દોહાથી ઓકલેન્ડઃ ૧૫ હજાર કિલોમીટરનો પ્રવાસ ૧૬ કલાકમાં!

Wednesday 15th February 2017 06:31 EST
 
 

દોહાઃ કતાર એરલાઈન્સે કતારના પાટનગર દોહાથી લઈને ન્યૂઝિલેન્ડના પાટનગર ઓકલેન્ડ સુધીની જગતની સૌથી લાંબી ફ્લાઈટ શરૂ કરી છે. રવિવારે દોહાથી રવાના થયેલી કતાર એરવેઝની ફ્લાઈટ નંબર ક્યુઆર-૯૨૦ સતત ૧૬ કલાક, ૨૦ મિનિટની સફર કરીને ઓકલેન્ડ પહોંચી હતી. એ દરમિયાન બોઈંગ ૭૭૭ વિમાન કુલ મળીને ૧૪,૫૩૫ કિલોમીટરનું અંતર કાપશે અને દુનિયાના દસ ટાઈમ ઝોનમાંથી પસાર થશે. સમયની દૃષ્ટિએ આ સૌથી લાંબી ચાલનારી ફ્લાઈટ છે.
દોહાથી ઓકલેન્ડ પહોંચવામાં સવા સોળ કલાકનો સમય લાગશે. કોઈ વ્યક્તિ ઓકલેન્ડથી ફરી દોહાની ટિકિટ બૂક કરાવશે તો તેને ૧૭ કલાક અને ૩૦ મિનિટની સફર કરવી પડશે. વળતી વખતે વધારે પડતા શક્તિશાળી પવનો નડતાં હોવાથી ફ્લાઈટ થોડી ધીમી પડશે. અત્યારે જગતમાં કોઈ પણ એરલાઈન્સ કંપનીની કમર્શિયલ એટલે કે મુસાફરોને લઈને જતી ફ્લાઈટ આટલા લાંબા સમય સુધી ચાલતી નથી. આમ આ વિશ્વવિક્રમ છે. કતાર એરલાઈન્સે આ માટે ટ્રિપલ સેવન સિરિઝનું બોઈંગ-૭૭૭-૨૦૦એલઆર પસંદ કર્યું છે. આ વિમાનો ૧૭,૪૦૦ કિલોમીટર સુધીનું અંતર નોનસ્ટોપ આકાશમાં રહીને કાપી શકે છે.


comments powered by Disqus