લોકોને મૂંઝવતો સવાલઃ મૃત્યુ પછી મારા સોશિયલ મીડિયા એકાઉન્ટનું શું થશે?

Saturday 17th June 2017 06:45 EDT
 
 

આપ મુઆ ફિર ડૂબ ગઇ દુનિયા ભલે કહેવાતું હોય પણ મૃત્યુ પછી મારી સંપત્તિનું શું થશે? મારા રૂપિયાનું શું થશે કે મારા બેન્ક એકાઉન્ટનું શું થશે એવી ચિંતા અત્યાર સુધી લોકોને હતી. હવે તેમાં એક ઉમેરો થયો છે - મારા સોશિયલ મીડિયા એકાઉન્ટનું શું થશે? વાત સાચી, તમે મૃત્યુ પામો પછી તમારા ફેસબુક, ટ્વિટર, જીમેલ કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનું શું થશે? એકાઉન્ટ કોણ ઓપરેટ કરશે? કેટલી ચિંતા વધી જાય એમ છે! તમારે નક્કી કરી નાખવું કે તમારા સોશિયલ મીડિયાનું શું કરવું છે? નહીંતર વારસદારો એ એકાઉન્ટ ચાલુ રાખશે તો તમારો ભૂતકાળ પણ તેમની સમક્ષ ખુલ્લો પડી શકે છે. કદાચ, આ કારણથી લોકોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની ચિંતા થતી હશે કે મારા વિના તેનું શું થઇ શકે? તમારે શું કરવું જોઇએ ?
જીમેલ
જીમેલમાં ઇનએક્ટિવ એકાઉન્ટ મેનેજરનું ફીચર શરૂ કરાયું છે. એમાં એક સમયની મુદત જણાવવાની હોય છે. એ મુદત પૂરી થવાની હોય તેના મહિના પહેલાં જીમેલ તમને ઇ-મેલ એલર્ટ કે ટેક્સ મેસેજ મોકલશે. જો એ બાદ તમે તમારા એકાઉન્ટને એન્ટર નહીં કરો તો ગૂગલ તમારા વિશ્વાસુ સંપર્કને નોટિફાય કરીને તમારો તમામ ડેટા તેને ટ્રાન્સફર કરી દેશે! જોકે એ માટે તમારે તમારા ૧૦ વિશ્વાસુ સંપર્કની યાદી આપવાની હોય છે. તમારું ગૂગલ એકાઉન્ટ છેલ્લે ક્યારે સાઇન ઇન થયું, હાલની એક્ટિવિટી, જીમેલનો ઉપયોગ અને એન્ડ્રોઇડ ચેક્સ ઇન જેવી માહિતી મેળવી ગૂગલ એકાઉન્ટ ચાલુ છે કે કેમ તેની નોંધ રાખે છે. ઇનએક્ટિવ એકાઉન્ટ મેનેજર સેટઅપ કરવા www.google.com/settings/account/inactive લિન્ક પર જઇને Setup ઉપર ક્લિક કરો.
ફેસબુક
તમે ફેસબુક ઉપર Legacy Contact ઉમેરી શકો, જો તમે તમારું એકાઉન્ટ યાદગીરીરૂપે જાળવવા માગતા હો તો. આ કોન્ટેક્ટ ઉમેરવા માટે તમારા એકાઉન્ટના જનરલ સેટિંગ્સમાં જઇને setting પસંદ કરો અને manage account ઉપર ક્લિક કરો. ફ્રેન્ડનું નામ ટાઇપ કરો અને add ઉપર ક્લિક કરો. સાથે તમારા મિત્રને જણાવી દો કે ફેસબુકનો વારસો તેને સોંપીને જવાના છો! એ જાણ કરવા માટે તમે send ઉપર ક્લિક કરો.
જોકે તમારો પરિવાર એકાઉન્ટ ક્લોઝ કરવા માગતો હોય કે તેને memorialise કરવા માગતા હોય તો તેમાંથી બર્થ ડે રિમાઇન્ડર જેવા ફીચર બંધ થઇ જશે. પરિવારજનો ફેસબુકને કહીને એકાઉન્ટને એક્સેસ કરી શકશે. જોકે પ્રાઇવેટ ચેટ તમને જોવા મળશે નહીં. જો તમને ખબર જ હોય કે તમે કાયમી ધોરણે ફેસબુકનો ઉપયોગ કરવાના નથી તો તમારું એકાઉન્ટ ડિલીટ કરી નાખો.
ટ્વિટર
Privacy Forum દ્વારા પરિવારજનોની વિનંતીના આધારે ટ્વિટર મૃતકનું એકાઉન્ટ બંધ કરી દે છે. અન્યથા બીજો વિકલ્પ એ એકાઉન્ટને જૈસે થે રહેવા દેવું એ જ છે !
ઇન્સ્ટાગ્રામ
જો તમે કોઇ મૃતકનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જુઓ તો તમે ઇન્સ્ટાગ્રામને એ એકાઉન્ટ મેમોરલાઇઝેશન કરવા માટે કહી શકો. એ માટે ઇન્સ્ટાગ્રામનું હેલ્પ સેન્ટર તમને મદદ કરશે. એકાઉન્ટ ધરાવનારી વ્યક્તિના મૃત્યુનો પુરાવો આપવાનો રહેશે. ફક્ત મૃતકના પરિવારજનો જ એકાઉન્ટને રિમૂવ કરવાની વિનંતી કરી શકે છે.


comments powered by Disqus