લંડનઃ ઓક્સફર્ડશાયરમાં આવેલા બ્લેનહેઇમ પેલેસમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય લગ્નસમારંભમાં ઉદ્યોગપતિ, ઇન્વેસ્ટર અને સિનેમેટોગ્રાફર ફોલારીને તેની ઇરાનીયન ગર્લફ્રેન્ડ નઝાનિન જફારિઅન ઘાઇસ્સારીફા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ લગ્ન સમારંભ સ્થળને ૧૦ લાખ ગુલાબથી સજાવાયું હતું. ગુલાબની થીમ પર જ અહીં ૧૨ ફૂટ ઊંચી કેક તૈયાર કરાઇ હતી. એટલું જ નહીં, સમારંભમાં ટોચના ગિટારિસ્ટ રોબિન થીકનું સરપ્રાઇઝ પરફોર્મન્સ પણ રજૂ કરાયું હતું. ફોલારીનના આ બીજા લગ્ન છે. એક સંતાનના પિતા ફોલારીનની પ્રથમ પત્ની કેન્સરના કારણે મૃત્યુ પામી હતી. આ ભવ્ય લગ્ન પાછળ અંદાજે ૫ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયો હોવાનું મનાય છે.
સૌથી ધનવાન અશ્વેત મહિલાનો પુત્ર
ફોલારીન નાઇજિરિયાની ઓઇલ ટાઈકૂન અને વિશ્વની સૌથી ધનવાન અશ્વેત મહિલા ફોલોરન્શો અલાકિજાનો પુત્ર છે. ૨.૧ બિલિયન ડોલરની મિલકત ધરાવતી ફોલોરન્શોએ ૨૦૧૪માં ઓપ્રા વિન્ફ્રેને પાછળ રાખીને વિશ્વની સૌથી ધનવાન અશ્વેત મહિલા તરીકેનું બિરુદ મેળવ્યું હતું.

