વોશિંગ્ટનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવેશબંધીના નિર્ણય સામેનો વિરોધ સતત વધી રહ્યો છે. હવે અમેરિકાના કુલ ૧૬ એટર્ની જનરલે સાત ઈસ્લામિક દેશોને વિઝા નહીં આપવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. આ એટર્નીઓનું કહેવું છે કે, આ પ્રકારના નિર્ણય ગેરબંધારણીય, ભેદભાવયુક્ત અને અમેરિકાને શોભે નહીં એવા છે.
જોકે, આટલા વિરોધ વંટોળ વચ્ચે પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ફરી ભારપૂર્વક કહ્યું છે કે, ‘અમે આ નિર્ણય પાછો નહીં ખેંચીએ.’ બીજી તરફ, આ નિર્ણયને લઈને તેમની તરફેણમાં ચુકાદો આવે એવી પણ શક્યતા છે. ટ્રમ્પે સત્તા સંભાળતા જ ઈરાન, ઈરાક, લીબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યેમેન એમ સાત દેશોના નાગરિકોને પ્રવેશબંધી ફરમાવતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી.
જોકે, આ નિર્ણય વિરુદ્ધ અરજી થતાં સિએટલની ફેડરલ કોર્ટે પ્રવેશબંધીના હુકમ સામે સ્ટે મૂકી દીધો હતો.

