સ્પેનમાં હિંદુ કોમ્યુનિટીને સંગઠિત કરવા FHEની રચના

Friday 09th June 2017 03:12 EDT
 

 

લંડનઃ સ્પેનમાં વસતા હિંદુઓએ સમાન હિતના મુદ્દા વિશે કાર્ય કરવા તેમજ કોમ્યુનિટીનો અવાજ ઉઠાવવા માટે એક મંચની રચના કરી હોવાનું મનાય છે. હિંદુઓને સંગઠિત કરવા, હિંદુ ધર્મના રક્ષણ, જતન અને પ્રોત્સાહન માટે, શૈક્ષણિક રીતે હિંદુ ધર્મની ખોટી રજૂઆતને પડકારવા અને સુધારવા, હિંદુ ધર્મ વિશે સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સરકારોને સલાહ આપવા અને હિંદુઓનું પ્રતિનિધિત્વ કરવા, અધિકૃત યોગાને પ્રોત્સાહન, અન્ય ધર્મો સાથે સમાનતાનો દાવો કરવા માટે ફેડરેશન હિંદુ દ એસ્પાના (FHE)ની રચના કરવામાં આવી છે.

સ્પેનમાં જે મંદિરો, સંસ્થાઓ અને ગ્રૂપ હજુ સુધી FHE ના સભ્ય બન્યા નથી તેમનો સમાવેશ કરવા અને સાંકળવા માટે તેમનો સંપર્ક કરવામાં આવશે. ભવિષ્યમાં શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન, હિંદુ પૂજારીઓને તાલીમ, સ્પેનના આવેલા હિંદુ મંદિરો, સંસ્થાઓ, એસોસિએશન્સ અને ગ્રૂપ્સની ડિરેક્ટરી તૈયાર કરવાની FHEની યોજના છે.

હાલના સ્થાપક હિંદુ ગ્રૂપમાં વેદ ધર્મ (માડ્રીડ), સુધા સત્ત્વ (વેલેસિયા), અર્ષ વિદ્યા (માડ્રીડ) અને અદ્વૈત વિદ્યા (બાર્સેલોના)નો સમાવેશ થાય છે. સેન્ટ્રો વેદિકો ધર્મ (એલિકેન્ટ) અને ઓમ શિવ શક્તિ (બાર્સેલોના) પાછળથી જોડાશે.

દરમિયાન, યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રમુખ રાજન ઝેડે હિંદુ ધર્મનો અવાજ ઉઠાવવા માટે સ્પેનમાં હિંદુ ગ્રૂપ્સ અને કોમ્યુનિટીના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે હિંદુ આધ્યાત્મિકતા, વિચાર અને પરંપરાનું ભાવિ પેઢીમાં સિંચન કરવું જરૂરી છે.

જુઆન કાર્લોસ રામચંદાની (કૃષ્ણકૃપા દાસ) FHE ના પ્રેસિડેન્ટ છે. અન્ય હોદ્દેદારોમાં સ્વામી સત્યાનંદ સરસ્વતી (વાઈસ પ્રેસિડેન્ટ), હરિ દાસ (સેક્રેટરી), પેડ્રો સોતો (ટ્રેઝરર) છે.


comments powered by Disqus