ક્રિકેટ ઇતિહાસમાં કોહલી યુગઃ ૧૯ ટેસ્ટ મેચમાં અજેય કેપ્ટન

Wednesday 15th February 2017 05:32 EST
 
 

હૈદરાબાદઃભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરતાં સુનીલ ગાવસ્કરના કેપ્ટન તરીકે સતત ૧૮ ટેસ્ટ મેચમાં અપરાજય રહેવાના રેકોર્ડને તોડયો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે બાંગ્લાદેશને એક માત્ર ટેસ્ટ મેચમાં પરાજય આપી સતત ૧૯ ટેસ્ટ મેચમાં અજપારજય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.
આ પહેલાં સુનીલ ગાવસ્કરે ૧૯૭૭થી ૧૯૭૯ દરમિયાન ૧૮ ટેસ્ટ મેચમાં અજેય રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીના નેતૃત્ત્વમાં ભારતીય ટીમના અપરાજય રહેવાનો સિલસિલો ૨૦ ઓગસ્ટ ૨૦૧૫માં કોલંબો ટેસ્ટથી શરૂ થયો હતો જે ૧૯ ટેસ્ટ મેચમાં અપરાજય રહી અવિરત ચાલું છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટમાં અપરાજય રહેવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે છે. વેસ્ટ ઇન્ડીઝે ૧૯૮૨થી ૧૯૮૪ દરમિયાન ૨૭ ટેસ્ટ મેચમાં અપરાજય રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
બેવડી સદીનો બાદશાહ
બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટમાં કોહલીએ બેવડી સદી ફટકારતાં અનેક રેકોર્ડ ધ્વસ્ત કરી કર્યા છે. કોહલીએ સતત ચોથી સિરીઝમાં બેવડી સદી ફટકારવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે દુનિયાનો પહેલો બેટ્સમેન અને કેપ્ટન બની ગયો છે જેણે ચાર બેવડી સદી ફટકારી છે. આ પહેલાં ડોન બ્રેડમેન અને રાહુલ દ્રવિડના નામે આ રેકોર્ડ હતો. તેણે સતત ત્રણ સિરીઝમાં ત્રણ બેવડી સદી ફટકારી હતી. કોહલીએ ચાર સદી ફટકારી આ લોકોને પાછળ રાખ્યા છે. કેપ્ટન તરીકે દુનિયાનો બીજો ખેલાડી છે જેણે ચાર બેવડી સદી ફટકારી છે.
ધોનીને પાછળ છોડ્યો
બાંગ્લાદેશ સામેની જીત સાથે વિરાટ કોહલી ભારતનો પ્રથમ એવો કેપ્ટન બની ગયો છે. જેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં સતત સૌથી વધુ સિરીઝ જીતી હોય. વિરાટ પહેલાં આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ સતત સાત ઇન્ટરનેશનલ સિરીઝ જીતી હતી. હવે વિરાટે ધોનીને પાછળ છોડી ઓગસ્ટ ૨૦૧૫થી લઈ અત્યાર સુધી કુલ આઠ ઇન્ટરનેશનલ સિરીઝ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. ધોનીએ જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૧૩ દરમિયાન સતત સાત સિરીઝ જીતી હતી. આ મામલે દ્રવિડ ત્રીજા સ્થાને છે. દ્રવિડે ૨૦૦૭માં સતત ચાર સિરીઝ જીતી હતી. કોહલીના નેતૃત્વમાં ભારતે શ્રીલંકા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝિલેન્ડ, ઇંગ્લેન્ડ અને હવે બાંગ્લાદેશ સામે છઠ્ઠી સિરીઝ જીતી હતી. જ્યારે અઝહરે સતત ચાર ટેસ્ટ સિરીઝમાં ભારતને વિજય અપાવ્યો હતો. સતત ત્રણ ટેસ્ટ સિરીઝમાં ભારતને વિજય અપાવનાર કેપ્ટનોમાં અજિત વાડેકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે સમાવેશ છે.
સફળ ભારતીય કેપ્ટનમાં ત્રીજા સ્થાને
કોહલીએ કેપ્ટન તરીકે ૧૫મી ટેસ્ટ મેચ જીતી હતી અને તેણે અઝહરને પાછળ છોડયો હતો. અઝહરની કેપ્ટનશિપમાં ભારતે ૧૪ ટેસ્ટ જીતી હતી. કેપ્ટન તરીકે સર્વાધિક જીત મેળવવાની યાદીમાં વિરાટ કોહલી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેનાથી આગળ મહેન્દ્રસિંહ ધોની ૨૭ જીત સાથે પ્રથમ નંબરે છે.
૨૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
કોહલીએ પોતાની બેવડી સદી દરમિયાન વિવિધ રેકોર્ડસ પોતાના નામે કર્યા હતા. તેણે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની ગ્રેહામ ગૂચનો ૨૭ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. ગૂચે ૧૯૯૦માં સુકાની તરીકે ઘરઆંગણાની સિઝનમાં સર્વાધિક ૧૦૫૮ રન બનાવ્યા હતા. કોહલીએ આ મામલે ૧૦૭૫ રન બનાવીને સુકાની તરીકેનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.
સેહવાગને પણ પાછળ રાખી દીધો
કોહલીએ હૈદરાબાદ ટેસ્ટના બીજા દિવસે ભારતના સેહવાગનો રેકોર્ડ તોડીને ઘરઆંગણાની એક જ સિઝનમાં સર્વાધિક રન બનાવનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. તેણે ૧૪૪ રન પૂરા કરતાની સાથે ઘરઆંગણાની સિઝનમાં રનની સંખ્યા ૧૧૦૮ સુધી પહોંચાડી દીધી હતી. સેહવાગે ૨૦૦૪-૦૫માં ૧૧૦૫ રન નોંધાવ્યા હતા. સેહવાગે ૧૭ ઇનિંગ્સમાં ૬૯.૦૬ની એવરેજથી આ રન બનાવ્યા હતા જેમાં ચાર સદી તથા ત્રણ અડધી સદી નોંધાવી હતી. કોહલીએ ઘરઆંગણાની સિઝનની ૧૫મી ઇનિંગ્સમાં જ સેહવાગનો રેકોર્ડ તોડ્યો હતો.
સિઝનમાં ૧૦૦૦ રન
કોહલીની ત્રણેય ફોર્મેટમાં સફળતાનો સિલસિલો જારી રહ્યો છે. હૈદરાબાદ ટેસ્ટમાં તેણે એક વિશેષ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તે એક જ સિઝનમાં ૧૦૦૦ ટેસ્ટ રન નોંધાવનાર પ્રથમ ભારતીય સુકાની બની ગયો છે. કોહલીએ હૈદરાબાદ ટેસ્ટ પહેલા આઠ મેચમાં ૯૬૪ રન બનાવ્યા હતા અને ૧૦૦૦ રનની સિદ્ધિ માટે તેને વધુ ૩૬ રનની જરૂર હતી. તાઇજુલ ઇસ્લામના બોલ પર એક સિંગલ રન લઈને તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી, તે એક જ સિઝનમાં ૧૦૦૦ રન પૂરો કરનાર ૧૧મો ભારતીય ખેલાડી પણ બન્યો છે.


comments powered by Disqus