કેલિફોર્નિયામાં ઓરોવિલ ડેમ તૂટવાની ભીતિઃ હજારો ભારતીયો સહિત બે લાખનું સ્થળાંતર

Wednesday 15th February 2017 07:15 EST
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ કેલિફોર્નિયામાં આવેલો ઓરોવિલ ડેમ તૂટે તેવી દહેશત ઊભી સર્જાતા લગભગ બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ડેમના નજીકના વિસ્તારોમાં વસતાં લોકોમાં શીખ લોકોની સંખ્યા પણ લગભગ ૧૩ ટકા જેટલી હોવાનો અંદાજ છે.
અમેરિકાનો સૌથી ઊંચો મનાતો ઓરોવિલ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ભારે વરસાદ અને બરફવર્ષાના કારણે ડેમમાં પાણીની સપાટી ભયજનક સપાટીથી વધી ગઇ હતી. ડેમ ઓવરફ્લો થવાની સાથે સાથે કોંક્રિટનો બનેલો થોડો હિસ્સો પાણીમાં વહી ગયો હતો. આ સ્થિતિ પછી તુરંત આસપાસના વિસ્તારમાં કટોકટી જાહેર કરાઈ હતી અને લગભગ બે લાખ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ડેમના આસપાસના વિસ્તારમાં હજારો ભારતીયો રહે છે, તેમને પણ તાત્કાલિક અસરથી સલામત સ્થળે લઈ જવાયા હતા.
કેલિફોર્નિયાના ગર્વનર જેરી બ્રાઉને આ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ડેમના સત્તાવાળાઓએ સરેરાશ સેકન્ડનું ૧ લાખ ક્યૂબિક ફુટ પાણી વહી શકે એવી વ્યવસ્થા કરી છે.
ભારતીય મૂળના, ખાસ તો શીખ લોકોની સંખ્યા આ વિસ્તારમાં ઘણી વધારે છે. લગભગ ૧૩ ટકા ભારતીય મૂળના લોકો ઓરોવિલ શહેર અને તેની આસપાસમાં રહે છે. ઓરોવિલ શહેરમાં લગભગ ૧૬ હજારની વસતી છે. એ સિવાય ડેમનું સૌથી નજીકનું પ્રભાવિત શહેર મેરિસવેલ છે. એ શહેરમાં ૧૨ હજારની વસતિ છે. આ બંને શહેરોને સદંતર ખાલી કરાયા છે.
ડેમ તૂટે તો તેની અસર તળે લગભગ ૧૨૦ કિલોમીટરનો વિસ્તાર આવી શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને આસપાસના શક્ય એટલા ટાઉનના લોકોને ઊંચાણવાળા સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે અને ભયાનક પૂરની શક્યતા હોવાનું જણાવાયું છે.
આ ડેમનો ઈમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યો છે અને કોઈ પણ સમયે ડેમ તૂટી શકે તેમ હોવાની ભીતિ એન્જિનિયરોએ વ્યક્ત કરી હતી.
ઓરોવિલ ડેમઃ ૫૦ વર્ષ પહેલાં નિર્માણ
• કેલિફોર્નિયાની બહુ જ મોટી ફીધર નદી ઉપર ઓરોવિલ શહેરની નજીક ડેમ બંધાયો છે.
• ઓરોવિલ ડેમનું બાંધકામ ૧૯૬૧માં શરૂ થયું હતું.
• ૧૯૬૮માં ડેમ ખુલ્લો મૂકાયો હતો.
• ડેમની ઊંચાઈ ૭૭૦ ફૂટ અને લંબાઈ ૬૯૨૦ ફૂટ છે.
• ડેમ કેલિફોર્નિયામાં પાણી સપ્લાયનો સૌથી મોટો સ્ત્રોત છે.
• આ ડેમ ઉપર સાઉથ કેલિફોર્નિયાની સિંચાઈ અને બિઝનેસનો મોટો આધાર છે.


comments powered by Disqus