બનારસ ઘરાનાના તબલાવાદક સંદીપ દાસને ગ્રેમી એવોર્ડ

Wednesday 15th February 2017 07:13 EST
 
 

લોસ એન્જેલસઃ ભારતીય તબલાવાદક સંદીપ દાસને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને ચીની-અમેરિકી ગૃપ સિલ્ક રોડ એસેમ્બલના મ્યુઝિક આલબમ ‘સિંગ મી હોમ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. તેમને ત્રીજી વખત ગ્રેમીમાં નોમિનેટ કરાયા હતા. રવિવારે અમેરિકાના લોસ એન્જલસમાં આયોજિત એવોર્ડ સેરેમનીમાં દાસ સમગ્ર ગૃપ સાથે સ્ટેજ પર હાજર હતા. જ્યાં દરેકે સૂટ પહેર્યા હતા, પણ દાસ કુર્તા-પાયજામામાં સજ્જ હતા.
૧૯૭૧માં બિહારમાં જન્મેલા સંદીપ દાસે પટણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. દાસે આઠ વર્ષની ઉંમરે તબલાં શીખવાની શરૂઆત કરી હતી. નવ વર્ષના થયા તો બનારસ ઘરાનાના કિશન મહારાજને તેમના ગુરુ બનાવ્યા. દર શનિવારે શાળાએથી છૂટ્યા બાદ દાસ પટણાથી બનારસ માટે નીકળી જતા હતા. ત્યાં કિશન મહારાજ પાસેથી તબલાં શીખતા. આ પછી રવિવારે રાતે બનારસથી પટણા પહોંચતા જેથી સોમવારે સ્કૂલે પહોંચી શકે. પાંચ વર્ષ સુધી આવું નિયમિત ચાલ્યું.
તબલાં માટેનો દાસનો પ્રેમ અને લાગણી જોઈ પેરેન્ટસે પણ સહયોગ આપ્યો. દાસ દસમું પાસ કરતા માતા-પિતા તેમને સાથે લઈને બનારસ જતા રહ્યાં. તબલાં શીખતાં શીખતાં દાસે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઈંગ્લિશમાં ગ્રેજ્યુએશન કર્યું અને ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા. માત્ર ૧૫ની ઉંમરે દાસે પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ ૧૯૮૬માં સિતારવાદક પં. રવિશંકર સાથે આપ્યું. તે ત્રણ વખત નેશનલ ડ્રમિંગ ચેમ્પિયન બની ચૂક્યા છે. ૧૯૯૧માં તેમણે સ્ટીલ ડ્રમ બેન્ડ ત્રિનિદાદ સાથે પ્રથમ વખત ભારતથી બહાર પરફોર્મન્સ આપ્યું.


comments powered by Disqus