ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સેનેટના નાયબ અધ્યક્ષ અને ઇસ્લામિક પાર્ટીના નેતા મૌલાના અબદુલ ગફુર હૈદરને અમેરિકી વિઝા ના મળતાં સંયુક્ત રાષ્ટ્ર ખાતેની આંતર સંસદીય સંઘની બેઠકમાં હાજરી આપવા જનારા પાક. પ્રતિનિધિમંડળની અમેરિકાની મુલાકાત જ રદ થઈ ગઈ છે. પાકિસ્તાનનું બે સભ્યોનું બનેલું પ્રતિનિધિમંડળ તે બેઠકમાં ભાગ લેવા જવાનું હતું. જમાતે ઉલેમા ઇસ્લામ પાર્ટીના મહામંત્રી મૌલાના અબદુલ ગફુર હૈદર સંયુક્ત રાષ્ટ્ર ખાતે ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીના રોજ યોજાનારી બેઠકમાં પાક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાના હતા. હૈદરના વિઝા હોલ્ડ રખાતાં ટેક્નિકલ રિફ્યૂઝ થયા એમ માનવામાં આવે છે. હૈદરની સાથે જવાના હતા તે સેનેટર લેફ. જનરલ(નિવૃત્ત) સલાહુદ્દીન તિરમીઝીના વિઝા બે દિવસ પહેલાં જ મંજૂર થયા હતા. પાક. સેનેટના અધ્યક્ષ રઝા રબ્બાનીએ ઘટનાની નોંધ લઈને બે પ્રતિનિધિઓની અમેરિકી મુલાકાત રદ કરી હતી.
