છેલ્લા એક દાયકામાં લોયર્સની સંખ્યામાં ભારે વધારાને લીધે કાનૂની વ્યવસાયનું ફલક વિસ્તર્યું હોવાનું લો સોસાયટીના આંકડામાં જણાયું હતું. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ગયા જુલાઈમાં ૧૭૫,૧૬૦ સોલિસિટર્સ હતા, જે ૨૦૦૬ની કુલ સંખ્યા કરતાં ૩૩ ટકા વધુ હતા. તેમાંથી ૧૩૬,૧૭૬ પાસે પ્રેક્ટિસ કરવાનું સર્ટિફિકેટ હતું. ૧૯૭૯માં આ સંખ્યા ૩૫,૭૭૦ હતી, જે ૧૯૮૯માં વધીને ૫૨,૩૯૯, ૧૯૯૯માં ૭૯,૫૦૩ અને ૨૦૦૯માં ૧૧૫,૪૭૫ થઈ હતી.
• પ્રાથમિક સારવારમાં રિકવરી પોઝિશન વિશે હવે ડોક્ટરોને શંકા
પ્રાથમિક સારવારમાં ઘણા દાયકાથી રિકવરી પોઝિશન મહત્ત્વનો ભાગ ગણાય છે. પરંતુ, રિકવરી પોઝિશનમાં રખાયેલા દર્દીઓ પૈકી અડધા કિસ્સામાં ડોક્ટરોને જણાયું હતું કે દર્દી શ્વાસ લેતો બંધ થઈ ગયો છે તેની જાણ પ્રાથમિક સારવારનો અનુભવ ધરાવનારને બે ખે તેથી થોડી વધુ મિનિટમાં જ થઈ જાય છે. તેને લીધે લાઈફ-સેવિંગ ટ્રીટમેન્ટ આપવામાં વિલંબ થાય છે અને દર્દીને સંપૂર્ણ સાજા થવાની તકો ઘટી જાય છે.
• ચાર દિવસની ટ્રીપનું ફોન બિલ £૧૭,૭૨૮ આવ્યું
ઓફિસના કામે દુબઈના ચાર દિવસના પ્રવાસે જઈને પરત આવેલા ૨૫ વર્ષીય ડેનિયલ જેફરીને મોબાઈલ ઓપરેટર કંપની ઓરેન્જ દ્વારા ૧૭,૭૨૮ પાઉન્ડનું બિલ પકડાવી દેવાતા તે ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. આ કિસ્સાને લીધે સમરમાં વેકેશન માણવા વિદેશ જતા લોકોએ તેમના ડેટા વપરાશ પર ખૂબ ધ્યાન રાખવું પડશે. જેફરીના માલિક દ્વારા આ બીલની ડાયરેક્ટ ડેબિટ દ્વારા ઓટોમેટિક ચૂકવણી કરાઈ હતી. જેફરીએ જણાવ્યું હતું કે આ વર્ષે તેના લગ્ન છે અને ઓરેન્જ કંપનીએ જે ચાર્જ વસૂલ્યો છે તેના કરતા તો લગ્નનો ખર્ચ ખૂબ ઓછો થશે.
• નીસમાં ઈસ્લામિક બેંકને બોર્ડ મૂકવાની મંજૂરી ન અપાઈ
પેરિસના નીસમાં નૂર અસુર નામના ઈસ્લામિક ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસને તેની નવી બ્રાન્ચના આગળના ભાગમાં તેના નામનું બોર્ડ મૂકવાની પરવાનગી રંગદ્વેષી પ્રતિક્રિયાનું જોખમ હોવાથી નામંજૂર કરાઈ હતી. શહેરના મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રોસીએ જણાવ્યું હતું કે સ્ટ્રીટમાં ‘ઈસ્લામિક ફાયનાન્સ’ શબ્દ દેખાશે તો જાહેર શાંતિ જોખમાય તેવી દહેશત છે.
