હમણાં એડવોકેટ ઇકબાલ ચાગલા અમદાવાદમાં એક વ્યાખ્યાન માટે આવી ગયા. આપણા જાણીતા ન્યાયવિદ્ મોહમ્મદ કરીમ ચાગલાના તે વારસદાર વકીલ-પુત્ર છે. મન ખોલીને તેમણે પિતા વિશે વાતો કરી, કચ્છનાં નાનકડાં ગામમાં જન્મેલો મુસ્લિમ યુવાન દેશની સર્વોપરી ન્યાયપાલિકા સુધી પહોંચે અને કેન્દ્રમાં શિક્ષણ પ્રધાન તરીકે ઉત્તમ કામ કરે તે વાત આપણને - ગુજરાતીઓને - પ્રેરક બને તેવી નથી?
છે. અને તેનું કારણ ચાગલા સાહેબની ન્યાયપ્રિય પ્રકૃતિ પણ હતી. શિક્ષણ પ્રધાન તરીકે તેમણે શિક્ષણ-નીતિનો એક ખરડો તૈયાર કર્યો હતો, પણ સરકારોને શિક્ષણમાં વળી શાનો રસ પડે? એટલે ચાગલા સાહેબનો મુસદ્દો અભેરાઈ પર ચડાવી દેવાયો. ‘જો શિક્ષણમંત્રી તરીકે કામ જ ના થઈ શકે તો એવું પદ શા કામનું?’ એમ જણાવીને તેમણે તુરંત રાજીનામું ધરી દીધું. ‘કોઈ કામ થાય કે નહીં પણ મંત્રીપદનો મોભો તો છે ને?’ એવું માનીને પ્રધાનપદે ચીટકી રહેનારાઓથી આ બીજા છેડાનું ઉત્તમ ઉદાહરણ હતું.
જસ્ટિસ ચાગલા પાસેથી હાલના ન્યાયલયોએ શીખવા જેવું છે. તેમની પાસે કોઈ મુકદમો વિલંબિત ગતિએ ચાલતો નહીં, મોડું થતું નહીં. ન્યાય - અને તે પણ જલદીથી - એવો તેમનો આગ્રહ જીવનભર રહ્યો.
વકીલાતમાં સફળ થવું સહેલું નથી. અને તમે જૂઓ કે ભારતના રાજકારણમાં સૌથી વધુ ધારાશાસ્ત્રીઓ જ સક્રિય રહ્યા છે! આમાંના એક પંડિત મોતીલાલ નેહરુ, બીજા તેમના પુત્ર જવાહરલાલ ત્રીજા દેશબંધુ ચિત્તરંજનદાસ, ચોથા કનૈયાલાલ મુનશી, પાંચમા બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણા.
ઝીણાનું ‘જિન્નાહ’ તો બ્રિટિશરોએ કરી નાખ્યું, પણ ઝીણાભાઈ પૂંજાભાઈનો પુત્ર મોહમ્મદઅલી ખ્યાત ધારાશાસ્ત્રી બન્યો અને તેમની અટક જ ‘ઝીણા’ બની ગઈ. સૌરાષ્ટ્રમાં ધોરાજી પાસેનાં મોટાં પાનેલી ગામનો ઝીણા પૂંજા - પરિવાર. તેમના જુનિયર તરીકે કચ્છી મોહમ્મદ કરીમ ચાગલાએ પણ કામ કર્યું. ચાગલા તેમની આત્મકથા ‘ડિસેમ્બરનાં ગુલાબ’માં નોંધે છે કે ઝીણાનું રાજકારણ એકદમ રાષ્ટ્રવાદી હતું. હોમરુલના તે સેનાપતિ હતા. લોકમાન્ય ટિળકના વકીલ તરીકે તેમણે દલીલો કરી હતી. ગાંધીજીએ શરૂ કરેલી ‘ખિલાફત’ને, સાવરકરની જેમ ‘આફત’ ગણાવેલી! મંચ પરથી વંદે માતરમ્ ગવાતું ત્યારે બા-અદબ ઊભા રહેતા.
પછી અનેકોને લાગ્યું કે ગાંધીજી ચઢિયાતા નેતાને પસંદ કરતા નથી એટલે તેમણે અલગ પડીને ‘દ્વિ-રાષ્ટ્ર’ નિયમને આગળ વધાર્યો. કાનજી દ્વારિકાદાસે લખેલી જીવની નોંધે છે કે દક્ષિણ આફ્રિકાથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી ભારતમાં પાછા ફર્યા ત્યારે ‘સત્યાગ્રહ’ માટે તેમનો સન્માન સમારંભ મુંબઈમાં યોજાયો હતો. ગાંધીજીએ ત્યાં બેરિસ્ટર ઝીણાને ટકોર કરી કે અંગ્રેજીમાં નહીં, ગુજરાતીમાં ભાષણ કરો તો સારું. વિદેશમાં જ ઉછરેલા, અંગ્રેજી શિક્ષણ મેળવેલા, ઉર્દુ-ગુજરાતીથી પરિસ્થિતિને લીધે અલગ રહેલા ઝીણા અંગ્રેજીમાં ધારદાર વક્તવ્ય આપતા. કદાચ, તેમનાં ફાંકડા અંગ્રેજી ભાષણથી લઘુતાગ્રંથિ અનુભવનાર બીજા ગુજરાતીએ તેમને રોક્યા-ટોક્યા હશે? કોણ જાણે!!
ચાગલાએ આઠ વર્ષ સુધી - એક પણ મુકદમા વિના - વકીલાત કરી હતી! પછી તેમને યારી મળી. ભારતીય રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. પણ આ ‘ચાગલા’ શબ્દ ક્યાંથી આવ્યો? તેની યે રસપ્રદ કહાણી છે. અંગ્રેજી ભાષામાં તો તે ‘છાગલા’ થઈ ગયું. પણ મૂળ કચ્છી શબ્દ છે ‘ચાગલા.’ કાઠિયાવાડની લોકભાષામાં યે તે વપરાય છે. તેનો અર્થ થાય છે ‘વહાલો, પ્રિય, પસંદગીનો.’ ‘વધારે ચાગલો થવાની કોશિશ ના કર...’ આવી ઉક્તિ આજેય સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંભળવા મળે. ચાગલા-પરિવારની મૂળ અટક તો હતી ‘મર્ચન્ટ.’ ખોજા સમુદાય મોટા ભાગે વેપારમાં હતો, એટલે વેપારી-મર્ચન્ટ પ્રચલિત બન્યું હશે? ભાષાશાસ્ત્રીઓએ શોધવા જેવું ખરું!
શાળામાં પૂછયું અને પિતાએ - કરીમભાઈએ - કહ્યું કે ‘ચાગલા’ લખાવી દે ને? ત્યારથી ચાગલા શબ્દ મોહમ્મદ કરીમભાઈની ઓળખ બની ગયો!
ચાગલા સાહેબનું એકમાત્ર સ્મરણ આ લેખકને ૧૯૭૫ના ડિસેમ્બરમાં અમદાવાદમાં મળેલી ‘લોકતંત્ર પરિષદ’નું છે. ૧૯૭૫ની ૨૬ જૂને સમગ્ર દેશમાં આંતરિક કટોકટી અને પ્રિ-સેન્સરશિપ લાદવામાં આવ્યાં. ૧,૧૦,૦૦૦ લોકો જેલમાં (જેમાં જય પ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, પીલુ મોદી, ચંદ્રશેખર, મધુ દંડવતે, મધુ લિમયે, શ્યામનંદન મિશ્રા, મોરારજીભાઈ દેસાઈ સહિત અનેક નેતાઓ સામેલ હતા.) અને ૩૭,૦૦૦ પ્રકાશનો પર સેન્સરશિપ! તમે વિચાર સ્વાતંત્ર્યનો અમલ જ ન કરી શકો એવી કઠોર વ્યવસ્થા. ૧૦૦ પત્રકારો પણ ‘મીસા’ હેઠળ જેલમાં હતા. એટલાં જ અખબારો પર જપતી - જડતી - ફરજિયાત ડિપોઝિટનો દંડ વગેરેનો અમલ થયો. દિલ્હીમાં અખબારોના ૨૫ જૂનની રાત્રે વીજ-જોડાણ કાપી નાખવામાં આવ્યાં. એક્સપ્રેસ જૂથ પર દરોડા પડ્યા, તેના માલિક રામનાથ ગોયેન્કાના પુત્ર (જે એક્સપ્રેસનો વહીવટ કરતા હતા) ભગવાનદાસ ગોયેન્કાને એવા સતાવવામાં આવ્યા કે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. ‘મધર લેન્ડ’નો આખો સ્ટાફ જેલમાં અને કાર્યાલયને તાળાં મરાયાં. પત્રકાર કુલદીપ નાયર પણ તેમાંથી બચી શક્યા નહીં!
આવા ‘ભય અને ભ્રમણા’ના સંજોગોમાં ગુજરાતમાં શરૂઆતમાં નસીબજોગે જનતા મોરચાની સરકાર હતી. મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલે કેન્દ્રને સાફ જણાવી દીધું કે અમે પ્રતિબંધિત કરતા કાયદાઓનો અમલ નહીં કરીએ. પરિણામે ભયનાં વાદળાં સાથેની મુક્તિ ગુજરાતમાં હતી. જોકે પ્રકાશચંદ્ર શેઠી, ઓમ મહેતા, ગોખલે, વિદ્યાચરણ શુકલ વગેરે ગુજરાતમાં આવીને તંત્રી-માલિકોને (તેમને ત્યાં જમવાની સાથે!!) ધમકી આપી ગયા કે તમે ભલે ગમે તે છૂટથી લખો, પણ એટલું ધ્યાન રાખજો કે ન્યૂઝ પ્રિન્ટ, જાહેરખબર, જપ્તી-જડતી અને ‘મીસા’નો અટકાયતી ધારો અમારી પાસે છે.
આમ છતાં કેટલાંક અખબારો (અને આંશિક રીતે ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, ‘સંદેશ’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘જનસત્તા’, ‘લોકસત્તા’) સેન્સરશિપ - કટોકટીની સામે કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થતાં રહ્યાં. ‘જનસત્તા’ના વ્યંગચિત્રકાર શિવ પંડ્યા અને ‘સંદેશ’ના ચકોર તેમાં સૌથી મુખર હતા! એમાં નાનાં અખબારો - ભૂમિપુત્ર અને સાધનાએ - તેમના અંકોને વિરોધના પ્રબળ અવાજમાં બદલાવી નાખ્યા. તે સમયનું ‘સાધના’ બિનગુજરાતીઓને સમજાય તે માટે એક પાનું દેવનાગરી લિપિમાં, તે દેશની સમગ્ર જેલોમાં એક લાખ અટકાયતીઓ માટે બહારની માહિતી પ્રાપ્ત કરવાનું માધ્યમ બની ગયું. મને યાદ છે કે યરવડા જેલમાં મુંબઈમાં કાર્યકર્તા શ્રીમતી હંસાબહેન રાજડા પણ હતા, તેમણે તો પેરોલ પર છૂટ્યા પછી લવાજમ પણ મોકલ્યું અને સરનામું આપ્યું - હંસા રાજડા, વોર્ડ નં. ૨૭, યરવડા જેલ, પૂણે!
આ સંજોગોમાં ગુજરાતમાં સ્વાતંત્ર્ય પરિષદ યોજાઈ તેમાંયે એક નિર્ભિક ધારાશાસ્ત્રી ચંદ્રકાન્ત દરૂ (સી. ટી. દરૂ)એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે દેશભરના પ્રબુદ્ધોને બોલાવ્યા, તેમાં મીનુ મસાણી, સોલી સોરાબજી, વી. એમ. તારકુંડે, એસ. એમ. જોશી, જગન્નાથ રાવ જોશી, પ્રકાશવીર શાસ્ત્રી અને બીજા અનેકોને બોલાવ્યા. બે દિવસ પરિષદ ચાલી. છેલ્લું સમાપન વક્તવ્ય એમ. સી. ચાગલાનું હતું. હાથમાં ચાંદીની સ્ટીક સાથે, પેન્ટ-શર્ટ-કોટમાં સજ્જ ચાગલા તે દિવસે જે બોલ્યા તે જાણે કે પરાધીન દેશનો સ્વાધીન આત્મા વ્યક્ત થતો હતો.
ચશ્મા હેઠળ પારદર્શી આંખો, અવિસ્ખલિત અંગ્રેજી વાણી, બંધારણ સહિતના ઉદાહરણો, તત્કાલીન શાસનની કઠોર આલોચના, લોકતંત્રને બચાવી લેવા સાહસપૂર્વક એકત્રિત થવાની અપીલ... અને છેવટે - ‘હા, મને ખાતરી છે કે અંધારું જશે, અજવાળું આવશે... વાદળભર્યાં શ્યામ અંધકારમાં યે એક રજત-રેખ છે...’ એચ. કે. કોલેજનો સભાખંડ પાંચ મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી ગાજતો રહ્યો.
કાર્યક્રમ પૂરો થતાં, મંચ પરથી સ્ટીક સાથે ચાગલા સાહેબ નીચે ઉતરવા સીડી તરફ આગળ વધ્યા ત્યારે અસંખ્ય શ્રોતાઓ તેમની સાથે ઉષ્માપૂર્વક હાથ મેળવવા ધસી આવ્યા. તેમની સાથે દરૂ સાહેબ હતા. શ્રોતાઓએ તેમના વ્યાખ્યાનને વખાણ્યું તો ધીમા, પણ દર્દભર્યા અવાજે તેમણે કહ્યુંઃ ‘પણ આ અવાજ અખબારોમાં છપાશે ક્યાંથી?’ તેમનો સંકેત ખતરનાક સેન્સરશિપ વિશે હતો.
દરૂ સાહેબે કહ્યુંઃ ‘ક્યાંક તો છપાશે જ.’ તેમની વાતમાં પરમ વિશ્વાસ હતો.
ચાગલાએ ચશ્મામાંથી - અવિશ્વાસભરી નજરે જોઈને - પૂછયુંઃ ‘ક્યાં?’
તે વખતે હું તેમની પાસે ઊભો હતો. દરૂ સાહેબે મારા ખભા પર હાથ મુકીને કહ્યુંઃ ‘સાધના’માં તે વ્યાખ્યાન છપાશે. શબ્દશઃ છપાશે.’
ચાગલા સાહેબે મારી સામે નજર કરી. એ નજર હું આજેય ભૂલ્યો નથી. સિત્તેરની વયના ચાગલા ત્રીસની વયના તંત્રી સામે જોઈને જાણે કે પૂછી રહ્યા હતાઃ ખરેખર?
અને પછી તેમની આંખોમાં આશંકાની વાદળી હતી - ‘છપાયા પછી તારું સ્થાન ક્યાં હશે, તે તો તું જાણે છે ને, મારા મિત્ર!’
ડિસેમ્બર નહીં તો, માર્ચમાં - તેમણે વ્યક્ત કરેલો ભય-સાચો પડ્યો. કાર્યાલયથી સીધા જેલમાં! ચાગલા સાહેબ સુધી એ વાત પહોંચી તો તેમણે ભાવનગર જેલમાં મને એક વાક્યનો પત્ર લખ્યો હતો, ‘વેલડન, માય ફ્રેન્ડ!’
ઇકબાલ ચાગલા અમદાવાદમાં ગયા સપ્તાહે વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે ચાગલા સાહેબનું તેજનક્ષત્ર સરખું વ્યક્તિત્વ મારા ચિત્તમાં હતું. ૧૯૮૦માં મુંબઈમાં જનતા પક્ષમાંથી ભારતીય જનતા પક્ષ રચાયો તેનાં અધિવેશનમાં ચાગલા બોલ્યા હતાઃ લોકો પૂછે છે કે ભારતને માટે મજબૂત વડા પ્રધાન ક્યાં છે?’ એમ કહીને મંચ પર વિરાજિત અટલ બિહારી વાજપેયી તરફ અંગુલિનિર્દેશ કરીને ઉમેર્યુંઃ ‘આ રહ્યા ભારતના ભાવિ વડા પ્રધાન!’
થોડાંક વર્ષો પછી આ નિઃસ્વાર્થ ભવિષ્યવાણી પણ સાચી પડી.

