કંપનીઓ મેદસ્વી લોકોની ક્ષમતાને ઓછી આંકે છે

Wednesday 15th February 2017 06:04 EST
 
 

વોશિંગ્ટનઃ દુનિયામાં મેદસ્વી લોકોએ રોજ કામના સ્થળે ભેદભાવનો સામનો કરવો પડે છે. સામાન્યતઃ ઘણા દેશોમાં કામના સ્થળે લોકો સાથે લિંગ, ઉંમર, જાતિ, રંગ, ધર્મ અને દિવ્યાંગતા અંગે ભેદભાવ કરવા સામે પ્રતિબંધ છે. જોકે મેદસ્વી લોકો સાથે થઈ રહેલા ભેદભાવ અંગે કોઈ નિયમ કે કાયદો નથી. આ મુદ્દે અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર એનરિકા રગ્સે રિસર્ચ કર્યું છે.
રગ્સના જણાવ્યા અનુસાર દુનિયામાં મેદસ્વી લોકો સાથે થઈ રહેલો અન્યાય સામાજિક દૃષ્ટિએ સ્વીકાર્ય છે. કંપનીઓ અને નોકરીદાતાઓ મેદસ્વી લોકોની ક્ષમતાને ઓછી આંકે છે. તેમની એવી માન્યતા હોય છે કે મેદસ્વી લોકો કઠિન કામ કે મોડે સુધી કામ નથી કરી શકતા. અમેરિકામાં આવા લોકોની સંખ્યા વધારે છે.
એનરિક રગ્સે કેટલાક મેદસ્વી ગ્રાહકો અને નોકરી શોધી રહેલા યુવાનોને રિટેલ સ્ટોર્સ અને કંપનીઓમાં મોકલ્યા. એ જાણવા માટે કે તેમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. તેમની સાથે સામાન્ય વજન ધરાવતા સ્વયંસેવકો પણ હતા. જેમાં મેદસ્વી સ્વયંસેવકોએ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે વાતચીતમાં કર્મચારીઓએ વધુ રસ નહોતો દાખવ્યો. નોકરી આપવાના નામે બહાનાં કાઢ્યાં. જ્યારે સપ્રમાણ વજન ધરાવતાં લોકો સાથે સારી રીતે વાતચીત કરી અને તેમને નોકરી આપવાની દરખાસ્ત મુકી હતી.


comments powered by Disqus