એડિસ અબાબાઃ નેશનલ જ્યોગ્રાફિકના સંશોધક કાગેન સ્કેર્સીગ્લુને ઈથિયોપિયાના જંગલમાં અત્યંત દુર્લભ કહી શકાય એવો કાળી કેશવાળી ધરાવતો પૂર્ણ વિકસિત સિંહ જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહની કેશવાળીનો કલર કેસરી હોય છે. ઉંમરમાં ફેરફાર સાથે કેશવાળીના કલરમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે, પરંતુ મોટા ભાગની કેશવાળી કાળી હોય એવા સિંહો જોવા મળવા મુશ્કેલ છે.
ઈથિયોપિયામાં જોકે પહેલા પણ આવા સિંહો જોવા મળતા હતા. પરંતુ ઘણા વર્ષો સુધી એ દેશમાં સિંહ જોવા ન મળતાં ત્યાંથી સિંહ નષ્ટ થયા હોવાનું માની લેવાયું હતું. જોકે ૨૦૧૬માં ઈથિયોપિયામાંથી અચાનક ૨૦૦ જેટલા સિંહોની વસતી મળી આવી હતી. નેશનલ જ્યોગ્રાફિકની વેબસાઈટ પર આ દુર્લભ વિડિયો મુકવામાં આવ્યો છે. વિડિયો લેવાનો અનુભવ વર્ણવતા કાગેને કહ્યું હતું કે હું એવા ગાઢ જંગલમાં હતો જ્યાંથી ૩ દિવસની સફર કર્યા પછી શહેરી વિસ્તારમાં આવી શકાય છે. જ્યાં સિંહ જોવા મળ્યો એ વિસ્તાર બેલ માઉન્ટેન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. અત્યંત ગરીબ દેશ ઇથિયોપિયાના જંગલો અન્ય દેશોના નેશનલ પાર્ક જેવા ભવ્ય નથી. માટે ત્યાં વીજળી, પાણી, સડક એવી કોઈ સગવડો નથી. પરિણામે અહીં ભાગ્યે જ કોઈ પ્રવાસીઓ આવે છે. આથી અહીંના સિંહો પણ મુક્ત રીતે વિચરી રહ્યાં છે.
મૂળભૂત રીતે પક્ષીશાસ્ત્રી કાગેન અમેરિકાની ઉટાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. બેલ માઉન્ટેનમાં તેઓ પક્ષીઓ પર કલાઈમેટ ચેન્જની કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા. કાગેને પોતાનો થ્રિલિંગ અનુભવ વર્ણવતા કહ્યું હતું કે એ રાતે ગાડીની લાઈટમાં મને સામેથી કોઈ સજીવ નજીક આવતું દેખાયુ. ધ્યાનથી જોયુ તો એ સિંહ હતો. મે તુરંત મારો વિડિયો કેમેરા કાઢ્યો અને વિડિયોગ્રાફી શરૂ કરી દીધી. ગાડીમાં હું એકલો હતો અને બારી ખોલીને હું વિડિયો ઉતારતો હતો. સિંહ સીધો ગાડી તરફ ચાલ્યો આવતો હતો. એ વખતે મારું ધ્યાન પડયું કે તેની કેશવાળી તો ભારે કાળી છે. એક તબક્કો એવો આવ્યો કે જ્યારે કાગેનને લાગ્યું કે હવે જો સિંહ નહીં અટકે તો ભાગવું ભારે થઈ પડશે. સદ્ભાગ્યે સિંહ ગાડીની નજીક આવ્યા પછી ઝાડીઝાંખરામાં જતો રહ્યો હતો.
સિંહના અભ્યાસીઓ માટે કાળી કેશવાળી ધરાવતો સિંહ જોવા મળ્યો એ ઘટના મહત્ત્વની છે, તો સાથે સાથે કાગેનની હિંમતને પણ વન્યજીવન-શાસ્ત્રીઓએ બિરદાવી હતી.

