આવકથી વધારે સંપત્તિ ધરાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે શશીકલાને કસૂરવાર ઠેરવ્યા છે ત્યારે તામિલનાડુમાં પ્રવર્તતો રાજકીય અનિશ્ચિતતાનો માહોલ દૂર થશે તેવો આશાવાદ ઠગારો નીવડ્યો છે. શશીકલા જેલમાં ગયા છે તો તેના સમર્થકોએ ઓ. પન્નીરસેલ્વમની પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હકાલપટ્ટી કરીને વિધાનસભા પક્ષના નેતા પદે પલાનીસ્વામીને ચૂંટતા કોકડું વધુ ગૂંચવાયું છે.
અત્યાર સુધી દેશભરમાં એક જ મુદ્દો ચર્ચામાં હતોઃ તામિલનાડુમાં સપ્તાહથી પ્રવર્તતી રાજકીય કટોકટી લોકશાહી માટે શરમજનક છે... રાજ્યમાં સત્તાનું કોકડું ગૂંચવવાના ઇરાદાપૂર્વક પ્રયાસો થઇ રહ્યા છે... તામિલનાડુમાં પ્રવર્તમાન સ્થિતિને રાજકીય કટોકટી કરતાં બંધારણીય કટોકટી ગણવી વધુ ઉચિત છે... વગેરે વગેરે. આ અને આવા મુદ્દાઓની તરફેણમાં અને વિરુદ્ધમાં અનેક દલીલો ચાલી હતી. મુખ્ય પ્રધાન પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી ચૂક્યા હતા, પણ નવા મુખ્ય પ્રધાન ક્યારે શપથ ક્યારે લેશે તે અંગે કોઇને કંઇ જાણકારી જ ન હોવાથી આવી ચર્ચા અસ્થાને નહોતી. મુખ્ય પ્રધાન પદેથી ઓ. પન્નીરસેલ્વમના રાજીનામા બાદ તેમના અનુગામી તરીકે સરકાર રચવા શશીકલાએ દાવો કર્યો હતો. સત્તારૂઢ અન્ના દ્રમુક વિધાનસભા પક્ષના નેતાપદે ચૂંટાવા છતાં છતાં કાર્યવાહક રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ શશીકલાને શપથગ્રહણ કરાવતા ન હોવાથી તેમના ઇરાદા વિશે આશંકા સેવાતી હતી.
તામિલનાડુમાં સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હોય ત્યારે આવા પ્રશ્નો, શંકા-કુશંકા સ્વાભાવિક છે. રાજ્યપાલની કાર્યપદ્ધતિ સામે આંગળી ચીંધાઇ રહી છે તે સાચું, પરંતુ બંધારણમાં રાજ્યપાલની ફરજ કે ભૂમિકા સંદર્ભે ક્યાંય એવો ઉલ્લેખ નથી કે તેઓ ચોક્કસ સમયમાં વિધાનસભા પક્ષના નેતાને મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરાવશે. રાજ્યપાલે એ પણ કાળજી લેવાની હોય છે કે રાજ્યમાં સ્થિર સરકારની રચના થાય.
તામિલનાડુમાં પ્રવર્તમાન રાજકીય અસ્થિરતાના મૂળમાં ખરેખર તો જનાધાર વિરુદ્ધ રાજકીય વારસાનો જંગ છે. એક તરફ શશીકલા છે તો બીજી તરફ ઓ. પન્નીરસેલ્વમ્. મુખ્ય પ્રધાન પદ પર કબ્જો જમાવવા માટે તત્પર બનેલાં ચિન્નમ્મા એટલે કે વી. કે. શશીકલા અમ્માના રાજકીય વારસદાર હોવાનો દાવો કરી રહ્યા હતા. તેમનો કોઇ રાજકીય જનાધાર નથી. છતાં બહુમતી ધારાસભ્યો તેમની તરફેણમાં હતા. (હવે જોવું રહ્યું કે કેટલા તેમની સાથે રહે છે અને કેટલા પન્નીરસેલ્વમ ભણી ઢળે છે.) આનું મુખ્ય કારણ એ હતું કે વર્તમાન વિધાનસભાને એક વર્ષ પણ થયું નથી. ચાર વર્ષ બાકી છે ત્યારે ધારાસભ્યો ફરી ચૂંટણી ઇચ્છતા નથી. આથી તેઓ પક્ષમાં ભાગલા ટાળવા મને-કમને શશિકલાને સાથ આપી રહ્યાનું મનાય છે. શશીકલા જયલલિતાના રાજકીય વારસદાર હોવાનું ગાણું ગાઇને કે તેમના સમાધિસ્થાને જઇને આંસુ વહાવી લોકોની લાગણી જીતવા મથામણ કરી હતી, પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ તેમની ‘મહેનત’ પર પાણી ફેરવી દીધું છે.
બીજી તરફ, પન્નીરસેલ્વમ્ કેટલાય દસકાથી રાજકારણમાં છે અને ત્રણ વખત મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. જયલલિતાની રાજકીય પસંદ પણ તેઓ જ રહ્યા છે. દિવસોના વહેવા સાથે પન્નીરસેલ્વમના સમર્થનમાં અન્ના દ્રમુક સાંસદોની સંખ્યા વધી રહ્યાનું મુખ્ય કારણ એ છે કે વિધાનસભ્યોને ૨૦૨૧માં ચૂંટણી જંગમાં ઉતરવાનું છે તો સાંસદોએ ૨૦૧૯માં ચૂંટણી જંગમાં ઉતરવાનું છે. આ સંજોગોમાં સાંસદોને પન્નીરસેલ્વમને સાથ આપવાનું લાભદાયક જણાઇ રહ્યું છે. બહુમતી પ્રજા પણ પન્નીરસેલ્વમને મુખ્ય પ્રધાન પદે ઇચ્છે છે.
શશીકલાને દોષિત ઠરાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાએ તામિલનાડુના રાજકારણનું ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ કરી દીધું હતું. એવું લાગતું હતું કે રાજ્યપાલ પન્નીરસેલ્વમનો સરકાર રચવાનો દાવો સ્વીકારીને તેમને ગૃહમાં બહુમતી પુરવાર કરવા તક આપશે. જોકે ચુકાદાના કલાકોમાં પન્નીરસેલ્વમની પક્ષના સભ્યપદેથી હકાલપટ્ટી કરાઇ છે અને વિધાનસભા પક્ષના નેતા તરીકે પલાનીસ્વામીની વરણી કરી છે તે જોતાં લાગે છે કે તામિલનાડુમાં સત્તા માટેની ખેંચતાણ હજુ લાંબી ચાલશે.
