લંડનઃ હૃદયરોગ સંબંધી શોધ-સંશોધનો વધતા જાય છે ત્યારે તાજેતરમાં એક રિસર્ચ મુજબ હાર્ટ એટેકને બ્લડ ગ્રૂપ સાથે પણ સંબંધ છે. આ સંશોધન મુજબ જેનું બ્લડ ગ્રૂપ ‘ઓ’ હોય તેની સરખામણીમાં ‘એ’ - ‘બી’ અને ‘એબી’ બ્લડગ્રૂપ ધરાવનારાને હાર્ટ એટેક આવવાની શક્યતા નવ ટકા જેટલી વધારે રહે છે.
સંશોધકો એવા પણ તારણ પર આવ્યા છે કે વોન વિલેબ્રેન્ડ્સ નામના ફેક્ટરની વધુ માત્રાથી હૃદય રોગ થવાનો ખતરો વધારે હોય છે. આ ફેક્ટર લોહીને જમાવવામાં ભાગ ભજવતું પ્રોટીન હોય છે જે થ્રોમ્બોટિક પ્રક્રિયા સાથે જોડાયેલું છે. જે બધા જ બ્લડ ગ્રૂપમાં જૂદું જૂદું હોય છે. સામાન્ય રીતે ‘એ’ બ્લડ ગ્રૂપ વાળાને કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોવાનું જોવા મળ્યું હતું.
આ ઉપરાંત સંશોધકોના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે ‘ઓ’ બ્લડગ્રૂપ ધારકોમાં ગેલેકિટિન-૩ની માત્રા વધારે હોય છે. નેધરલેન્ડમાં મેડિકલ સેન્ટર ગ્રોનિગન યુનિ.ના ટેસા કોલેના જણાવ્યા મુજબ જેનું બ્લડગ્રૂપ ઓ નથી તેવા અન્ય ગ્રૂપના લોકોમાં હૃદય સંબંધિત તકલીફ અને હાર્ટ એટેકની શક્યતા વધારે રહે છે. તેમાં પણ ખાસ કરીને માયોકાર્ડિકલ ઈન્ફ્રાક્શન વધારે રહે છે. આથી હવે બધા જ ગ્રૂપના લોહી પર ઘનિષ્ઠ સંશોધન થવું જરૂરી છે. આ નવા સંશોધનને હાર્ટ ફેલ્યોર – ૨૦૧૭ અને યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું.

