી તો નહીં જ જાય.
આ તબક્કે મને ભારતની યાદ આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર કરવટ બદલી રહ્યું છે. વિરોધ પક્ષ વિરોધ કરવા ખાતર જે ફૂંફાડા મારી રહ્યો છે તેનું મારે મન તો ખાસ મહત્ત્વ જ નથી. આ માહોલ વચ્ચે વિશ્વભરમાં મોખરાનું સ્થાન ગણાવતી અમેરિકાની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેનલીએ સ્પષ્ટ જણાવ્યું છે કે એક વર્ષમાં - જૂન ૨૦૧૮માં ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪,૦૦૦ના આંકે જઇ પહોંચશે. ભારત નવ ટકાનો વિકાસદર હાંસલ કરશે. નરેન્દ્ર મોદીએ ત્રણ-ત્રણ વર્ષના કાર્યકાળમાં સોંપો લીધા વગર પરિશ્રમ કર્યો છે તેનું પરિણામ હવે જોવા મળશે. સાદા શબ્દોમાં કહું તો હવે અચ્છે દિન જરૂર આવી રહ્યા છે. ઊંચી મતિ, ઊંચી ગતિ, ઊંચા વિચારો જ્યાં હશે.
આપણે અત્યારે ભલે વાત ભારતની વિકાસકૂચની, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વની કરી, પરંતુ બ્રિટનના પ્રવર્તમાન રાજકીય સિનારિયો વિશે વધુ વાંચો આવતા સપ્તાહે... (ક્રમશઃ)

